સુરત હીરાના વેપારી ગોંવિદ ધોળકિયા, વિશ્વકપ વિજેતા મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓને ડાયમંડ જવેલરી-સોલાર પેનલ આપશે ભેટ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પહેલીવાર ODI વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ જીત બાદ, BCCI એ ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે રૂપિયા 51 કરોડના ઈનામની જાહેરાત કરી છે. જ્યારે સુરત સ્થિત ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ પણ ખેલાડીઓને ઈનામ આપવાની જાહેરાત કરી છે. ગોવિદ ધોળકિયા તરફથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓને સોલાર પેનલ અને હીરાના દાગીના ભેટ સ્વરૂપે આપશે. ગોવિંદ ધોળકિયા ઉપરાંત વિવિધ રાજ્ય સરકારોએ પણ મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓને કરોડોના ઈનામ આપવાની જાહેરાત કરી છે.

સુરત હીરાના વેપારી ગોંવિદ ધોળકિયા, વિશ્વકપ વિજેતા મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓને ડાયમંડ જવેલરી-સોલાર પેનલ આપશે ભેટ
| Edited By: | Updated on: Nov 05, 2025 | 2:45 PM

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વન ડે ઈન્ટરનેશનલનો વિશ્વ કપ જીતીને એક નવો ઈતિહાસ આલેખ્યો છે. 2 નવેમ્બરની રાત્રે મહિલાઓની ટીમ ઈન્ડિયાએ પહેલીવાર મહિલા ODI વર્લ્ડ કપ જીતીને દેશને ગૌરવ અપાવ્યું. હવે ચેમ્પિયન્સ ટીમ ઉપર વિવિધ રાજ્ય સરકાર, ઉદ્યોગપતિઓએ ઈનામ અને ભેટ સોગાદ આપવાની જાહેરાત કરીને પ્રોત્સાહન આપ્યું છે. હાલમાં BCCI થી લઈને રાજ્ય સરકારો અને ઉદ્યોગપતિઓ સુધી, દરેક વ્યક્તિ પોતાની રીતે આ ખેલાડીઓનું સન્માન કરી રહ્યા છે.

સોલાર પેનલ અને હીરાના દાગીના

શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સના ચેરમેન અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા અને જયંતિ નારોલાએ મહિલા ટીમના ખેલાડીઓ માટે ખાસ ભેટ આપવાની તૈયારી કરી છે. ગોવિંદ ધોળકિયા અને જયંતિ નારોલાએ દરેક ખેલાડીઓના ઘરે સોલાર પેનલ લગાવવાની અને તેમને હાથથી બનાવેલા હીરાના દાગીના ભેટમાં આપવાની જાહેરાત કરી છે. આ અંગે ગોવિંદ ધોળકિયાએ, BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાને એક પત્ર પણ લખી મોકલ્યો છે. સામાન્ય રીતે ધોળકિયા દર દિવાળીએ તેમના ડાયમંડ ફર્મના રત્ન કલાકારનો ઘર, ફ્લેટ, કાર અને મોંઘા દાગીના જેવી મોંધીદાટ ભેટ આપવા માટે જાણીતા છે. જો કે, આ વર્ષે ગોવિંદ ધોળકિયાએ, તેમના રત્ન કલાકારોને કોઈ મોંધીદાટ ઉદાહરણરૂપ ભેટ સોંગાદ આપી નથી.

51 કરોડનું ઇનામ

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ મહિલા ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને પસંદગી સમિતિ માટે કુલ 51 કરોડ રૂપિયાની ઇનામ રકમની જાહેરાત કરી છે. વધુમાં, ટીમ ઇન્ડિયાને ICC તરફથી 40 કરોડ રૂપિયાની ઇનામ રકમ મળશે. આ અત્યાર સુધીના કોઈપણ વર્લ્ડ કપમાં આપવામાં આવેલી સૌથી મોટી રકમ છે.

રાજ્ય સરકારો પણ ઇનામોનો કર્યો વરસાદ

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ શિમલા સ્થિત ફાસ્ટ બોલર રેણુકા ઠાકુર માટે 1 કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પણ ખેલાડી ક્રાંતિ ગૌર માટે 1 કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે.

પંજાબ ક્રિકેટ એસોસિએશનનો એવોર્ડ

પંજાબ ક્રિકેટ એસોસિએશન (PCA) એ કેપ્ટન હરમનપ્રીત કૌર અને ઓલરાઉન્ડર અમનજોત કૌર માટે રૂપિયા 11 લાખના ઇનામની જાહેરાત કરી છે. ફિલ્ડિંગ કોચ મુનીશ બાલીને પણ રૂપિયા 5 લાખ મળશે. વધુમાં, PCA એ ત્રણેય માટે એક ખાસ સન્માન સમારોહનું આયોજન કરવાની યોજના બનાવી છે.

મહિલા ક્રિકેટરોની બ્રાન્ડ વેલ્યુમાં વધારો

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે માત્ર મેદાન પર જ ઇતિહાસ રચ્યો છે એવુ નથી, પરંતુ આ ખેલાડીઓ તેમની બ્રાન્ડ વેલ્યુની દ્રષ્ટિએ પણ નવી ઊંચાઈઓ પર પહોંચી છે. વર્લ્ડ કપ જીત્યા પછી, હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, જેમીમા રોડ્રિગ્સ અને દીપ્તિ શર્મા જેવી ખેલાડીઓની લોકપ્રિયતામાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. JSW સ્પોર્ટ્સ અને બેઝલાઇન વેન્ચર્સ જેવી રમત વ્યવસ્થાપન સંસ્થાઓએ અહેવાલ આપ્યો છે કે મહિલા ક્રિકેટરોની બ્રાન્ડ વેલ્યુમાં 100% થી વધુનો વધારો થયો છે.

આ પણ વાંચોઃ આજે મહિલા ક્રિકેટ ટીમ પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે, પરંતુ એક સમયે ટિકિટ ખરીદી શકતા નહોતા અને અભિનેત્રીએ તેની ફી ચૂકવી હતી