IND vs ENG: વિરાટ કોહલીની ફિટનેસને લઈ BCCI એ આપ્યુ અપડેટ, ટીમ ઈન્ડિયાનો વધુ એક ખેલાડી ઘાયલ
વિરાટ કોહલી(Virat Kohli) ત્રીજી ટી20 મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તે ટીમ ઈન્ડિયા (Team India) સાથે નોટિંગહામથી લંડન પણ આવ્યો ન હતો.

ભારત અને ઈંગ્લેન્ડ (India Vs England) વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ શરૂ થઈ ગઈ છે. મંગળવાર 12 જુલાઈના રોજ, લંડનના ઓવલ ખાતે શ્રેણીની પ્રથમ ODI શરૂ થઈ. જો કે આ મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. વિરાટ કોહલી ઈજાના કારણે આ મેચનો ભાગ બની શક્યો નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ ટોસ બાદ સત્તાવાર નિવેદન જારી કરીને તેની પુષ્ટિ કરી હતી. માત્ર કોહલી જ નહીં, BCCI એ જણાવ્યું કે ટીમનો યુવા ઝડપી બોલર અર્શદીપ સિંહ (Arshdeep Singh) પણ ઈજાગ્રસ્ત છે અને તેના કારણે તેને પણ આ મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.
મેડિકલ ટીમ નજર રાખી રહી છે
મેચના એક દિવસ પહેલા એટલે કે સોમવાર, 11 જુલાઈના રોજ સમાચાર આવવા લાગ્યા હતા કે વિરાટ કોહલીને નાની ઈજા છે, જેના કારણે તે પ્રથમ મેચમાં રમવાનો નથી. ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ સમયે આ વાતની પુષ્ટિ કરી હતી. ત્યારપછી બીસીસીઆઈએ પણ વિરાટની ફિટનેસ અંગે અપડેટ આપી અને એ પણ જણાવ્યું કે યુવા ફાસ્ટ બોલર અર્શદીપ પણ ઈજાગ્રસ્ત છે. BCCI એ પોતાના નિવેદનમાં કહ્યું કે, “વિરાટ કોહલી અને અર્શદીપ સિંહને ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ વનડે માટે પસંદગી માટે ધ્યાનમાં લેવામાં આવ્યા ન હતા. વિરાટને ગ્રોઈંન ઈંજરી છે, જ્યારે અર્શદીપને પેટની જમણી બાજુએ ખેંચાણ છે. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેમના પર નજર રાખી રહી છે.”
કોહલીના સ્થાને અય્યરને તક
વિરાટ કોહલીની જગ્યાએ શ્રેયસ અય્યરને પ્રથમ ટી20 મેચમાં સામેલ કરવામાં આવ્યો હતો. કેપ્ટન રોહિતે કહ્યું કે તે ત્રીજા નંબર પર બેટિંગ કરશે જ્યારે સૂર્યકુમાર યાદવ ચોથા નંબર પર મેદાનમાં ઉતરશે. વિરાટ કોહલીની આ ઈજાએ તેની પાસેથી ફોર્મમાં પરત ફરવાની તક છીનવી લીધી છે. હવે કોહલી 14 જુલાઈએ યોજાનારી બીજી વનડે માટે ફિટ થવાનો પ્રયાસ કરશે, જેથી તે રન બનાવીને તેની ખોવાયેલી ગતિ પાછી મેળવી શકે.
પ્રથમ વન ડે માટે ભારત-ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઈંલેવન
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ કૃષ્ણા, યુઝવેન્દ્ર ચહલ.
ઈંગ્લેન્ડ: જોસ બટલર (કેપ્ટન-વિકેટકીપર), જેસન રોય, જોની બેરસ્ટો, જો રૂટ, લિયામ લિવિંગ્સ્ટન, બેન સ્ટોક્સ, મોઈન અલી, ક્રેગ ઓવરટન, ડેવિડ વિલી, બ્રાઈડન કાર્સ, રીસ ટોપલી.