World Cup 2023: ભારત અને ઈંગ્લેન્ડનો થશે આમનો સામનો, વિશ્વકપ પહેલા કોની સામે ટકરાશે ટીમ ઈન્ડિયા? જાણો શેડ્યૂલ
ભારત આ મહિનાના અંત સાથે એશિયા કપમાં ઉતરી રહ્યુ છે. જ્યારે ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા સામે પણ વનડે શ્રેણીમાં ટકરાશે. જોકે વિશ્વકપ પહેલા ભારતીય ટીમ 2 વોર્મ-અપ મેચ રમવા માટે ઉતરશે.

આગામી વનડે વિશ્વકપ 2023 ભારતમાં રમાનાર છે. જેને આડે હવે થોડાક સપ્તાહનો સમય રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમનુ શેડ્યૂલ પણ આ દરમિયાન ખૂબ જ વ્યસ્ત છે. ભારતીય ટીમ ઓગષ્ટ માસના અંત સાથે જ એશિયા કપમાં વ્યસ્ત બની જશે. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ અને બાદમાં વોર્મ અપ મેચની શરુઆત થશે. ભારતીય ટીમ વિશ્વકપ પહેલા વોર્મ મેચમાં ઈંગ્લેન્ડ સામે મેદાને ઉતરશે અને તૈયારીઓની અંતિમ પરીક્ષા વિશ્વ કપના પડકાર પહેલા ખેલાડીઓની લેશે.
ભારતીય ટીમ વનડે વિશ્વકપમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે મેદાને ઉતરીને ટીમની તમામ કચાસ દૂર કરવા માટે પ્રયાસ કરશે. ત્યાર બાદ રહી સહી ખામીને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં ઠીક કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જોકે હવે પ્રયોગ કરવા માટેનો સમય નથી, પરંતુ હવે નિર્ણય લેવાને ધ્યાને રાખીને કચાસ દૂર કરવા માટે ભારતીય ટીમ મેદાનમાં પ્રદર્શન કરશે.
JUST IN: Warm-up fixtures of the ICC Men’s @cricketworldcup 2023 announced #CWC23https://t.co/tSPnBMPMQq
— ICC (@ICC) August 23, 2023
પ્રેક્ટિસ મેચોનું શેડ્યૂલ જાહેર
ICCએ બુધવારે આ પ્રેક્ટિસ મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું હતું, જેમાં ટીમ ઈન્ડિયાએ 30 સપ્ટેમ્બર અને 2 ઓક્ટોબરે પોતાની પ્રેક્ટિસ મેચ રમવાની છે. ICCના શેડ્યૂલ અનુસાર, ભારત તેની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં જ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે ટકરાશે. ભારતીય ટીમે જુલાઈ 2022 બાદથી ઈંગ્લેન્ડ સામે કોઈ વનડે મેચ રમી નથી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને ખિતાબની દાવેદાર ટીમ સામેની મેચમાંથી તૈયારીની સારી તક મળશે. આ મેચ ગુવાહાટીના બરસાપાડા મેદાનમાં રમાશે.
ભારત ઈંગ્લેન્ડ બાદ પોતાની બીજી પ્રેક્ટિસ મેચ 3 ઓક્ટોબરે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં નેધરલેન્ડ્સ સામે રમનાર છે. ભારતે વર્લ્ડ કપના લીગ સ્ટેજમાં પણ આ બંને ટીમોનો સામનો કરવાનો છે. ભારતીય ટીમ 29 ઓક્ટોબરે લખનૌમાં ઈંગ્લેન્ડ સામે વિશ્વકપની લીગ મેચ રમશે. જ્યારે વિશ્વકપમાં પોતાની છેલ્લી લીગ મેચમાં 12 નવેમ્બરે નેધરલેન્ડ્સ સામે ટકરાશે. આ મેચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.
વોર્મ-અપ મેચ શેડ્યૂલ
29, સપ્ટેમ્બર
- બાંગ્લાદેશ Vs શ્રીલંકા (ગુવાહાટી)
- દક્ષિણ આફ્રિકા Vs અફઘાનિસ્તાન (તિરુવનંતપુરમ)
- ન્યુઝીલેન્ડ Vs પાકિસ્તાન (હૈદરાબાદ)
30, સપ્ટેમ્બર
- ભારત Vs ઈંગ્લેન્ડ (ગુવાહાટી)
- ઓસ્ટ્રેલિયા Vs નેધરલેન્ડ્સ (તિરુવનંતપુરમ)
2, ઓક્ટોબર
- ઇંગ્લેન્ડ Vs બાંગ્લાદેશ (ગુવાહાટી)
- ન્યુઝીલેન્ડ Vs દક્ષિણ આફ્રિકા (તિરુવનંતપુરમ)
3, ઓક્ટોબર
- અફઘાનિસ્તાન Vs શ્રીલંકા (ગુવાહાટી)
- ભારત Vs નેધરલેન્ડ્સ (તિરુવનંતપુરમ)
- પાકિસ્તાન Vs ઓસ્ટ્રેલિયા (હૈદરાબાદ)