મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ કોચ કિરોન પોલાર્ડ અને બેટ્સમેન ટિમ ડેવિડને તેમની ભૂલ માટે સજા કરવામાં આવી છે. આ બંનેએ લાઈવ મેચમાં IPLના કાયદાનો ભંગ કર્યો હતો અને હવે તેના માટે તેમને દંડ ફટકારવામાં આવ્યો છે. પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ કોચ અને ખેલાડીએ IPLના નિયમો તોડવાની ભૂલ કરી હતી. આ ભૂલ માટે બંનેને મેચ ફીના 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
કિરોન પોલાર્ડ અને ટિમ ડેવિડ દ્વારા કરવામાં આવેલી ભૂલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગની 15મી ઓવર સાથે જોડાયેલી ઘટના છે. આ ઓવરના છેલ્લા બોલ પર ક્રિઝ પર રહેલા સૂર્યકુમાર યાદવ માટે અર્શદીપ સિંહના વાઈડનો રિવ્યુ કરવાનો નિર્ણય મુંબઈના ડગઆઉટમાંથી આવ્યો હતો, જેનો સંકેત કિરોન પોલાર્ડ અને ટિમ ડેવિડ દ્વારા આપવામાં આવ્યો હતો. ટીવી રિપ્લે જોયા બાદ બંનેએ સૂર્યકુમારને રિવ્યુ લેવાનો ઈશારો કર્યો હતો.
પંજાબ કિંગ્સના કેપ્ટન સેમ કરને પણ મુંબઈ ઈન્ડિયન્સના ડગઆઉટમાંથી કિરોન પોલાર્ડ અને ટિમ ડેવિડ દ્વારા કરવામાં આવેલા ઈશારાનો વિરોધ કર્યો હતો. પરંતુ પછી ફિલ્ડ અમ્પાયરે તેની અવગણના કરી. જોકે, ઘટનાના 48 કલાક બાદ પોલાર્ડ અને ટિમ ડેવિડ બંને પર મેચ ફીના 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
IPL દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી અનુસાર, પોલાર્ડ અને ટિમ ડેવિડ બંને IPL કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.20 હેઠળ લેવલ 1 માટે દોષિત ઠર્યા છે. કિરોન પોલાર્ડ અને ટિમ ડેવિડ બંનેએ મેચ રેફરી સંજય વર્માની સામે પોતાની ભૂલો સ્વીકારી હતી, જે બાદ તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો.
મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સ સામેની મેચ 9 રને જીતી હતી. મુંબઈની ટીમ હાલમાં 6 પોઈન્ટ ધરાવે છે અને પોઈન્ટ ટેબલમાં 7મા સ્થાને છે. મુંબઈ ઈન્ડિયન્સની આગામી મેચ રાજસ્થાન રોયલ્સ સામે 23 એપ્રિલે જયપુરમાં છે.
આ પણ વાંચો : T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી અંગે મોટું અપડેટ, કેપ્ટન રોહિત શર્મા આ દિવસે સિલેક્ટર્સ સાથે કરશે બેઠક!