
Usman Tariq : T20 વર્લ્ડ કપ 2026 માં પાકિસ્તાનની ટીમ માટે એક નવુ એક્સ-ફેક્ટર ઉભરી આવ્યુ છે, આ એક્સ-ફેક્ટર એટલે ઉસ્માન તારિક. આ 28 વર્ષીય સ્પિનર તેની અનોખી બોલિંગ એકશનથી બેટ્સમેનોને માત્ર પરેશાન તો કરી જ રહ્યો છે, પરંતુ તેની સાથોસાથ તેની જીંદગીની કહાની પણ દરેકનું ધ્યાન ખેંચી રહી છે. ઉસ્માન તારિકે ટી20 ક્રિકેટ વિશ્વકપ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એક મેચ રમી છે અને ત્રણ વિકેટ લીધી છે. તેની બોલિંગ, ભારતીય બેટ્સમેનો માટે એક મોટો ખતરો માનવામાં આવે છે.
ઉસ્માન તારિકની બોલિંગ એક્શન એકદમ અનોખી છે. બોલિંગ કરતી વખતે ઉસ્માન તારીકનો હાથ નીચેથી આવે છે, જેને ક્રિકેટની પરીભાષામાં સાઇડ-આર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે બોલ નાખતા પહેલા ક્રિઝ ઉપર થોડા સમય માટે ઊભો રહી જાય છે. આના કારણે બોલ હવામાં ધીમે ધીમે ફરે છે, પરંતુ ક્યારેક તે ઝડપી પણ ફરે છે અને ટર્ન પણ થઈ શકે છે. બોલ નાખવાની ઉસ્માન તારીકની એકશન બેટ્સમેનોને ઉકેલવામાં મુશ્કેલ બનાવે છે. જોકે, તેની બોલિંગ એકશન પાછળ એક મહત્વપૂર્ણ કારણ છે, જે ઉસ્માન તારીકે પોતે જાહેર કર્યું છે.
ઉસ્માન તારીકે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, “મારી પાસે બે કોણી છે. મારો હાથ કુદરતી રીતે વળે છે. મને પરીક્ષણ કર્યા બાદ બોલિંગ નાખવા માટે ક્લિયર કરવામાં આવ્યો છે. દરેક વ્યક્તિ વિચારે છે કે હું મારા હાથને વાળું છુ અથવા કંઈક એવુ કરુ છું. મારો હાથ જૈવિક રીતે વળે છે.” બીજા શબ્દોમાં કહીએ તો, ઉસ્માન તારીકની બેવડી સાંધાવાળી કોણી તેને અન્ય બોલરોથી અલગ પાડે છે, અને તે તેનો સંપૂર્ણ લાભ બોલિંગ કરતી વખતે લે છે.
ઉસ્માન તારીક અગાઉ દુબઈમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો. તેની પાસે સારી નોકરી હતી. પરંતુ તેનું સ્વપ્ન ક્રિકેટ રમવાનું હતું જે તેને પુરુ કરવામાં ચૂકી ગયો હતો. આ સમય દરમિયાન, તેણે એમએસ ધોની બાયોપિક, “એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી” ફિલ્મ જોઈ. જેમાં ધોનીએ ક્રિકેટને આગળ વધારવા માટે ટિકિટ કલેક્ટર તરીકેની સરકારી નોકરી છોડી દીધી. એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી ફિલ્મથી પ્રેરિત થઈને, ઉસ્માન તારીકે પોતાની દુબઈની નોકરી છોડીને પાકિસ્તાન પાછો ફર્યો. તેણે પોતાની રમત પર સખત મહેનત કરી અને હવે તે પાકિસ્તાન માટે મુખ્ય બોલર તરીકે ઓળખાવા લાગ્યો છે.
ઉસ્માન તારીકે 27 વર્ષની ઉંમરે પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે અત્યાર સુધીમાં પાકિસ્તાન માટે ચાર ટી20 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તેણે 5.93 ના ઇકોનોમી રેટથી 11 વિકેટ લીધી છે. તેણે એક ઇનિંગમાં ચાર વિકેટ પણ લીધી હતી.
ભારત પાકિસ્તાન વચ્ચેની રોમાંચક મેચ ઉપરાંત ટી20 ક્રિકેટ વિશ્વકપ 2026ને લગતા તમામ મહત્વના સમચાર ત્વરીત જાણવા માટે તમે અહીં ક્લિક કરો.