IND vs ENG: ઓવલમાં અજીત વાડેકર બાદ 50 વર્ષે વિરાટ કોહલી ટીમ ઈન્ડીયાને જીત અપાવવામાં રહ્યો સફળ, જાણો 5 દાયકાની કહાની
ધોની (Dhoni)થી લઈને ગાંગુલી, ગાવાસ્કર, અઝહર જેવા દિગ્ગજો ઓવલમાં રહ્યા ફેઈલ, ત્યાં વિરાટ કોહલીની ટીમ સફળ રહી નહીં ઈતિહાસ ઓવલના મેદાન પર લખી દીધો છે.
ભારતીય ટીમે (Team India) ઓવલ (Oval Test)માં ઐતિહાસિક જીત મેળવી છે. આ પહેલા ઓવલમાં ભારતીય ટીમ 13 ટેસ્ટ મેચ અહીં રમી ચુક્યુ છે. જેમાં ભારતીય ટીમ માત્ર એક જ વખત જીત હાંસલ કરી શક્યુ છે. એટલે એમ કહી શકાય કે જે દિગ્ગજો અગાઉ છેલ્લા પાંચ દાયકાથી લંડનના ઓવલમાં કરી શક્યા નથી, એ કામ કરી દેખાડવામાં સફળતા વિરાટ કોહલી (Virat Kohli)ને મળી છે. આ સાથે જ ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની સિરીઝમાં ટીમ ઈન્ડીયા 2-1થી આગળ થઈ ચુક્યુ છે.
ઓવલમાં ભારતીય ટીમનો ઈતિહાસ જોવામાં આવે તો દિગ્ગજ કેપ્ટનો ધરાવતી ભારતીય ટીમો અહીં જીત મેળવવા સંઘર્ષ બાદ સફળ રહી શકી નથી. જેમાં સુનિલ ગાવાસ્કરથી લઈને મહેન્દ્રસિંહ ધોની સુધીનો સમાવેશ થાય છે. શ્રીનિવાસ વેંકટ રાઘવન 1970માં, 1982માં ગાવાસ્કર, 1990માં અઝહર, 2002માં ગાંગુલી, 2011 અને 2014માં ધોનીની કેપ્ટનશીપમાં ઓવલમાં ટેસ્ટ મેચ ટીમ ઈન્ડીયા રમી ચુકી છે. જે દરમ્યાન પણ ભારત અહીં ટેસ્ટ મેચ જીતવામાં સફળ રહ્યું નહોતુ.
1971માં વાડેકરે અપાવી હતી જીત
આ પહેલા ઓવલ મેદાન પર ભારતે અહીં 1971માં ટેસ્ટ જીતી હતી. આજે સોમવારે બીજીવાર ભારતને જીતની સફળતા સાંપડી છે. આ પહેલા 1971માં અજીત વાડેકરની કેપ્ટનશીપમાં ભારતને જીત મળી હતી. આમ બરાબર પાંચ વર્ષ બાદ ભારતને જીતની મળી છે. ત્યારે ભારતે ચાર વિકેટે જીત મેળવી હતી. આ જીતના હીરો ભાગવત ચંદ્રશેખર રહ્યા હતા. જેમણે બીજા દાવમાં છ વિકેટ લીધી હતી. જેના કારણે ટીમ ઈન્ડીયાને જીતવા માટે 173 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
આ પહેલા 13 ટેસ્ટ ઓવલમાં ભારતે રમી હતી
ઓવલના મેદાન પર આ જીત અગાઉ ભારતે 13માંથી પાંચ ટેસ્ટ હારી છે અને સાત ડ્રો કરી છે. આ પહેલા ઓવલના મેદાન પર રમાયેલી છેલ્લી ત્રણ ટેસ્ટમાં ભારતે હાર મેળવી હતી. જેમાંથી બે ટેસ્ટમાં તો એક ઈનિંગથી હાર મળી હતી. અંતિમ વખતે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલમાં રમાઈ, ત્યારે ટીમ ઈન્ડીયાનો 118 રને પરાજય થયો હતો. કેએલ રાહુલ અને ઋષભ પંતે જે ટેસ્ટમાં સદી ફટકારી હતી. પરંતુ ભારત વિજયથી દૂર રહ્યું.
ઓવલમાં ટીમ ઈન્ડીયાનો ઈતિહાસ
ભારતે ઓવલ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ 1936માં રમી હતી, જ્યારે તેને ઈંગ્લેન્ડ દ્વારા નવ વિકેટે હરાવ્યું હતું. ત્યાર પછી 1946 અને 1952માં ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ ડ્રો રહી હતી. 1959માં જ્યારે બંને ટીમો અહીં સામસામે હતી, ત્યારે ઈંગ્લેન્ડ એક ઈનિંગ અને 27 રનથી મેચ જીતી ગયું હતું. આ પછી ભારતે 1971માં અહીં પ્રથમ વખત જીત મેળવી હતી. 1979, 1982, 1990, 2002 અને 2007માં બંને ટીમો વચ્ચે અહીં ટેસ્ટ ડ્રો રહી હતી. પરંતુ ભારત 2011, 2014 અને 2018માં હારી ગયું હતુ.