આ ભારતીય ક્રિકેટરના હૃદયમાં હતું કાણું, 21 વર્ષની ઉંમરે કરાવી સર્જરી, BCCIએ બચાવ્યો જીવ
દિલ્હીના ક્રિકેટર અને 2022માં ભારતને અંડર-19 વર્લ્ડ કપ જીતાડનાર યશ ધૂલના હૃદયમાં કાણું હતું. NCAના રૂટિન ચેકઅપ દરમિયાન યશ ધુલના હૃદયની સ્થિતિ સામે આવી હતી. જે બાદ BCCIએ યશ ધૂલની સારવારમાં સહયોગ આપ્યો હતો અને આજે આ ક્રિકેટર દિલ્હી પ્રીમિયર લીગમાં રમી રહ્યો છે.
પોતાની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાને અંડર-19 વર્લ્ડ કપ જીતાડનાર યશ ધૂલ પર એક ચોંકાવનારો ખુલાસો થયો છે. અહેવાલો અનુસાર, યશ ધુલનો જીવ જોખમમાં હતો અને તેણે તાજેતરમાં હાર્ટ સર્જરી કરાવી હતી. BCCIએ યશ ધુલનો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. વાસ્તવમાં, જ્યારે યશ ધૂલ બેંગલુરુના નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં હતો, ત્યારે તેના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં ખબર પડી કે તેના હૃદયમાં છિદ્ર છે. આ પછી 21 વર્ષના યશ ધુલે સર્જરી કરાવી અને બીસીસીઆઈએ તેને સંપૂર્ણ સમર્થન આપ્યું.
યશ ધૂલની સર્જરી થઈ
યશ ધુલના બાળપણના કોચ પ્રદીપ કોચરે માહિતી આપી હતી કે આ ખેલાડીની જાણ NCA ચેકઅપ દરમિયાન થઈ હતી. NCAના ડોક્ટરોએ સલાહ આપી હતી કે યશ ધુલને તાત્કાલિક સર્જરી કરાવવી જોઈએ. યશની સર્જરી દિલ્હીમાં થઈ હતી અને હવે તે સ્વસ્થ પણ થઈ ગયો છે. યશ ધુલ હાલમાં દિલ્હી પ્રીમિયર લીગમાં રમી રહ્યો છે.
દિલ્હી પ્રીમિયર લીગમાં રમી રહ્યો છે
યશ ધુલના પિતાએ જણાવ્યું કે BCCIએ તેમના પુત્રની સર્જરીમાં યોગદાન આપ્યું હતું અને તેઓ સતત તેમના સંપર્કમાં હતા. સર્જરી બાદ યશ ધૂલને ક્રિકેટ રમવા માટે NCA તરફથી ફિટનેસ સર્ટિફિકેટ મળ્યું છે અને દિલ્હી પ્રીમિયર લીગમાં પણ તેની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે.
અંડર-19 વર્લ્ડ ચેમ્પિયન ટીમનો કેપ્ટન હતો
યશ ધુલ એક શાનદાર બેટ્સમેન છે, તે ભવિષ્યમાં ટીમ ઈન્ડિયામાં પણ રમતો જોવા મળી શકે છે. આ જમણા હાથનો બેટ્સમેન 2022માં ભારતની અંડર-19 ટીમનો કેપ્ટન હતો અને યશે શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન પણ બનાવ્યું હતું. યશ ધુલે ટુર્નામેન્ટની સેમીફાઈનલમાં શાનદાર સદી ફટકારી હતી અને ટુર્નામેન્ટની સર્વશ્રેષ્ઠ ટીમના કેપ્ટન તરીકે પણ તેની પસંદગી કરવામાં આવી હતી.
પ્રથમ રણજી સિઝનમાં જમાવ્યો રંગ
યશ ધુલે વર્ષ 2022માં રણજી ટ્રોફીમાં દિલ્હી માટે ડેબ્યુ કર્યું હતું અને તેણે તમિલનાડુ સામેની બંને ઈનિંગ્સમાં સદી ફટકારી હતી. પોતાની પ્રથમ રણજી સિઝનમાં જ આ ખેલાડીએ 119.75ની એવરેજથી 479 રન બનાવ્યા હતા, જેમાં ત્રણ સદી સામેલ હતી. તેણે છત્તીસગઢ સામે બેવડી સદી ફટકારી હતી.
આ પણ વાંચો: સૂર્યકુમાર યાદવ-શ્રેયસ અય્યર સસ્તામાં આઉટ, હવે ટીમ ઈન્ડિયામાં કમબેક કરવું મુશ્કેલ!