IPL 2022 : 99 રનની ઇનિંગ રમનાર ગાયકવાડે ધોની-રોહિતને પાછળ છોડી દીધા, સચિનના રેકોર્ડની બરાબરી કરી
IPL 2022 : હૈદરાબાદ (SRH) સામેની મેચમાં ગાયકવાડ સદી ફટકારવામાંથી ચૂકી ગયો. તેણે આ મેચમાં 57 બોલમાં 99 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 6 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) નો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) સાથે થયો હતો. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે શાનદાર પ્રદર્શન કરતા 13 રને મેચ જીતી લીધી હતી. આ મેચથી જાડેજાને બદલે ધોનીએ ચેન્નઈ ટીમની કમાન સંભાળી હતી અને તેની સાથે જ ટીમ જીતના ટ્રેક પર જોવા મળી હતી. ચેન્નઈની જીતમાં રુતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) નો સિંહ ફાળો રહ્યો હતો. ટીમના ઓપનર રુતુરાજ ગાયકવાડે ફરી એકવાર ફોર્મમાં પરત ફર્યો હતો. તેણે આ મેચમાં 99 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે સચિન તેંડુલકર (Sachin Tendulkar) ના એક મોટા રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
સચિન તેંડુલકરના આ રેકોર્ડની બરોબરી કરી
રુતુરાજ ગાયકવાડે IPL ની કારકિર્દીમાં 1000 રન પૂરા કર્યા છે. તેણે 31 મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. આ સાથે તે સચિન તેંડુલકર સાથે સૌથી ઝડપી 1000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. ગાયકવાડે ભૂતપૂર્વ ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના બેટ્સમેન સુરેશ રૈના (34 ઇનિંગ્સ), દેવદત્ત પડિકલ (35 ઇનિંગ), ઋષભ પંત (35 ઇનિંગ), ગૌતમ ગંભીર (36 ઇનિંગ), રોહિત શર્મા, એમએસ ધોની અને અજિંક્ય રહાણે (37 ઇનિંગ) ને પાછળ છોડી દીધા છે.
સદી ચૂકી ગયો રુતુરાજ ગાયકવાડ
સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં રુતુરાજ ગાયકવાડ સદી ચૂકી ગયો હતો. તેણે આ મેચમાં 57 બોલમાં આક્રમક 99 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 6 ચોગ્ગા અને 6 છગ્ગાની રમઝટ બોલાવી હતી. આ સિઝનમાં આ તેની બીજી અડધી સદી છે.
For Match 46 – Ruturaj Gaikwad is adjudged Player of the Match for his brilliant knock of 99 as #CSK win by 13 runs against #SRH.#TATAIPL #SRHvCSK pic.twitter.com/TbkJcEssh1
— IndianPremierLeague (@IPL) May 1, 2022
ચેન્નઈએ મજબુત સ્કોર બનાવ્યો
રુતુરાજ ગાયકવાડ (99 રન) અને ડેવોન કોનવે (અણનમ 85*) ની વિસ્ફોટક ઇનિંગને પગલે ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) એ મહારાષ્ટ્રમાં રમાઈ રહેલી IPL 2022 ની 46મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ને 203 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. ચેન્નાઈએ 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા હતા. ટીમ માટે ગાયકવાડ અને કોનવેએ 107 બોલમાં 182 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી. જોકે સનરાઇઝર્સ હૈદરાબાદ 20 ઓવરમાં 6 વિકેટના ભોગે 189 રન જ કરી શક્યું હતું અને મેચ 13 રને હારી ગયું હતું. આ જીત સાથે ચેન્નઈની ટીમે સિઝનમાં 3જી જીત મેળવી હતી.
આ પણ વાંચો : IPL 2022: ચેન્નાઈની જીત બાદ કેપ્ટન કુલની વાત, હૈદરાબાદને હરાવવા માટે અમે એ જ કામ કર્યુ કે જે સૌ કોઈ કરે છે-ધોની
આ પણ વાંચો : IPL 2022: દિલ્હી કેપિટલ્સના સ્ટાર ખેલાડીને મેદાનમાં અયોગ્ય વ્યવહાર બદલ મળી સજા, લખનૌ સામેની મેચમાં કરી હતી અશિસ્ત