
ગુજરાત ટાઈટન્સના યુવા ઓપનર સાઈ સુદર્શનને રોકવો મુશ્કેલ તો છે છે. પણ હવે તેની વિકેટ લેવી અશક્ય લાગે છે. IPL 2025માં સતત રન બનાવી રહેલા ડાબોડી બેટ્સમેન સાઈ સુદર્શને અત્યાર સુધીની પોતાની સૌથી વિસ્ફોટક શૈલી બતાવી અને અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીને ખરાબ રીતે ફટકરાયો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં સુદર્શને શમીની ઓવરમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે સુદર્શને T20 ક્રિકેટમાં 2000 રન પૂરા કરીને મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તોડ્યો હતો.
શુક્રવાર, 2 મેના રોજ અમદાવાદમાં રમાયેલી મેચમાં, યજમાન ગુજરાત ટાઈટન્સે પ્રથમ બેટિંગ કરી અને આ સિઝનમાં ચાલી રહેલા વલણને ચાલુ રાખીને, ફરી એકવાર તોફાની શરૂઆત કરી હતી. ફરી એકવાર, કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શને અડધી સદીની ભાગીદારી કરીને ટીમ માટે શાનદાર શરૂઆત કરી હતી. બંને બેટ્સમેન આક્રમક બેટિંગ કરી રહ્યા હતા પરંતુ સુદર્શનનું બેટ વધુ આગ લગાવી રહ્યું હતું અને મોહમ્મદ શમી તેનો શિકાર બન્યો હતો.
આ બધું ઈનિંગની ત્રીજી ઓવરમાં થયું, જ્યારે મોહમ્મદ શમી બીજી વખત બોલિંગ કરવા આવ્યો. સુદર્શને પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકાર્યો. જોકે શમીએ તેને આગલા બોલ પર કોઈ રન આપ્યો નહીં પરંતુ તે પછી તે સુદર્શનને રોકી શક્યો નહીં. 22 વર્ષીય બેટ્સમેને આગામી ચાર બોલ પર સતત ચાર ચોગ્ગા ફટકારીને શમીને પછાડ્યો હતો. એકંદરે, સુદર્શને આ ઓવરમાં 5 ચોગ્ગા ફટકાર્યા અને ટીમને એક શાનદાર સ્થિતિમાં પહોંચાડી દીધી. શમી બાદ સુદર્શને પાંચમી ઓવરમાં હર્ષલ પટેલને નિશાન બનાવ્યો હતો. સુદર્શને હર્ષલના ઓવરની શરૂઆત ચોગ્ગાથી કરી અને પછી છેલ્લા 3 બોલમાં સતત ચોગ્ગા ફટકાર્યા હતા.
એકંદરે, પાવરપ્લેમાં જ, સુદર્શને માત્ર 20 બોલમાં 45 રન બનાવ્યા, જેની મદદથી ગુજરાતે 82 રન બનાવ્યા હતા. જોકે, તે પોતાની અડધી સદી પૂર્ણ કરી શક્યો નહીં અને પાવરપ્લે પછી 48 રન બનાવીને આઉટ થયો. પરંતુ આ દરમિયાન સુદર્શને કેટલાક રેકોર્ડ પણ પોતાના નામે કર્યા. સુદર્શને IPLની માત્ર 35 ઈનિંગ્સમાં 1500 રન પૂરા કર્યા અને આ રીતે સૌથી ઓછી ઈનિંગ્સમાં આ સીમાચિહ્ન સુધી પહોંચનાર બેટ્સમેન બન્યો હતો.
આ ઉપરાંત સાઈ સુદર્શને સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તોડ્યો હતો. સુદર્શને તેની કારકિર્દીની 54મી ઈનિંગમાં 2000 T20 રન પૂરા કર્યા. આ રીતે તે આવું કરનાર સૌથી ઝડપી ભારતીય બન્યો હતો. તેણે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો હતો, જેમણે 59 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.
આ પણ વાંચો: IND vs BAN : પાકિસ્તાન પહેલા બાંગ્લાદેશ પર ભારતની કાર્યવાહી, ટીમ ઈન્ડિયા ODI-T20 શ્રેણી નહીં રમે !
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
Published On - 9:00 pm, Fri, 2 May 25