RCB vs CSK : આંખો બતાવી, ગુસ્સામાં બોલ ફેંક્યો, કોહલીનો કેચ પકડ્યા બાદ CSK બોલરે આક્રમક રીતે કરી ઉજવણી

શનિવારે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં, બેંગ્લોરના મહાન બેટ્સમેન વિરાટ કોહલીએ તોફાની ઇનિંગ્સ રમી અને અને આ દરમિયાન તેણે ચેન્નાઈના દરેક બોલરને ફટકાર્યા હતા. પરંતુ તે આઉટ થયા પછી એક ખેલાડીએ ગુસ્સામાં બોલ કોહલી તરફ ફેંક્યો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

RCB vs CSK : આંખો બતાવી, ગુસ્સામાં બોલ ફેંક્યો, કોહલીનો કેચ પકડ્યા બાદ CSK બોલરે આક્રમક રીતે કરી ઉજવણી
Khaleel Ahmed & Virat Kohli
Image Credit source: PTI/Screenshot
| Updated on: May 03, 2025 | 9:15 PM

વિરાટ કોહલીએ IPL 2025 માં પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું અને બીજી એક શાનદાર ઈનિંગ રમીને શો ચોરી લીધો. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના સ્ટાર બેટ્સમેન કોહલીએ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં તોફાની અડધી સદી ફટકારી હતી. કોહલીએ પોતાના ઘરઆંગણે સતત બીજી મેચમાં અડધી સદી ફટકારી હતી. કોહલીએ પોતાની ઈનિંગ્સથી ચાહકોનું ખૂબ મનોરંજન કર્યું, પરંતુ તે આઉટ થતાની સાથે જ ચેન્નાઈ સુપર કિંગ્સના બોલર ખલીલ અહેમદે જે રીતે ઉજવણી કરી તેણે બધાનું ધ્યાન ખેંચ્યું.

ખલીલ અહેમદે કોહલીને કર્યો હતો પરેશાન

શનિવારે રમાયેલી IPLની 52મી મેચમાં આ બંને ટીમો આમને-સામને થઈ હતી. આ સિઝનમાં બેંગલુરુ અને ચેન્નાઈ બીજી વાર આમને-સામને હતા. અગાઉ, તેઓ સિઝનની શરૂઆતમાં ચેપોકમાં એકબીજાનો સામનો કરી ચૂક્યા હતા. તે મેચમાં, વિરાટ કોહલી મોટી ઈનિંગ રમી શક્યો ન હતો અને રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. ત્યારે ચેન્નાઈના ડાબા હાથના ઝડપી બોલર ખલીલ અહેમદે કોહલી પર બાઉન્સર ફેંકીને તેને પરેશાન કર્યો અને પછી લાંબા સમય સુધી તેની સામે જોતો રહ્યો.

વિરાટે ખલીલના બે બોલ પર બે છગ્ગા ફટકાર્યા

બેંગલુરુએ તે મેચ જીતી લીધી અને મેચ પછી કોહલીએ મજાકમાં ખલીલને કહ્યું કે તે તેને યાદ રાખશે અને આગલી વખતે તેને પાઠ ભણાવશે. આવી સ્થિતિમાં, બધાની નજર 3 મેના રોજ યોજાયેલી મેચમાં આ બંને વચ્ચેના મુકાબલા પર હતી અને કોહલીએ સ્કોર બરાબરી કરી દીધી. ત્રીજી ઓવરમાં, વિરાટે ખલીલના સતત બે બોલ પર બે છગ્ગા ફટકાર્યા. ત્યારબાદ કોહલીએ તોફાની અડધી સદી ફટકારી અને ચેન્નાઈના બોલરોને ચકનાચૂર કરી દીધા.

ખલીલે ગુસ્સામાં બોલ ફેંક્યો

પરંતુ આ પછી ફરી એકવાર બંને સામસામે આવ્યા. ઈનિંગની 12મી ઓવરમાં કોહલીએ સેમ કરનના બોલને અપર કટ રમવાનો પ્રયાસ કર્યો અને થર્ડ મેન ફિલ્ડરને આસાન કેચ આપી બેઠો. યોગાનુયોગ, કેચ લેનાર ફિલ્ડર ખલીલ અહેમદ હતો. બસ પછી શું. કેચ પકડતાની સાથે જ ખલીલે ગુસ્સામાં બોલ ફેંક્યો અને આક્રમક રીતે વિકેટની ઉજવણી કરી. હવે તેનો વીડિયો વાયરલ થઈ ગયો છે અને ચાહકો તેને શેર કરી રહ્યા છે અને આવતા વર્ષે બંને વચ્ચેની ટક્કરની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: RCB vs CSK : પહેલા આંખો બતાવી, પછી ગુસ્સામાં બોલ ફેંક્યો, વિરાટ કોહલીનો કેચ પકડ્યા બાદ CSK બોલરે બતાવ્યો ગુસ્સો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 8:56 pm, Sat, 3 May 25