350 દિવસ બાદ ભારત-પાકિસ્તાન આમને-સામને ટકરાશે, જાણો ક્યારે અને ક્યાં જોવી મેચ
હોકીની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ ચીનમાં રમાઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની ટીમો 350 દિવસ પછી આમને-સામને થવાની છે. 14 સપ્ટેમ્બરે યોજાનારી આ શાનદાર મેચ પહેલા બંને ટીમના કેપ્ટનોએ એકબીજાના વખાણ કર્યા છે.
જ્યારે પણ ભારત અને પાકિસ્તાનની ટીમો કોઈ પણ રમતમાં આમને-સામને હોય છે ત્યારે સ્પર્ધાનો ઉત્સાહ વધી જાય છે. ચાહકો પણ આતુરતાથી મેચની રાહ જોઈ રહ્યા છે. હવે ચીનમાં ચાલી રહેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાનની ટીમો 350 દિવસ બાદ આમને-સામને થવા જઈ રહી છે.
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો દબદબો
છેલ્લી વખત બંને ટીમો આ ટુર્નામેન્ટમાં 30 સપ્ટેમ્બર 2023ના રોજ રમી હતી. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં પોઈન્ટ ટેબલ પર 4 જીત અને 12 પોઈન્ટ સાથે નંબર વન પર છે. જ્યારે પાકિસ્તાની ટીમે 3 મેચમાં 2 ડ્રો રમી છે અને 1 જીતી છે. આ સાથે તે 5 પોઈન્ટ સાથે ટેબલમાં બીજા સ્થાને છે. હવે આ ટોચની બે ટીમો સેમીફાઈનલ પહેલા 14 સપ્ટેમ્બર શનિવારના રોજ ગ્રુપ મેચમાં સામ-સામે આવવાની છે.
ભારત-પાકિસ્તાનનો રેકોર્ડ
હોકીના ઈતિહાસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 180 મેચ રમાઈ છે. આમાં પાકિસ્તાનની ટીમનો દબદબો રહ્યો છે. આમાં પાકિસ્તાને 82 મેચ જીતી છે જ્યારે ભારતે 66 મેચ જીતી છે. જ્યારે 32 મેચ ડ્રો રહી છે. જો કે, છેલ્લા 11 વર્ષોમાં એટલે કે 2013 થી, ભારતે પાકિસ્તાન પર પ્રભુત્વ જમાવ્યું છે. આ દરમિયાન 25 મેચ રમાઈ છે, જેમાં ટીમ ઈન્ડિયાએ 16 અને પાકિસ્તાની હોકી ટીમે 5 મેચ જીતી છે, જ્યારે 4 મેચ ડ્રો રહી છે.
ટીમ ઈન્ડિયા પાકિસ્તાન કરતા આગળ
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની વાત કરીએ તો આમાં પણ ટીમ ઈન્ડિયાનો દબદબો રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં બંને ટીમો 11 વખત ટકરાઈ છે, જેમાં 7 મેચ ભારતના નામે અને 2 મહ પાકિસ્તાનના નામે રહી અને 2 મેચ ડ્રો રહી હતી. છેલ્લી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં બંને ટીમો સામ-સામે આવી હતી ત્યારે ભારતે પાકિસ્તાનને 10-2થી હરાવ્યું હતું. તેથી, જો આપણે છેલ્લા કેટલાક વર્ષોના પ્રદર્શન અને વર્તમાન ટુર્નામેન્ટ પર નજર કરીએ તો, ટીમ ઈન્ડિયા પાકિસ્તાન કરતા ચડિયાતી દેખાય છે.
બંને ટીમના કેપ્ટને શું કહ્યું?
ભારતીય ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહનું ફોર્મ યથાવત છે અને તે પાકિસ્તાન સામે રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેણે કહ્યું કે તે પાકિસ્તાની ખેલાડીઓ સાથે ભાઈઓની જેમ વર્તે છે. હરમનપ્રીતે પાકિસ્તાનના વખાણ કરતા કહ્યું કે, પાકિસ્તાનની ટીમ મજબૂત છે અને ગમે ત્યારે વાપસી કરી શકે છે. તો બીજી તરફ પાકિસ્તાનના કેપ્ટન અમ્માદ બટ્ટે પણ ભારતીય ટીમના વખાણ કર્યા અને મેચમાં જોરદાર ટક્કર આપવાની વાત કરી.
મેચ ક્યારે અને ક્યાં જોવી?
ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ હોકી મેચ શનિવાર, 14 સપ્ટેમ્બરે બપોરે 1.15 કલાકે શરૂ થશે. દર્શકો તેને Sony Sports Ten 1 અને Ten 1 HD ચેનલો પર જોઈ શકે છે. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ SonyLIV એપ પર કરવામાં આવશે.
આ પણ વાંચો: IND vs BAN: ટીમ ઈન્ડિયાએ ચેન્નાઈમાં શરૂ કરી પ્રેક્ટિસ, જાણો પહેલા દિવસે શું થયું?