IND vs IRE: પ્લેયર ઓફ સિરીઝ બન્યા બાદ બુમરાહનું ટીમ ઈન્ડિયાની કપ્તાનીને લઈ મોટું નિવેદન
આયર્લેન્ડ સામેની T20 સિરીઝમાં જસપ્રીત બુમરાહે 4.87ની ઇકોનોમી સાથે 4 વિકેટ લીધી હતી. તે સૌથી સફળ બોલર હતો, જેના કારણે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ થયા બાદ બુમરાહે મોટું નિવેદન આપ્યું છે. તેમનું નિવેદન ટીમની કેપ્ટનશિપ સાથે જોડાયેલું છે.
ભારત અને આયર્લેન્ડ (India vs Ireland) વચ્ચેની T20 સિરીઝ સમાપ્ત થઈ ગઈ છે. છેલ્લી મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી પરંતુ ટીમ ઈન્ડિયા 2-0થી શ્રેણી કબજે કરવામાં સફળ રહી હતી. જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)ની કપ્તાનીમાં ભારતની આ પ્રથમ T20 શ્રેણી જીત છે. સુકાની તરીકે બુમરાહની આ પ્રથમ T20 શ્રેણી પણ હતી, જેમાં તે પોતે પણ પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે ચૂંટાયો હતો, સાથે જ ભારતની જીતના સૌથી મોટા હીરો તરીકે ઉભરી આવ્યો હતો. પરંતુ, ત્યારપછી બુમરાહના એક નિવેદને ખૂબ ચર્ચા જગાવી છે.
બુમરાહે આયર્લેન્ડ સામે 2 મેચમાં 4 વિકેટ લીધી
જો કે, આ પહેલીવાર નથી જ્યારે બુમરાહે આવું કહ્યું હોય. પરંતુ હવે તેણે ફરી પોતાની વાત દોહરાવી છે. આયર્લેન્ડ વિરૂદ્ધ T20માં પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યા બાદ બુમરાહે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ અંગે વાત કરી છે. તેણે કહ્યું છે કે ટીમ ઈન્ડિયામાં દરેક વ્યક્તિ કેપ્ટન બનવા માંગે છે.
So proud of this side pic.twitter.com/ayX5Y0Q2aL
— Jasprit Bumrah (@Jaspritbumrah93) August 23, 2023
દરેક વ્યક્તિ ટીમની કેપ્ટનશીપ ઈચ્છે છે – બુમરાહ
બુમરાહના મતે ટીમનું નેતૃત્વ કરવું હંમેશા સન્માનની વાત છે. આ માટે દરેક ખેલાડી તલપાપડ અને તૈયાર છે. જ્યારે પણ ટીમમાં કોઈને આવી તક મળે છે, તે તેને છોડવા માંગતો નથી. સ્પષ્ટ છે કે બુમરાહે ફરીથી આ નિવેદનનું પુનરાવર્તન કરીને પસંદગીકારોનું ધ્યાન દોર્યું છે કે તે પણ કેપ્ટનશિપની રેસમાં છે. તમને જણાવી દઈએ કે એશિયા કપની ટીમ સિલેક્શન પહેલા આ ચર્ચા પણ ચાલી રહી હતી કે હાર્દિક પંડ્યાની જગ્યાએ બુમરાહને કેપ્ટન રોહિત શર્માનો ડેપ્યુટી બનાવવામાં આવી શકે છે.
આ પણ વાંચો : Viral: ટીમ ઈન્ડિયા એશિયા કપ જીતશે, કેપ્ટન રોહિત શર્માનો દાવો, જુઓ Video
બુમરાહ બન્યો પ્લેયર ઓફ ધ સિરીઝ
બુમરાહના પ્લેયર ઓફ ધ સીરિઝ જીતવા પાછળના ત્રણ કારણો જવાબદાર છે જેમાં પહેલું એ કે તેની T20 કેપ્ટનશીપની શરૂઆતમાં ભારતે શ્રેણી જીતી હતી. બીજું, આ શ્રેણીમાં રમી રહેલા અન્ય તમામ બોલરો કરતાં તેની એવરેજ સારી હતી. T20 સીરિઝમાં બુમરાહની ઈકોનોમી 4.87 હતી અને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે તેની પસંદગીનું ત્રીજું કારણ એ હતું કે તે બોલિંગમાં 1 ઓવર મેડન ફેંકી 4 વિકેટ લેનાર એકમાત્ર બોલર બન્યો હતો.