
લખનૌ સુપર જાયન્ટ્સના જોશ ઇંગ્લિસે (Josh Inglis) ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આઈપીએલ 2026ના 53માં મુકાબલામાં 10 બાઉન્ડ્રી સાથે તોફાની અડધી સદી ફટકારીને નિકોલસ પૂરનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ઇંગ્લિસે માત્ર 17 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ દરમિયાન તેના બેટથી 4 છગ્ગા અને 6 ચોગ્ગા નીકળ્યા હતા. આ રીતે તેણે ફિફ્ટી સુધી પહોંચવા માટે 10 બાઉન્ડ્રી ફટકારી હતી.
હવે જોશ ઇંગ્લિસ લખનૌ સુપર જાયન્ટ્સ માટે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે. તેણે નિકોલસ પૂરનનો એક રેકોર્ડ તોડી નાખ્યો છે. આ અગાઉ લખનૌ માટે ત્રીજી સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ પૂરનના નામે હતો. પૂરને વર્ષ 2025માં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 18 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.
નોંધનીય બાબત એ છે કે, લખનૌ માટે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ પણ પૂરનના નામે જ નોંધાયેલો છે. ઇંગ્લિસની 17 બોલની ફિફ્ટી પહેલા લખનૌ માટે 5 સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ પણ નિકોલસ પૂરનના નામે જ હતો. હવે જોશ ઇંગ્લિસ આ લિસ્ટમાં ત્રીજા નંબરે આવી ગયો છે.
IPL પાવરપ્લેમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવવાનો રેકોર્ડ સુરેશ રૈનાના નામે છે. રૈનાએ 2014માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમતા પંજાબ કિંગ્સ સામે 25 બોલમાં 87* રન બનાવ્યા હતા. હવે ઇંગ્લિસ આ યાદીમાં ચોથા નંબરે આવી ગયો છે. ઇંગ્લિસે 25 બોલમાં 77* રન બનાવી લીધા છે.