ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) દક્ષિણ આફ્રિકા (South Africa) સામે સેન્ચ્યુરિયન ટેસ્ટ (Centurion Test) જીતી લઇને વર્ષ 2021 ને શાનદાર રીતે સમાપ્ત કર્યુ છે. જોકે વર્ષ 2021 ભારતીય ટીમ (Team India) માટે એકંદરે મિશ્ર રહ્યુ છે. ભારત આ વર્ષમાં T20 વિશ્વકપ અને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ જેવી મોટી ICC ટ્રોફી મેળવવાથી દુર રહ્યુ છે. તો બીજી તરફ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં શાનદાર રમત દર્શાવી હતી. ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં પરાસ્ત કરી વર્ષની શરુઆત ટીમ ઇન્ડિયાએ કરી હતી.
આ વર્ષ કેટલાક ખેલાડીઓ માટે સારુ નિવડ્યુ હતુ, જેમાં ખાસ કરીને વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને નવી રાહ મળી છે. તેણે બ્રિસ્બેનમાં વિજેતા ઇનીંગ રમી દર્શાવી દિલ જીતી લીધુ હતુ. અક્ષર પટેલ ડેબ્યૂ કરીને શાનદાર પ્રદર્શન વડે સૌનુ ધ્યાન પોતાના તરફ ખેંચ્યુ હતુ. વર્ષ 2021માં ભારતીય ટીમ અને ખેલાડીઓ દ્વારા બનાવાયેલા 9 મુખ્ય રેકોર્ડ પર નજર કરીશુ,
- ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ વિજયઃ ટીમ ઇન્ડિયાએ ઓસ્ટસ્ટ્રેલિયામાં 2 વાર ટેસ્ટ સિરીઝ જીતી છે. આમ કરનારી પ્રથમ એશિયાઇ ટીમ ભારત બન્યુ છે. ભારતે 2018-19 અને ત્યાર બાદ 2020-21 માં જીત હાંસલ કરી આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયામાં રચ્યો છે.
- રોહિત શર્મા ના અર્ધશતકઃ ભારતીય ટીમના વ્હાઇટ બોલ ફોર્મેટના નવા કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) નુ બેટ ધનાધન ચાલી રહ્યુ છે. તેમે ટી20 આંતરરાષ્ટ્રિય ફોર્મેટમાં નવો રેકોર્ડ આ વર્ષે બનાવ્યો હતો. તેણે 50 રન કે તેના થી વધારે રનની સૌથી વધુ ઇનીંગ રમવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. તે આ પ્રકારની 30 ઇનીંગ રમી ચુક્યો છે.
- રવિચંદ્રનની ત્રીજા નંબરે: ન્યુઝીલેન્ડ સામે ભારતે ઘર આંગણે કાનપુર અને મુંબઇ એમ બે ટેસ્ટ મેચ રમી હતી. આ દરમિયાન તેણે ભારતીય ક્રિકેટના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહના વિકેટના આંકડાને પાછળ છોડી દીધો હતો. અશ્વિન હવે ભારત તરફ થી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં ત્રીજા સ્થાન પર પહોંચ્યો છે.
- રોહિત શર્માના 3 હજાર રન: આ વર્ષે રોહિત શર્મા માટે ખૂબ જ શાનદાર રહ્યુ છે. તે કેપ્ટન બનવા ઉપરાંત રેકોર્ડ પણ આ વર્ષે નોંધાવતો રહ્યો છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં એક ખાસ મુકામ હાંસલ કર્યો છે. આ સાથે જ તે હવે આંતરરાષ્ટ્રિય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 3 હજાર રન ધરાવનારો બેટ્સમેન બની ચુક્યો છે. વિરાટ કોહલી (Virat Kohli) બાદ તે એક માત્ર બીજો બેટ્સમેન છે.
- અક્ષર પટેલની 5 વિકેટઃ ભારતીય ક્રિકેટ ટીમમાં અક્ષર પટેલને ઇંગ્લેન્ડ સામેની ઘરેલુ ટેસ્ટ મેચમાં સ્થાન અપાયુ હતુ. અક્ષર પટેલે ડેબ્યૂનો પુરો ફાયદો ઉઠાવ્યો હતો. તેમે 5 ટેસ્ટ મેચ આ વર્ષે રમીને ઇનીંગમાં 5 વખત 5 વિકેટ મેળવી છે. જે કોઇ પણ કરિયર શરુ કરનારા અન્ય ખેલાડીઓમાં 5 ટેસ્ટ મેચમાં સૌથી વધારે વખત છે.
- ટીમ ઇન્ડિયાની લગાતાર જીતઃ ભારતીય ટીમ ટેસ્ટ ક્રિકેટમાં અત્યારે મજબૂત પ્રદર્શન કરી રહી છે. ટીમ ઇન્ડિયાએ વર્ષ 2013માં ઘર આંગણે ટેસ્ટ સિરીઝ હારી હતી. ત્યાર બાદ થી અત્યાર સુધી સતત 14 ટેસ્ટ સિરીઝ ઘર આંગણે ભારત જીત્યુ છે.
- રોહિત શર્માના છગ્ગાઃ ટી20 ક્રિકેટમાં રોહિત શર્માનુ બેટ ખૂબ જ મનોરંજન પુરુ પાડતુ હોય છે. કારણ કે તેના બેટ થી સતત રન વરસતા રહેતા હોય છે. ન્યુઝીલેન્ડના ઓપનર બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલ બાદ ટી20 આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાં 150 કે તેથી વધુ છગ્ગા ફટકારનાર રોહિત શર્મા બીજો બેટ્સમેનો બન્યો છે. ગુપ્ટિલ 165 છગ્ગા સાથે પ્રથમ સ્થાન પર છે.
- રોહિત શર્માનુ શતકઃ મર્યાદિત ઓવરોમાં ધમાલ મચાવનાર રોહિત શર્મા માટે વર્ષ 2021 ટેસ્ટ ક્રિકેટમાં પણ સારુ નિવડ્યુ હતુ. રોહિત શર્માએ ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન કેનિંગ્ટન ઓવલમાં રમાયેલી મેચમાં 127 રનની ઇનીંગ રમી હતી. તે 2021માં વિદેશી ધરતી પર પોતાનુ પ્રથમ શતક નોંધાવવામાં સફળ રહ્યો હતો.
- શ્રેયસ અય્યરનો ડેબ્યૂ ટેસ્ટમાં કમાલઃ ન્યુઝીલેન્ડ સામેની ઘરેલુ ટેસ્ટ મેચમાં અય્યરે કમાલની બેટીંગ કરી હતી. તેણે ડેબ્યૂ મેચમાં પ્રથમ ઇનીંગમાં શતક અને બીજી ઇનીંગમાં અર્ધશતક ફટકાર્યુ હતુ. આ સાથે જ તે ડેબ્યૂ મેચમાં આમ કરનારો પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે.