IND vs PAK: પાકિસ્તાન સામે ભારતનો 8 વિકેટે શાનદાર વિજય, ઇમર્જિંગ એશિયા કપમાં સાઈ સુદર્શનની સદી
Emerging Asia Cup 2023 Match Result:સાઈ સુદર્શને શાનદાર ઈનીંગ રમી હતી. નિકીન જોસે અડધી સદી નોંધાવી હતી. આ બંનેની રમતે ભારતની એક તરફી જીત નિશ્ચિત કરી દીધી હતી. આ પહેલા હંગરગેકર અને માનવ સુથારે બોલિંગમાં તરખાટ મચાવીને પાકિસ્તાનને 205 રનમાં જ ઓલઆઉટ કર્યુ હતુ.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ઇમર્જિંગ એશિયા કપની મેચ બુધવારે કોલંબોમાં રમાઈ હતી. ભારત-એ ટીમે પાકિસ્તાન-એ ટીમની સામે 8 વિકેટે શાનદાર જીત મેળવી હતી. પાકિસ્તાન-એ ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી શરુઆતથી જ ભારતીય બોલર હંગરગેકરે ધમાલ મચાવતા પાકિસ્તાનની શરુઆત મુશ્કેલ થઈ હતી. ઓપનર અને ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલા બંને બેટરને શૂન્યમાં પરત મોકલ્યા હતા. સાઈ સુદર્શને શાનદાર સદી નોંધાવી હતી.
પાકિસ્તાનની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા હંગરગેકર અને માનવ સુથારની બોલિંગ સામે મેદાન પર બેટરની આવન જાવન જારી રહી હતી. પાકિસ્તાનની ટીમ 48 ઓવર રમીને 205 રનના આસાન લક્ષ્ય પર જ સમેટાઈ ગઈ હતી. ભારત સામે 50 ઓવરમાં 206 રન કરવાનુ આસાન લક્ષ્ય મળ્યુ હતુ. ભારતીય બેટરોએ જબરદસ્ત બેટિંગ વડે એક તરફી જીત મેળવી હતી.
સાઈ સુદર્શનની શાનદાર સદી
ભારતીય સ્ટાર ખેલાડી સાઈ સુદર્શને શરુઆતથી જ પાકિસ્તાનને એક તરફી રીતે હાર આપવાના ઈરાદા સાથે બેટિંગ કરી હતી. ઓપનર સુદર્શને મક્કમતા પૂર્વક રમત રમતા ટીમને લક્ષ્ય તરફ આગળ વધારી હતી. અભિષેક શર્મા અને સુદર્શને ઓપનીંગ જોડીના રુપમાં 58 રનની ભાગીદારી રમત રમી હતી. અભિષેક શર્માએ 28 બોલનો સામનો કરીને 20 રન નોંધાવ્યા હતા. જ્યારે બાદમાં નિકીન જોસ રમતમાં આવ્યો હતો. તેણે શાનદાર અડધી સદી નોંધાવી હતી. 7 ચોગ્ગાની મદદ વડે 64 બોલમાં 53 રન નોંધાવ્યા હતા. સુદર્શન અને નિકીન વચ્ચે મહત્વની ભાગીદારીએ ભારતની જીત એકતરફી કરી દીધી હતી.
સુદર્શને 110 બોલનો સામનો કરીને અણનમ 104 રન નોંધાવ્યા હતા. સુદર્શને 10 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. ટીમના સુકાની યશ ઢૂલ બાદમાં રમતમાં આવ્યો હતો. ઢૂલે 19 બોલનો સામનો કરીને 21 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 1 છગ્ગો અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. ઢૂલની આગેવાનીમાં ભારત-એ ટીમે શરુઆતની બંને મેચમાં ટીમની જીત થઈ હતી ભારતે યુએઈ અને નેપાળની ટીમને હરાવી હતી. હવે સળંગ ત્રીજી મેચમાં ભારતે જીત મેળવી છે. આમ હવે ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચી છે. ભારતીય ટીમ ઇમર્જિંગ એશિયા કપ 2023 ના ચેમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર માનવમાં આવે છે.
હંગરગેકરનો તરખાટ
ભારત-એ ના યુવા બોલર આરએસ હંગરગેકર અને માનવ સુથારે તરખાટ મચાવ્યો હતો. બંનેએ પાકિસ્તાનની બેટરોને પરેશાન કરી દીધા હતા. હંગરગેકરે 8 ઓવર કરીને 5 વિકેટ ઝડપી હતી. જ્યારે માનવ સુથારે ત્રણ વિકેટ ઝડપી હતી. માનવ સુથારે 10 ઓવર કરીને 36 રન આપીને તેણે આ વિકેટ ઝડપી હતી.. નિશાંત સંધૂ અને રિયાન પરાગે એક એક વિકેટ ઝડપી હતી.