IND vs ENG: ભારતે ઈંગ્લેન્ડને હરાવી શ્રેણી બરાબર કરી, સ્મૃતિ મંધાનાની તોફાની અણનમ અડધી સદી
ભારત અને ઈંગ્લેન્ડ (India Women vs England Women) ની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ડર્બીમાં ટી20 શ્રેણીની બીજી મેચ રમાઈ હતી, જેમા ભારતીય મહિલા ટીમે (Indian Women Cricket Team) 8 વિકેટથી શાનદાર જીત નોંધાવી હતી.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian Women Cricket Team) હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. જ્યા બંને દેશની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે 3 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી રમાઈ રહી છે. ભારતીય મહિલા ટીમે બીજી ટી20 મેચ જીતી લઈને શ્રેણીને બરાબરી પર કરી લીધી છે. આ પહેલા પ્રથમ મેચ ભારતીય ટીમે ગુમાવી હતી. બીજી મેચમાં સ્મૃતી મંધાના (Smriti Mandhana) ની તોફાની રમતને લઈ વાપસી કરતા ભારતે 8 વિકેટે મેચને જીતી લીધી હતી. આમ શ્રેણીની અંતિમ મેચ હવે નિર્ણાયક રહેશે. મેચમાં આ પહેલા સ્નેહ રાણા (Sneh Rana) એ 3 વિકેટ ઝડપી હતી.
ભારતીય બોલરો ઈંગ્લીશ ટીમની સ્થિતી મુશ્કેલ કરી
ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન એમી જોન્સે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડની શરુઆત ખરાબ કરી દીધી હતી. બંને ઓપનીંગ જોડી 13 રનના સ્કોર પર જ પેવેલિયન પરત ફરી ગઈ હતી. ઈંગ્લેન્ડની ટીમ 10 મી ઓવરમાં 5 વિકેટ માત્ર 54 રનના સ્કોર પર જ ગુમાવી દીધી હતી. જોકે બાદમાં બાઉર અને ફ્રેયા કેમ્પની રમતે ઈંગ્લેન્ડ માટે લડાયક સ્કોર ખડક્યો હતો.
ફ્રેયા કેમ્પ એ 37 બોલનો સામનો કરીને 51 રન નોંધાવ્યા હતા. ફ્રેયા અંત સુધી અણનમ રહી હતી. તેણે 3 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદ થી આ રન નોંધાવ્યા હતા. બાઉચરે 26 બોલનો સામનો કરીને 34 રન નોંધાવ્યા હતા. તેણે 4 ચોગ્ગા આ દરમિયાન નોંધાવ્યા હતા. ઈંગ્લેન્ડે 20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવીને ભારત સામે 142 રનનો સ્કોર નોંધાવ્યો હતો.
ભારતની શાનદાર શરુઆત
મહિલા ટીમે લક્ષ્યનો પિછો કરતા સારી શરુઆત કરી હતી. પાવર પ્લેમાં જ ભારતે 55 રન નોંધાવી દીધા હતા. આમ લક્ષ્યને પહોંચવા માટેનો રસ્તો આસાન બનાવી દીધો હતો. જોકે શરુઆતમાં ભારતીય ઓપનર શેફાલી વર્મા ઝડપથી વિકેટ ગુમાવી બેઠી હતી. તે 20 રન નોંધાવીને પરત ફરી હતી. ભારતે બીજી વિકેટ દયાલન હેમલતાના રુપમાં ગુમાવી હતી. તે 9 રન નોંધાવીને પરત ફરી ગઈ હતી. જે વખતે ટીમનો સ્કોર 77 રન હતો.
જોકે બાદમાં સ્મૃતી અને ભારતીય ટીમની સુકાની હરમનપ્રીત કૌરએ સ્થિતી સંભાળી લીધી હતી. બંનેએ લક્ષ્ય હાંસલ કરવા સુધીની રમત રમી હતી. બંને વચ્ચે વિજયી ભાગીદારી રમત રહી હતી. જેને લઈ ભારતે 17મી ઓવરમાં જ વિજયી લક્ષ્ય હાંસલ કરી લીધુ હતુ. સ્મૃતિ મંધાનાએ 53 બોલનો સામનો કરીને 79 રનની ઈનીંગ રમી હતી. જેમાં 13 ચોગ્ગા તેણે ફટકાર્યા હતા. જ્યારે સુકાની હરમનપ્રીતે 22 બોલનો સામનો કરીને 29 રનની ઈનીગ રમી હતી.
હવે 15 સપ્ટમ્બરે ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ટીમ વચ્ચે નિર્ણાયક ટી20 મેચ રમાશે. જે ત્રણ મેચોની શ્રેણીની અંતિમ મેચ છે. આ પહેલા ઈંગ્લેન્ડે 9 વિકેટથી ભારત સામે પ્રથમ મેચમાં વિજય મેળવ્યો હતો. બીજી મેચમાં ભારતે વિજય મેળવતા સિરીઝ 1-1 થી બરાબર પર છે. આમ અંતિમ મેચ નિર્ણાયક સ્થિતીમાં પહોંચી છે, જે બ્રિસ્ટલમાં રમાનાર છે.