IND Vs NZ, 1st ODI, Match Preview: હાર્દિક પંડ્યા વાળો કમાલ કરશે શિખર ધવન? શુક્રવારે પ્રથમ વન ડે રમાશે
India Vs New Zealand, 1st ODI: ભારતીય ટીમે આ પહેલા ન્યુઝીલેન્ડ સામેની ત્રણ T20 શ્રેણી 1-0થી જીતી છે.

ન્યૂઝીલેન્ડના પ્રવાસે પહોંચેલી ભારતીય ટીમ શુક્રવારથી વનડે શ્રેણી શરૂ કરશે. આ પહેલા બંને ટીમો વચ્ચે ત્રણ ટી-20 મેચોની શ્રેણી પણ રમાઈ હતી. વરસાદના કારણે બે મેચ પૂર્ણ થઈ શકી ન હતી અને ભારતીય ટીમ 1-0થી શ્રેણી જીતવામાં સફળ રહી હતી. હાર્દિક પંડ્યા બાદ હવે ઓપનર શિખર ધવનની જવાબદારી છે કે તે ODI શ્રેણીમાં પણ આ જ સિદ્ધિનું પુનરાવર્તન કરે. છેલ્લી વખત જ્યારે બંને ટીમો ન્યુઝીલેન્ડમાં ટકરાયા હતા ત્યારે ભારતનો 0-3થી પરાજય થયો હતો.
રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ જેવા દિગ્ગજ ખેલાડીઓની ગેરહાજરીમાં શિખર ધવન માટે ન્યૂઝીલેન્ડનો પડકાર આસાન નહીં હોય. ધવન આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે અને તેની પાસે યુવા પ્રતિભાઓથી ભરેલી ટીમ છે. બીજી તરફ, કેન વિલિયમસનની સ્ટાર ખેલાડીઓથી ભરેલાી કિવી ટીમ છે જે ટી20 શ્રેણીનો બદલો લેવા માટે બેતાબ છે.
ભારતીય ખેલાડીઓ પર પોતાને સાબિત કરવાનું દબાણ
ભારત માટે ઓપનિંગની જવાબદારી ધવન અને શુભમન ગિલ પર રહેશે. આ સાથે જ મિડલ ઓર્ડરમાં શ્રેયસ અય્યર પર પણ સારું પ્રદર્શન જાળવી રાખવાની જવાબદારી રહેશે. સૂર્યકુમાર યાદવ હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે અને જો તે ફિટ રહેશે તો તેને પડતો મૂકી શકાય નહીં. સંજુ સેમસનને પણ લાંબા સમય સુધી અવગણી શકાય નહીં, જ્યારે દીપક હુડાને તેની ઓલરાઉન્ડ રમતના કારણે બાકાત રાખવું યોગ્ય નથી. પાંચ દિવસમાં ત્રણ વનડે રમાશે અને આવી સ્થિતિમાં ફાસ્ટ બોલરોએ જલ્દીથી જલ્દી થાકમાંથી બહાર આવવું પડશે. દીપક ચહર અને શાર્દુલ ઠાકુરને નવો બોલ સોંપવામાં આવી શકે છે.
ન્યુઝીલેન્ડમાં સ્ટાર્સની કમી નથી
અર્શદીપ સિંહ ત્રીજો વિકલ્પ બની શકે છે પરંતુ તે સતત રમી રહ્યો છે અને આવી સ્થિતિમાં કુલદીપ સેન અથવા ઉમરાન મલિકને તક મળી શકે છે. સ્પિનરોમાં વોશિંગ્ટન સુંદરને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળે તેવી શક્યતા છે. ન્યુઝીલેન્ડની ટીમ લગભગ એવી જ રહેવાની છે જેણે ટી20 સીરીઝમાં ભાગ લીધો હતો. તેનું બોલિંગ આક્રમણ ખૂબ જ મજબૂત છે જેમાં સ્વિંગર ટિમ સાઉથી, એડમ મિલ્ને, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી અને સ્પિનર મિશેલ સેન્ટનરનો સમાવેશ થાય છે. જો ઓલરાઉન્ડર ડેરીલ મિશેલ અને જિમી નીશમને પણ આમાં સામેલ કરવામાં આવે તો ન્યૂઝીલેન્ડ પાસે બોલિંગના પૂરતા વિકલ્પો છે.