શ્રીલંકા વિરૂદ્ધ T20 સિરીઝ 27 જુલાઈથી પલ્લેકેલેમાં શરૂ થઈ રહી છે. આ મેદાન પર ત્રણેય મેચો યોજાવાની છે અને ટીમ ઈન્ડિયા શ્રેણી જીતવાની તૈયારીમાં વ્યસ્ત છે. ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ ખૂબ જ ખાસ છે કારણ કે ટીમના કેપ્ટન અને કોચ બંને નવા છે. T20 ટીમની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં છે અને ગૌતમ ગંભીર મુખ્ય કોચ બની ગયો છે. ટીમ ઈન્ડિયા શ્રીલંકામાં આસાનીથી T20 સિરીઝ જીતવા ઈચ્છે છે અને આ માટે પલ્લેકેલેના મેદાનમાં ખાસ ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઈન્ડિયાએ ગુરુવારે એક ખાસ ફિલ્ડિંગ ડ્રિલ કરી હતી, જેમાં ટીમના ત્રણ કેપ્ટન બનાવવામાં આવ્યા હતા.
પલ્લેકેલેના રિપોર્ટ અનુસાર ગૌતમ ગંભીરે સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યા છે. દરેક ટીમમાં 5-5 સભ્યો હતા. ત્રણેય ટીમના ખેલાડીઓએ સ્ટમ્પ પર ડાયરેક્ટ હીટ મારવાની હતી. ત્રણેય ટીમોએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું પરંતુ અંતે હાર્દિક પંડ્યાની ટીમ જીતી ગઈ. રિષભ પંતે 2 અને અર્શદીપ સિંહે એક ડાયરેક્ટ હીટ મારી. શુભમન અને સૂર્યાની ટીમ આ મામલે પાછળ રહી ગઈ હતી.
ગુરુવારે પલ્લેકેલેમાં આયોજિત પ્રેક્ટિસ દરમિયાન હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. સુકાનીપદના વિવાદ બાદ પહેલીવાર બંને ખેલાડીઓ આટલા લાંબા સમય સુધી વાત કરતા જોવા મળ્યા હતા. T20 વર્લ્ડ કપ 2024ની જીત બાદ એવું લાગતું હતું કે હાર્દિક પંડ્યા T20 કેપ્ટન બનશે, પરંતુ તેની ફિટનેસને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટે આ જવાબદારી સૂર્યકુમાર યાદવને આપી. જો કે આ નિર્ણયને કારણે ટીમ ઈન્ડિયામાં કોઈ તિરાડ પડે તેમ લાગતું નથી. હવે જોવાનું એ રહે છે કે ટીમ ઈન્ડિયા T20 સિરીઝમાં કેવી રીતે રમે છે અને ક્લીન સ્વીપથી જીત મેળવે છે કે પછી ઘરઆંગણે શ્રીલંકા જીતશે.
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
Published On - 4:24 pm, Fri, 26 July 24