IND vs AUS 4th Test: શમી પરત ફરશે, ઈશાન કે સૂર્યા કોને મળશે મોકો? અમદાવાદમાં કેવી હશે Playing 11
India Vs Australia 4th Test: ઈંદોર ટેસ્ટમાં મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો હતો, હવે તે અમદાવાદ ટેસ્ટમાં પરત ફરશે. અહીં ભારત માટે સિરીઝની અંતિમ ટેસ્ટ મહત્વની છે.

બોર્ડર ગાવાસ્કર ટ્રોફી ની 4 ટેસ્ટ મેચોની સિરીઝની અંતિમ મેચ ગુરુવારથી શરુ થઈ રહી છે. 9 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરુ થનારી શ્રેણીની અંતિમ ટેસ્ટમાં ભારતે જીત મેળવવી જરુરી છે. ટીમ ઈન્ડિયા વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવાની ટિકિટ માટે જીત મેળવવા પૂરો દમ લગાવી દેશે. તો બીજી તરફ શ્રેણીમાં હારથી બચવા માટે ઓસ્ટ્રેલિયન ટીમ પૂરી તાકાત અજમાવશે. ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝ પણ અંતિમ ટેસ્ટ જીતવા સાથે જીતી લઈ શકે છે. સિરીઝમાં હાલ ભારત 2-1 થી લીડ ધરાવે છે.
હવે સવાલ એ થાય છે કે, ફાઈનલ મેચ જેવી મહત્વની મેચમાં ભારતની અંતિમ ઈલેવન કેવી હશે. અમદાવાદ ટેસ્ટ પર સૌની નજર મંડરાયેલી છે. આ ટેસ્ટ જીતવા સાથે જ ભારત વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ટિકિટ મેળવી શકે છે. આવામાં ભારતીય અંતિમ ઈલેવન દમદાર રહેશે ચોક્કસ છે. ઈંદોર ટેસ્ટમાં આરામ આપવામાં આવેલ મોહમ્મદ શમી ફરી ટીમમાં સામેલ થશે. કેએલ રાહુલ ગત મેચમાં બહાર કરવામા આવ્યા બાદ કોઈ મહત્વના ખેલાડીને આરામના બહાને બહાર રખાશે કે કેમ તે પણ સવાલ થઈ રહ્યા છે.
શમી પરત ફરશે, કોને મળી શકે છે આરામ?
અમદાવાદ ટેસ્ટમાં મેદાને ઉતરનારી પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર પહેલાથી જ નિશ્વિત માનવામાં આવે છે. જે મોહમ્મદ શમીના નામે ફેરફાર જોવા મળી શકે છે. સિરાજ શમી આ મેચમાં અંદર થવા સાથે જ સિરાજને આરામ આપવામાં આવી શકે છે. ઉમેશ યાદવને શમીના સ્થાને ઈંદોર ટેસ્ટમાં સ્થાન આપવામા આવ્યુ હતુ. ઉમેશ અને શમી જૂના બોલ વડે રિવર્સ સ્વિંગ કરાવવાની જબરદસ્ત કાબેલિયત રાખે છે. આમ સિરાજને સ્પિનરોની ઉપયોગીતાને ધ્યાને રાખીને આરામ આપવામાં આવી શકે છે.
બોલિંગ વિભાગ બાદ બેટિંગ વિભાગમાં પણ આરામનો મામલો સેટ થઈ શકે છે. શુભમન ગિલ, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરનુ પ્રદર્શન પણ ખાસ રહ્યુ નથી. જેને લઈ હવે કોઈ એક બેટરને આરામ આપીને તેમના સ્થાને સૂર્ય કુમાર યાદવ કે પછી ઈશાન કિશનને સ્થાન આપવામાં આવી શકે છે. ટોપ ઓર્ડરના આ બેટરોએ આમ તો અત્યાર સુધી સિરીઝમાં નિરાશ કર્યા છે. કેએસ ભરત કીપર તરીકે ખાસ પ્રભાવિત કરી શક્યો નથી. જેને લઈ ઈશાન કિશન પર વિચારવામાં આવી શકે છે. જોકે આ બેટિંગ વિભાગમાં બદલાવની સંભાવનાઓ ઓછી વર્તાઈ રહી છે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, કેએસ ભરત (વિકેટકીપર), આર અશ્વિન, અક્ષર પટેલ, ઉમેશ યાદવ અને મોહમ્મદ શમી