IPL 2022: લખનૌ સુપર જાયન્ટ્સે મોહસીન ખાનને મુંબઈ સામે ઉતારવાનો ખેલ્યો દાવ, જાણો કોણ છે જે પહેલા ‘પલટન’ નો હતો હિસ્સો
મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ને હરાવવાના ઈરાદા સાથે લખનૌ સુપર જાયન્ટ્સે તેના જ જૂના ખેલાડીને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. એટલે કે જે ટીમે તેને રમવાની તક ન આપી, આજે તે ખેલાડી IPL માં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.
IPL 2022 માં આજે મેચ મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ (MI vs LSG) છે. મુંબઈ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી રહ્યું છે. મુંબઈએ મેચ માટે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. પરંતુ લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ને હરાવવાના ઈરાદા સાથે તેના જ જૂના ખેલાડીને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. એટલે કે જે ટીમે તેને રમવાની તક ન આપી, હવે તે ખેલાડી તેની સામે IPLમાં ડેબ્યૂ કરી રહ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ યુપીથી આવતા ડાબા હાથના ફાસ્ટ બોલર મોહસિન ખાન (Mohsin Khan) ની. 23 વર્ષીય મોહસીનને IPL 2018 અને 2020 ની હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો હતો. પરંતુ તેને મેદાન પર લઈ જવાને બદલે તેને બેંચ પર બેસાડી રાખ્યો હતો.
લખનૌ સુપર જાયન્ટ્સે પ્લેઈંગ ઈલેવનમાં અવેશ ખાનની જગ્યાએ મોહસીન ખાનને તક આપી છે. અવેશ ખાનને હળવી ઈજા થઈ છે, જેના કારણે તે આ મેચમાંથી બહાર છે. લખનૌના કેપ્ટન કેએલ રાહુલે ટોસ દરમિયાન અવેશની ઈજા વિશે માહિતી આપી હતી.
મોહસીન ખાન પર સારી બોલિંગ કરવાનું દબાણ રહેશે
આઈપીએલની પીચ પર મોહસીન ખાનની આ પ્રથમ મેચ હશે. તે પણ ફ્રેન્ચાઇઝી સામે જેણે તેને જોડ્યો હતો પરંતુ તેને ક્યારેય રમવાની તક આપી ન હતી. તેને લખનૌની ટીમમાં અવેશ ખાનનું સ્થાન મળ્યું છે. આવી સ્થિતિમાં તે પાવરપ્લે અને ડેથ ઓવરમાં કેવી બોલિંગ કરે છે તે જોવું પણ રસપ્રદ રહેશે. જો કે, લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે પોતાના જૂના ખેલાડીને ઉતારીને મેચને રોમાંચક બનાવી દીધી છે.
મોહસીનની બોલિંગ સ્પીડ 135 થી 140 કિમી પ્રતિ કલાક છે અને તેને આ સ્પીડ માટે પસંદ કરવામાં આવ્યો હતો. મોહસિને ગુજરાત ટાઇટન્સ સામે 140થી વધુની બોલિંગ કરી હતી પરંતુ તે વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો.
ઘરેલુ ક્રિકેટમાં 45 મેચનો અનુભવ
ઉત્તર પ્રદેશના સંભલમાં જન્મેલા 23 વર્ષીય ફાસ્ટ બોલર મોહસિન ખાનને ઘરેલુ ક્રિકેટમાં કુલ 45 મેચ રમવાનો અનુભવ છે. જેમાં 1 ફર્સ્ટ ક્લાસ મેચ, 17 લિસ્ટ A મેચ અને 27 T20 મેચ સામેલ છે. ડાબા હાથના ફાસ્ટ બોલરે આ 45 મેચોમાં કુલ 61 વિકેટ લીધી છે, જેમાં 2 ફર્સ્ટ ક્લાસ વિકેટ, લિસ્ટ Aમાં 26 વિકેટ અને T20 ક્રિકેટમાં 33 વિકેટ સામેલ છે.