T20 WC Breaking : ટીમ ઈન્ડિયાની સેમીફાઈનલનો રસ્તો ‘અમદાવાદ’ થઈને જશે, જંગ સાંજે પણ બપોરની મેચમાં છુપાયેલું છે ભારતનું ‘ભવિષ્ય’

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2026માં સુપર 8નો મુકાબલો 26 ફેબ્રુઆરી એટલે કે ગુરુવારે આવતીકાલના રોજ રમાશે. જો કે, આ મેચ દરમિયાન ભારતીય ચાહકોની નજર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હશે.

T20 WC Breaking : ટીમ ઈન્ડિયાની સેમીફાઈનલનો રસ્તો અમદાવાદ થઈને જશે, જંગ સાંજે પણ બપોરની મેચમાં છુપાયેલું છે ભારતનું ભવિષ્ય
Image Credit source: Prakash Singh/Getty Images
| Updated on: Feb 25, 2026 | 8:27 PM

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2026માં સુપર 8નો મુકાબલો 26 ફેબ્રુઆરી એટલે કે ગુરુવારે રમાશે. આ મેચ સાંજે સાત વાગ્યે ચેન્નાઈમાં યોજાવાની છે, જેની ભારતીય ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે, આ મેચ તો સાંજે રમાશે પરંતુ તે પહેલાં દિવસ દરમિયાન રમાનારો મુકાબલો અત્યંત મહત્વનો છે. દિવસની એ મેચ જ નક્કી કરશે કે, ભારતીય ટીમની સેમીફાઈનલમાં જવાની શક્યતા કેટલી છે અને સમીકરણો શું રહેશે?

વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકાની મેચ પર નજર

ટી20 વર્લ્ડ કપ 2026માં ગુરુવારે બે મેચ રમાશે. દિવસમાં સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો આમને-સામને ટકરાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આમ તો, આ મેચ વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા વચ્ચે છે પરંતુ તે ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વની છે.

જો આ મેચમાં સાઉથ આફ્રિકા જીત મેળવશે, તો ભારતીય ટીમ માટે આગળનો રસ્તો સરળ બની જશે. બીજીબાજુ, જો વેસ્ટ ઈન્ડિઝની જીત થશે, તો ટીમ ઈન્ડિયાની શક્યતાઓ ઘણી ઓછી થઈ જશે અને સેમીફાઈનલમાં જવાનું સપનું તૂટી પણ શકે છે. વેસ્ટ ઈન્ડિઝે તેની પહેલી જ સુપર 8 મેચમાં ઝિમ્બાબ્વેને 107 રનના મોટા અંતરથી હરાવ્યું છે. આથી વેસ્ટ ઈન્ડિઝનો નેટ રન રેટ હાલ સાતમા આસમાને છે.

નેટ રન રેટનો જ છે ‘બધો ખેલ’

જો વેસ્ટ ઈન્ડિઝ સાઉથ આફ્રિકાને હરાવે છે, તો તેના ચાર પોઈન્ટ્સ થઈ જશે અને નેટ રન રેટમાં પણ વધારો થશે. ત્યારબાદ જો ભારતીય ટીમ તેની બંને મેચ જીતી જાય તો પણ નેટ રન રેટમાં પાછળ રહી શકે છે. ભારતને તેની છેલ્લી મેચ કેટલા રન કે કેટલા અંતરથી જીતવી પડશે, તે ગુરુવારની મેચ પછી જ ખબર પડશે.

આ દરમિયાન, જો સાઉથ આફ્રિકા વેસ્ટ ઈન્ડિઝને માત આપી દેશે, તો વેસ્ટ ઈન્ડિઝના 2 જ પોઈન્ટ રહેશે અને ટીમ ઈન્ડિયા પાસે તક હશે કે, તે માત્ર તેની બે મેચ જીતીને જ સેમીફાઈનલમાં પહોંચી જાય. તેથી સાંજે સાત વાગ્યે ભારત વિરુદ્ધ ઝિમ્બાબ્વેની મેચ પહેલાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સાઉથ આફ્રિકાની મેચ ઘણી મહત્વની સાબિત થશે. આ મેચ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે અને તેના માટે અઢી વાગ્યે ટોસ થશે.

T20 WC Breaking : ઝિમ્બાબ્વે સામે સુપર 8 મુકાબલામાં ટીમ ઈન્ડિયામાં થશે મોટા ફેરફાર ! જાણો કેવી હશે ભારતની પ્લેઈંગ 11