IND Vs WI ODI Match Report Today: ભારતે રોમાંચક મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે મેળવ્યો વિજય, અંતિમ બોલ સુધી શ્વાસ અધ્ધર રાખ્યા
IND Vs WI ODI Match Report Today: ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસની શરુઆત શાનદાર વિજય સાથે કરી છે. આ સાથે જ ભારતે વન ડે સિરીઝમાં 1-0 થી સરસાઈ મેળવી છે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે ત્રણ મેચોની વન ડે શ્રેણી રમાઈ રહી છે, જેની પ્રથમ મેચ ક્વીન્સ પાર્ક ઓવલ મેદાન પર રમાઈ હતી, જે મેચ ભારતે રોમાંચક સ્થિતીમાં જીતી હતી. ભારતે મેચમાં 3 રન થી વિજય મેળવ્યો હતો. ભારતીય ટીમની કેપ્ટનશીપ શિખર ધવન (Shikhar Dhawan) પાસે છે. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ટોસ હારીને ભારતે પ્રથમ બેટીંગ કરતા વેસ્ટ ઈન્ડિઝ સામે 7 વિકેટ ગુમાવી 309 રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ. શિખર ધવને 97 રનની ઈનીંગ રમી હતી. જ્યારે શ્રેયસ અય્યર અને શુભમન ગિલે પણ અડધી સદીની રમત નોંધાવી હતી. કેરેબિયન ટીમ તરફથી કાઈલ મેયર્સ અને બ્રેન્ડન કિંગે અડધી સદીની ઈનીંગ રમી હતી. આમ વેસ્ટ ઈન્ડિઝે 50 ઓવરના અંતે 305 રન 6 વિકેટે નોંધાવ્યા હતા. મેચ અંતિમ બોલ સુધી રોમાંચક રહી હતી.
ભારતીય બોલરોને પ્રથમ વિકેટ હાથ લાગ્યા બાદ બીજી વિકેટ ઝડપવા માટે 100 રનથી વધુ સમયની રાહ જોવી પડી હતી. ભારતીય ટીમે રાખેલા વિશાળ સ્કોરના લક્ષ્ય સામે વેસ્ટ ઈન્ડિઝે મક્કમતાથી લડત આપી હતી. જેની ભારતીય બોલરોએ પણ ધૈર્યતાથી યોજનાબદ્ધ રીતે બોલીંગ કરીને એક બાદ એક કેરેબિયન ખેલાડીઓને પોતાની જાળમાં ફસાવ્યા હતા. જોકે બીજી વિકેટ ઝડપવા માટે ખૂબ પરીશ્રમ વેઠવો પડ્યો હતો.
કાઈલ અને બ્રૂક્સની વિકેટ મેળવવી મુશ્કેલ રહી
શે હોપના રુપમાં સિરાજે ઝડપથી વિકેટ ઝડપી લઈને ભારતને પ્રથમ સફળતા 16 રનના સ્કોર પર જ અપાવી હતી. આમ વેસ્ટ ઈન્ડિઝની ઓપનીંગ જોડી 16 રનમાં જ તૂટી ગઈ હતી. પરંતુ બીજી વિકેટની ભાગીદારી રમત 100 રન થી વધુની રહી હતી. કાઈલ મેયર્સે 75 રનની ઈનીંગ 68 બોલનો સામનો કરીને રમી હતી. જે ભારત માટે મુશ્કેલી સર્જી રહી હતી. તેને શર્માહ બ્રૂક્સે સાથ પૂરાવતા 46 રન નોંધાવ્યા હતા. કાઈલ અને બ્રૂક્સને જોકે શાર્દૂલ ઠાકુર 24 અને 26 ઓવરમાં આઉટ કરવામાં સફળ રહ્યો હતો.
જોકે બાદમાં બ્રેન્ડન કિંગે લક્ષ્ય તરફ આગળ વધવાની જવાબદારી પોતાના ખભે સ્વિકારી હતી. તેણે 54 રનની ઈનીંગ રમી હતી. આ માટે 66 બોલનો સામનો કર્યો હતો. કિંગે 2 છગ્ગા જમાવીને ભારતીય બોલરો પર હાવી થવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુઝવેન્દ્ર ચહલ તેને પોતાની જાળમાં ફસાવવામાં સફળ રહ્યો હતો. જોકે ત્યાં સુધીમાં મેચ રોમાંચક સ્થિતી તરફ આગળ વધી ચુકી હતી. અકીલ હુસેને તેને સારો સાથ પૂર્યો હતો. આ પહેલા નિકોલસ પૂરને પણ 25 રનના યોગદાન સાથે સાથ પૂરાવ્યો હતો. અકીલ હુસેને 32 બોલમાં 33 રન નોંધાવ્યા હતા.જ્યારે રોમારિયો શેફર્ડે 25 બોલમાં 39 રન 32 છગ્ગાની મદદ વડે નોંધાવ્યા હતા.
મેડન થી શરુઆત છતાં સૌથી વધુ રન ગુમાવ્યા
ભારતીય બોલીંગ વિભાગમાં યુઝેવેન્દ્ર ચહલે 10 ઓવરમાં 58 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે સિરાજે 10 ઓવરમાં 58 રન આપીને 2 વિકેટ મેળવી હતી. શાર્દૂલ ઠાકુરે પણ 2 વિકેટ મેળવી હતી, તેણે 8 ઓવરમાં 54 રન ગુમાવ્યા હતા. પ્રસિદ્ધ કૃષ્ણાએ પ્રથમ ઓવર મેડન કરી હતી, છતાં 10 ઓવરમાં સૌથી વધુ રન ગુમાવી 62 રન આપ્યા હતા. દીપક હૂડાએ 5 ઓવરમાં 22 રન અને અક્ષર પટેલે 7 ઓવરમાં 43 રન આપ્યા હતા.