દર વખતે IPL માં કેટલાક એવા ખેલાડી ઉભરે છે, જેમની પૃષ્ઠભૂમિ મહાન સંઘર્ષ અને બલિદાનની વાર્તા કહે છે. ઘણા યુવા અને અજાણ્યા ભારતીય ખેલાડીઓ આવી પરિસ્થિતિઓમાંથી બહાર આવીને આ લીગમાં પોતાનું નામ ચમકાવી રહ્યા છે. જો કે, માત્ર ભારતીય ખેલાડીઓ જ નહીં પરંતુ કેટલાક વિદેશી ખેલાડીઓ પણ આવી પરિસ્થિતિઓનો સામનો કરે છે. રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) માં એક એવો ખેલાડી છે, જેણે પોતાના અંગત જીવનની પરેશાનીઓ વચ્ચે પણ પોતાને મેદાન પર સારું પ્રદર્શન કરવાની પ્રેરણા આપી અને ટીમને IPL 2022 ની ફાઇનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. આ ખેલાડી છે વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર ઓબેદ મેકકોય (Obed McCoy).
રાજસ્થાન રોયલ્સે શુક્રવારે 27 મેના રોજ બીજા ક્વોલિફાયરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટથી હરાવ્યું હતું અને આ સાથે IPL સિઝનની ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. રાજસ્થાનની આ જીતમાં માત્ર જોસ બટલરની સદી અને પ્રસિદ્ધ કૃષ્ણાના ઘાતક સ્પેલની ચર્ચા થઈ રહી છે, પરંતુ મેકકોયે પણ જોરદાર ફાળો આપ્યો હતો. મેકકોયે 4 ઓવરમાં માત્ર 23 રન આપ્યા અને 3 વિકેટ લીધી, જેમાં RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની સૌથી મહત્વની વિકેટ રહી. આ સાથે મેકકોયએ ગ્લેન મેક્સવેલનો શાનદાર ડાઈવ સાથે મુશ્કેલ કેચ પણ લીધો અને ડેથ ઓવરોમાં બોલીંગ પણ કસીને કરી હતી.
રાજસ્થાનની આ યાદગાર જીતમાં મેકકોયના આ પ્રદર્શને પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે પ્રસિદ્ધ અને બટલરની સામે તેની ચર્ચા નથી થઈ રહી, પરંતુ ટીમના કોચ કુમાર સંગાકારા તેનો ઉલ્લેખ કરવાનું ભૂલ્યા નથી. સંગાકારાએ કહ્યું કે મેકકોયનું પ્રદર્શન પણ ખાસ છે કારણ કે તે તેની માતાની બીમારીના કારણે પરેશાન હતો.
સંગાકારાએ મેચ બાદ કહ્યું, મેકકોયની માતા વેસ્ટ ઈન્ડિઝમાં ખૂબ જ બીમાર છે અને તેને (ઓબેદ) આ સામનો કરવો પડ્યો હતો અને તેમ છતાં તેણે પોતાનું તમામ ધ્યાન કેન્દ્રિત કર્યું અને જબરદસ્ત પ્રદર્શન કર્યું. તેમની (ઓબેદની માતા) તબિયત હવે સ્વસ્થ થઇ રહી છે.
25 વર્ષીય ડાબોડી મધ્યમ ઝડપી બોલર ઓબેદ મેકકોયે IPL 2022 માં જ ડેબ્યૂ કર્યું છે. રાજસ્થાને તેને મેગા ઓક્શનમાં માત્ર 75 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસમાં ખરીદ્યો હતો અને હવે તે એક મજબૂત સોદો સાબિત થઈ રહ્યો છે. મેકકોયે આ સિઝનની 6 ઇનિંગ્સમાં 11 વિકેટ ઝડપી છે અને હવે તેની પાસે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ સામે રાજસ્થાન માટે ટાઇટલ જીતવાની સારી તક છે, જેના માટે તે ફરીથી સંપૂર્ણ ધ્યાન સાથે તૈયારી કરશે.