
ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને, BCCIએ IPL 2025ને એક અઠવાડિયા માટે સ્થગિત કરી દીધું હતું. તેથી આ અઠવાડિયામાં યોજાનારી બધી મેચો મુલતવી રાખવામાં આવી છે. બોર્ડના આ નિર્ણય પછી, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ઉદારતા બતાવી છે.
ખરેખર, વિરાટ કોહલીની ટીમે દર્શકોના પૈસા પરત કરવાની જાહેરાત કરી છે. તેમની ટીમ 13 મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ અને 17 મેના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમવાની હતી. પરંતુ હવે ટુર્નામેન્ટ સ્થગિત થવાને કારણે આ મેચો રમાશે નહીં. તેથી, RCB ફ્રેન્ચાઈઝી આ બે મેચની ટિકિટ માટે સંપૂર્ણ રકમ પરત કરશે. અગાઉ, કાવ્યા મારનની ફ્રેન્ચાઈઝી સનરાઇઝર્સ હૈદરાબાદે સંપૂર્ણ રિફંડની જાહેરાત કરી હતી.
10 મેના રોજ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે 13 અને 17 મેના રોજ યોજાનારી મેચોની ટિકિટના સંપૂર્ણ પૈસા પરત કરવામાં આવશે. તેમણે કહ્યું કે ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે યોજાનારી RCB vs SRH અને RCB vs KKR મેચના મૂળ ટિકિટ ધારકો નિયમો અને શરતો અનુસાર સંપૂર્ણ પૈસા મેળવવા માટે પાત્ર રહેશે. આ માટે તેમણે પોતાની ફિઝિકલ ટિકિટ સુરક્ષિત રાખવી પડશે. જેમણે ડિજિટલ ટિકિટ ખરીદી છે તેમને આગળની પ્રક્રિયા અંગે જરૂરી માહિતી તેમના રજિસ્ટર્ડ ઈમેલ અથવા ફોન નંબર દ્વારા આપવામાં આવશે.
અન્ય બે ટીમોની જેમ, લખનૌ સુપર જાયન્ટ્સે પણ 9 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની તેમની હોમ મેચ રદ્દ થવાની માહિતી આપી હતી. તેણે માહિતી આપી હતી કે એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનારી મેચ હવે રમાશે નહીં અને તેઓ દર્શકોને પૈસા પરત કરશે, જેની વિગતો પછીથી આપવામાં આવશે.
IPL 2025 સ્થગિત થાય તે પહેલા, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમે કેપ્ટન રજત પાટીદારના નેતૃત્વમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. RDCએ આ સિઝનમાં અત્યાર સુધીમાં 11 મેચ રમી છે, જેમાંથી તેમણે 8 મેચ જીતી છે અને ફક્ત 3 મેચમાં જ હારનો સામનો કરવો પડ્યો છે. આ રીતે 16 પોઈન્ટ સાથે, તેઓ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે અને પ્લેઓફમાં જવા માટે મજબૂત દાવેદાર છે.
આ પણ વાંચો: Breaking News : ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પછી IPL 2025 ફરી શરૂ થવાની આશા વધી