IND vs AUS: ઈન્દોર અને અમદાવાદ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાનુ BCCI એ કર્યુ એલાન
India vs Australia: ભારતે નાગપુર અને દિલ્લી ટેસ્ટમાં શાનદાર જીત મેળવીને બોર્ડર ગાવાસ્કર ટ્રોફી પર કબ્જો જમાવી લીધો છે. હવે બાકીની બંને ટેસ્ટ માટે ટીમનુ એલાન કરવામાં આવ્યુ છે.
બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની પ્રથમ બંને મેચ સમાપ્ત થઈ ચુકી છે. દિલ્લીમાં રમાયેલી ટેસ્ટ મેચનુ પરીણામ આજે રવિવારે ત્રીજા દિવસે સામે આવ્યુ હતુ. આમ ભારતે બંને ટેસ્ટ મેચ જીતીને લઈને ટ્રોફી પર કબ્જો જમાવી લીધો છે. હવે સિરીઝની બાકીની ટેસ્ટ મેચ પૈકી ત્રીજી ઇન્દોરમાં અને ચોથી અમદાવાદમાં રમાનારી છે. આ બંને ટેસ્ટ મેચ માટેની ભારતીય ટીમ ની બીસીસીઆઈએ રવિવારે જ જાહેરાત કરી હતી.
ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝમાં હવે ઓસ્ટ્રેલિયાને ક્લીન સ્વીપ કરવાનો ઈરાદો રાખે છે. ભારતે સિરીઝમાં 2-0 થી અજેય લીડ બનાવી લીધી છે અને ટ્રોફી પર કબ્જો કરી લીધો છે. પ્રથમ બંને ટેસ્ટમા વિજયી રહેલી ટીમને જાળવી રાખવામાં આવી છે. ભારતીય ટીમની નજર ઓસ્ટ્રેલિયાને ક્લીન સ્વીપ કરવા સાથે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની ટિકિટ પાકી કરી લેવા પર છે.
સ્ક્વોડ જાળવી રખાઈ
કેએલ રાહુલને આગળની બંને ટેસ્ટ મેચ માટે ટીમમાં યથાવત રાખવામાં આવ્યો છે. રાહુલની રમત હાલમાં નિરાશ કરનારી છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં પ્રથમ બંને મેચમાં કેએલ રાહુલે નિરાશાજનક પ્રદર્શન કર્યુ છે. આમ છતાં ભારતીય ક્રિકેટ ટીમની સિનિયર સિલેક્શન સમિતિએ રાહુલને અંતિમ બંને ટેસ્ટ માટે યથાવત રાખ્યો છે.
સિરીઝની પ્રથમ બંને ટેસ્ટમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા છવાયેલો રહ્યો હતો. જાડેજાએ દિલ્લી અને નાગપુર બંને ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા માટે મુશ્કેલી સર્જી હતી.અક્ષર પટેલે પણ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે શરુઆતની બંને ટેસ્ટમાં મુશ્કેલ સમયમાં ટીમની જવાબદારી સ્વિકારીને રમત દર્શાવી હતી. તેણે મુશ્કેલીઓને ટાળવા સમાન રમત રમી હતી.
India’s squad for 3rd & 4th Test vs Australia
Rohit Sharma (C), KL Rahul, S Gill, Cheteshwar Pujara, Virat Kohli, KS Bharat (wk), Ishan Kishan (wk), R Ashwin, Axar Patel, Kuldeep Yadav, R Jadeja, Mohd Shami, Mohd Siraj, Shreyas Iyer, Suryakumar Yadav, Umesh Yadav, Jaydev Unadkat
— BCCI (@BCCI) February 19, 2023
ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા , મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.