ગઈકાલ શનિવારે રમાયેલ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 44મી મેચમાં, રાજસ્થાને લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવીને પ્લેઓફ માટે પોતાનુ સ્થાન લગભગ ક્વોલિફાય કરી લીધું છે. આઈપીએલની વર્તમાન સિઝનમાં રાજસ્થાને 9માંથી 8 મેચ જીતીને 16 પોઈન્ટ મેળવ્યા છે. IPL 2024માં રાજસ્થાન માત્ર એક મેચ હાર્યું છે. જે ગુજરાત ટાઈટન્સે હરાવ્યું હતું. ગઈકાલે રમાયેલ મેચમાં લખનૌએ જીત માટે રાજસ્થાન રોયલ્સને 197 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે રાજસ્થાન રોયલ્સે 6 બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો.
લખનૌ સુપરજાયન્ટ્સ સામેની મેચમાં એક નવો વિક્રમ પણ રચાયો છે. ધ્રુવ જુરેલે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન સાથે મળીને શાનદાર રમત રમી અને ટીમને 7 વિકેટે જીત અપાવી. આ સાથે રાજસ્થાન માટે સંજુ અને ધ્રુવના નામે એક મોટો રેકોર્ડ પણ નોંધાયો હતો.
આ બંને વચ્ચે 121 રનની અણનમ ભાગીદારી થઈ હતી. રાજસ્થાન માટે આઈપીએલમાં કોઈપણ વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા આ રેકોર્ડ યુસુફ પઠાણ અને પારસ ડોગરાના નામે હતો, જેમણે 2010માં 107 રનની ભાગીદારી કરી હતી.
IPL 2024માં સંજુ સેમસન શાનદાર બેટિંગ કરી રહ્યો છે. લખનૌ સામેની મેચમાં તેની 71 રનની ઇનિંગ સાથે તે આ સિઝનમાં વિકેટકીપર કમ બેટ્સમેન તરીકે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. સંજુએ આ સિઝનમાં અત્યાર સુધીમાં 385 રન બનાવ્યા છે. જ્યારે કેએલ રાહુલ 378 રન સાથે બીજા સ્થાને છે તો ઋષભ પંત 371 રન સાથે ત્રીજા સ્થાને છે.
લખનૌ સામેની મેચમાં સંજુ સેમસને 33 બોલમાં 71 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ જોરદાર બેટિંગ માટે તેને મેન ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો. આ સાથે તે શેન વોટસન અને યુસુફ પઠાણની બરાબરી કરી ગયો. રાજસ્થાન તરફથી રમતા સંજુને 9મી વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો છે.
વોટસન અને પઠાણે પણ આ ફ્રેન્ચાઈઝી માટે 9 વખત મેન ઓફ ધ મેચની સિદ્ધિ મેળવી છે. આ મામલે જોસ બટલર પ્રથમ સ્થાને છે. બટલરને કુલ 12 વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો છે. જ્યારે અજિંક્ય રહાણે 10 વખત મેન ઓફ ધ મેચ બન્યો છે.
લખનૌ સુપરજાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે આઈપીએલમાં ઓપનર તરીકે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. રાહુલ આ લીગમાં ઓપનર તરીકે 4 હજાર રન બનાવનાર 5મો બેટ્સમેન બની ગયો છે. આ મામલામાં શિખર ધવન 6263 રન સાથે પહેલા સ્થાન પર છે.