IPL 2022: મુંબઇ ઇન્ડિયન્સે રિટેન ના કર્યો તો ભાવુક થયો હાર્દિક પંડ્યા, ઇમોશનલ વિડીયો શેર કરીને ‘MI પલટન’ ને કર્યુ બાય-બાય
હાર્દિક પંડ્યા (Hardik Pandya) 2015 થી મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) સાથે છે અને તેણે આ ટીમ સાથે 2015, 2017, 2019, 2020 માં IPL ટાઈટલ જીત્યું છે.
મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians) IPL-2022 સીઝન માટે તેમના રિટેન કરાયેલા ખેલાડીઓની જાહેરાત નિયત સમયે કરી દીધી હતી. કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ની સાથે જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને કિરોન પોલાર્ડને રિટેન કરવામાં આવ્યા છે. જેમામાં હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને કૃણાલ પંડ્યા (Krunal Pandya) નું નામ સામેલ નથી. પંડ્યા બંધુઓ લાંબા સમયથી આ ટીમનો ભાગ રહ્યા છે અને ટીમની મહત્વની કડી હતા.
હાર્દિકે 2015માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. અહીંથી જ તેણે પોતાનું નામ કમાવ્યું અને તેની ગણતરી ખતરનાક ઓલરાઉન્ડરોમાં થવા લાગી. મુંબઈથી છૂટ્યા બાદ હાર્દિકે એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણે એવા સંકેત આપ્યા છે કે તે આ ટીમમાં ફરી પાછો નહીં આવે.
હાર્દિકે 2015, 2017, 2019, 2020માં મુંબઈ સાથે આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. એક ઈમોશનલ વિડીયો શેર કરતા તેણે લખ્યું કે, હું આ યાદોને મારી આખી જિંદગી હંમેશા મારી સાથે રાખીશ. આ ક્ષણોને હું કાયમ મારી સાથે યાદ રાખીશ. મેં અહીં જે મિત્રતા કરી છે, મેં જે સંબંધો બાંધ્યા છે, લોકોનો, ચાહકોનો હું હંમેશા આભારી રહીશ. હું માત્ર એક ખેલાડી તરીકે જ નહીં પણ માણસ તરીકે પણ સુધર્યો છું. હું અહીં એક યુવા ક્રિકેટર સાથે મોટા સપના સાથે આવ્યો હતો – અમે સાથે જીત્યા, અમે સાથે હારી ગયા, અમે સાથે લડ્યા. આ ટીમ સાથે વિતાવેલી દરેક ક્ષણ મારા હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. દરેક વ્યક્તિ કહે છે કે સારી વસ્તુઓનો અંત આવવાનો છે પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ હંમેશા મારા દિલમાં રહેશે.
View this post on Instagram
ખરાબ ફોમ અને ઇજાઓથી પરેશાન
હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક મહિનાઓથી ખરાબ ફોર્મ અને ઈજાના કારણે પરેશાન છે. તેનુ બોલિંગ નહી કરવાનુ પણ ચિંતાનો વિષય છે. તેણે IPLમાં પણ બોલિંગ કરી ન હતી. ICC T20 વર્લ્ડ કપ પહેલા તેની બોલિંગને લઈને ઘણી ચર્ચા થઈ હતી. જો કે તેણે વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન સામે બોલિંગ કરી હતી પરંતુ તે વિકેટ લઈ શક્યો નહોતો. આ પછી, તેને ન્યૂઝીલેન્ડ સામે તાજેતરમાં રમાયેલી ત્રણ મેચની T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મુંબઈ ઈન્ડિયન્સે પણ તેને રિટેન ન કરવાનો નિર્ણય લીધો છે. તે તેની પીઠની ઈજાથી પરેશાન છે જેના કારણે તેને બોલિંગ કરવામાં મુશ્કેલી પડી રહી છે.
પસંદગીકારો સમક્ષ આ માંગણી મૂકવામાં આવી છે
તાજેતરમાં જ એવા અહેવાલ પણ આવ્યા હતા કે હાર્દિક પંડ્યાએ પસંદગીકારોને કહ્યું છે કે તે તેને થોડા દિવસો માટે પસંદગી માટે ઉપલબ્ધ ન ગણે. એક અહેવાલમાં જણાવ્યું હતું કે પંડ્યા સંપૂર્ણ સમય બોલિંગ કરવા માટે ફિટ થવાનો પ્રયાસ કરી રહ્યો છે અને આ માટે તેણે પસંદગીકારો પાસેથી સમય માંગ્યો છે.