IND vs AUS, 2nd ODI: વિશાખાપટ્ટનમમાં ટીમ ઈન્ડિયા સિરીઝ કબ્જે કરવાનો રાખશે ઈરાદો, બેટિંગમાં દમ દેખાડવો જરુરી
Ind Vs AUS Match Preview: ભારતીય ટીમે મુંબઈમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં 5 વિકેટે વિજય મેળવ્યો હતો. હવે ભારતને સિરીઝ પર કબ્જો જમાવી લેવાની વિશાખાપટ્ટનમમાં તક રહેશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડે મેચોની શ્રેણી રમાઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ મુંબઈમાં રમાઈ હતી અને જેમાં ભારતે 5 વિકેટથી જીત મેળવીને સિરીઝમાં 1-0 ની સરસાઈ મેળવી હતી. હવે રવિવારે વિશાખાપટ્ટનમમાં શ્રેણીની બીજી વનડે મેચ રમાનારી છે. આ મેચ જીતીને ભારતીય ટીમ સિરીઝને પોતાના નામે કરવાનો ઈરાદો રાખશે. ભારતીય ઝડપી બોલરોએ મુંબઈમાં શાનદાર દેખાવ કર્યો હતો, જેને લઈ ઓસ્ટ્રેલિયન ટીમ 188 રનના સ્કોરમાં જ સમેટાઈ ગઈ હતી. જોકે હવે ઓસ્ટ્રેલિયા પણ સિરીઝમાં પરત ફરવા માટે પ્રયાસ કરશે.
પ્રથમ મેચ દરમિયાન રોહિત શર્મા ઉપલબ્ધ નહોતો. હવે બીજી અને ત્રીજી વનડે મેચમાં રોહિત શર્મા ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ સંભાળશે. શરુઆતની મેચમાં હાર્દિક પંડ્યાએ ભારતનુ સુકાન સંભાળ્યુ હતુ. રોહિત શર્માના પરત ફરવાને લઈ ટીમ ઈન્ડિયાની અંતિમ ઈલેવનમાં પરિવર્તન જોવા મળશે. આમ એક બેટરે નિયમીત કેપ્ટનના પરત ફરવા સાથે જગ્યા કરવી પડશે.
બેટિંગમાં સુધારો જરુરી
પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમની સામે આસાન લક્ષ્ય હોવા છતાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 39 રનના સ્કોરમાં જ ભારતે ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ટોચના બેટરોએ ઝડપથી વિકેટો ગુમાવતા ભારતીય ટીમના સામે મુશ્કેલીઓ સર્જાઈ ગઈ હતી. જોકે કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાએ 108 રનની ભાગીદારી રમત રમતા ટીમ ઈન્ડિયા લક્ષ્યને 5 વિકેટના નુક્શાન સાથે પાર કરવામાં સફળ રહી હતી. ટીમ ઈન્ડિયાની બેટિંગ લાઈનમાં બેટરોએ પોતાના ક્રમે ભૂમિકા નિભાવવી પડી છે.
હિટમેન રોહિત શર્મા ટીમમાં પરત ફરવા સાથે ટોચનો ક્રમ વધારે મજબૂત બનશે. અગાઉ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વનડેમાં ટોચના ક્રમમાં સમસ્યા સર્જાઈ હતી. હવે રોહિત શર્મા ટીમ ઈન્ડિયાને સારી શરુઆત અપાવશે, એવી આશા છે. અગાઉ ઈશાન કિશન શુભમન ગિલ સાથે ઓપનીંગ માટે આવ્યો હતો અને તે માત્ર ત્રણ જ રન નોંધાવીને પરત ફર્યો હતો. વિરાટ કોહલી અને ચાર રન અને સૂર્યકુમાર યાદવ શૂન્ય રન નોંધાવીને પરત ફર્યા હતા. ખાસ કરીને ઓસ્ટ્રેલિયાના પેસર મિશેલ સ્ટાર્કનો સામનો મુશ્કેલ લાગી રહ્યો હતો.
બોલરોએ દેખાડવો પડશે દમ
શમી અને સિરાજે વાનખેડેમાં શાનદાર બોલિંગ કરી હતી. બંનેએ 3-3 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયન બેટરોને પરેશાન કરી દીધા હતા. મુંબઈમાં કુલદીપ યાદવ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. કાંડાના સ્પિનરે કોઈ પ્રભાવ દર્શાવ્યો નહોતો, પરંતુ ઝડપી બોલરોએ મુંબઈમાં જબરદસ્ત દેખાવ કર્યો હતો. વરસાદ પડવાની સંભાવના માનવામાં આવી રહી છે. જેને લઈ બંને ટીમના બોલરો બોલને સ્વિંગ કરાવવામાં સફળ રહી શકે છે.
ઓસ્ટ્રેલિયા પણ અલગ દાવપેચ બોલિગ વિભાગમાં અપનાવી શકે છે. વાનખેડેમાં ચાર ઓલરાઉન્ડરોને ઉતાર્યા હતા. પરંતુ વિખાશાપટ્ટનમમાં સ્ટીવ સ્મિથ કેવી પ્લેઈંગ ઈલેવન ઉતારે છે એ જોવુ રહ્યુ. કારણ કે ચારેય ઓલરાઉન્ડરો મુંબઈમાં પ્રભાવ દર્શાવી શક્યા નહોતા.
બીજી વનડેમાં વરસાદનુ સંકટ
રવિવારે રમાનારી શ્રેણની બીજી વનડે મેચમાં વરસાદનુ જોખમ તોળાયેલુ છે. વિશાખાપટ્ટનમમાં હવામાન બીજી વનડેમાં બગડી શકે છે. મેચના દિવસે જ વરસાદ વરસે એવી આશંકા દર્શાવવામાં આવી રહી છે. હવામાન વિભાગના મુજબ 31 થી 51 ટકા વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. સાંજના અરસા દરમિયાન 5 વાગ્યે વરસાદ વરસી શકે છે.