
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર હંમેશા જ ઉત્સાહ અને ભાવનાથી ભરપૂર રહે છે. મેદાન પરની સ્પર્ધા જેટલી જોરદાર હોય છે, એટલો જ જુસ્સો સ્ટેન્ડમાં બેઠેલા ફેન્સમાં પણ જોવા મળે છે. તાજેતરની મેચ બાદ પણ એવું જ બન્યું, જ્યારે ભારતીય સમર્થકોએ જીતની ખુશીમાં અનોખી ઉજવણી કરી.
મેચ દરમિયાન કેટલાક ભારતીય ફેન્સ સ્ટેડિયમમાં જ ‘વોર્મ-અપ’ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ વોર્મ-અપ ડાન્સથી ભારતીય ફેન્સે પાકિસ્તાની ફેન્સની ભારે મજાક ઉડાવી હતી અને ટ્રોલ કર્યા હતા. આ વોર્મ-અપ ડાન્સ પાકિસ્તાન ટીમના ખેલાડીઓના પ્રેક્ટિસ અને વોર્મ અપ સેશનની નકલ છે.
થોડા મહિનાઓ પહેલા પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ સહિત અન્ય ખેલાડીઓનો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો, જેમાં તેઓ આ રીતે જ પ્રેક્ટિસ કરી રહ્યા હતા, અને ફેન્સે સોશિયલ મીડિયા પર તેમને ખૂબ ટ્રોલ કર્યા હતા. હવે તેની જ નકલ કરીને ભારતીય ફેન્સે મજાકીય અંદાજમાં પ્રતિક્રિયા આપી હતી. આસપાસ બેઠેલા દર્શકો પણ આ દ્રશ્યનો આનંદ લેતા નજરે પડ્યા હતા.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઝડપથી વાયરલ થયો હતો અને ક્રિકેટપ્રેમીઓએ મજેદાર પ્રતિક્રિયાઓ આપી હતી. કેટલાકે તેને રમૂજી અંદાજ ગણાવ્યો, તો કેટલાકે ખેલભાવનાની મર્યાદા જાળવવાની જરૂરિયાત વ્યક્ત કરી. મેચ બાદ આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
ભારત-પાકિસ્તાન મેચ માત્ર રમત પૂરતી સીમિત નથી રહેતી, તે બે દેશોના ચાહકો વચ્ચેની ભાવનાત્મક ટક્કર પણ બની જાય છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે રમતની સ્પર્ધા હંમેશા મેદાન સુધી જ સીમિત રહેવી જોઈએ અને ફેન્સે પણ ઉત્સાહ સાથે સાથે સંયમ જાળવવો જરૂરી છે. તેમ છતાં આ ‘વોર્મ-અપ’ ડાન્સની ઘટના સોશિયલ મીડિયામાં લાંબા સમય સુધી યાદ રહેશે.