બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ હજુ શરૂ પણ થયો નથી અને સારા સમાચાર મળવાની શરૂઆત થઈ ગઈ છે. ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ શરૂ થાય તે પહેલા જ યજમાન ટીમને મોટો ઝટકો લાગ્યો છે. તેના સ્ટાર ખેલાડીના ટીમમાંથી આઉટ થવાના કારણે ઓસ્ટ્રેલિયાને આ ફટકો પડ્યો છે. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનની સ્થિતિ હવે સ્પષ્ટ થઈ ગઈ છે. એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે તે હવે ભારત સામેની 5 ટેસ્ટ મેચની હોમ સિરીઝમાં નહીં રમે. કારણ કે ગ્રીન લગભગ 6 મહિના સુધી ક્રિકેટથી દૂર રહેશે.
કેમરોન ગ્રીન ક્રિકેટથી દૂર કેમ રહેશે ? આ સવાલનો જવાબ છે તેની પીઠની ઈજા, જેની સારવાર માટે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરને સર્જરી કરાવવી પડશે. ગયા મહિને ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન કેમેરોન ગ્રીનને પીઠમાં ઈજા થઈ હતી. જ્યારે તેની ઈજાને સ્કેન કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે ઈજાથી અસરગ્રસ્ત વિસ્તારમાં ઘણી જગ્યાએ ફ્રેક્ચર છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને ગ્રીનની ઈજા અંગે માહિતી આપી હતી.
ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર 6 મહિના સુધી ક્રિકેટથી દૂર રહે તેનો મતલબ એ છે કે તે ભારત સામેની 5 ટેસ્ટ સીરિઝમાંથી જ બહાર નહીં થાય. આ સિવાય તે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં રમાનારી ટેસ્ટ શ્રેણી અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પણ શ્રીલંકા પ્રવાસમાંથી બહાર રહેશે.
કેમેરોન ગ્રીને ઓસ્ટ્રેલિયાને તેનું પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટાઇટલ જીતવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઓપનિંગમાં સ્ટીવ સ્મિથના પ્રમોશન બાદ તે ચોથા નંબર પર બેટિંગ કરી રહ્યો હતો. પરંતુ, હવે તે હવે ટીમમાં નથી, તેથી સ્મિથ ફરીથી નંબર 4 પર રમતા જોવા મળી શકે છે.
ઓસ્ટ્રેલિયાને માત્ર બેટિંગમાં જ નહીં પરંતુ બોલિંગમાં પણ કેમેરોન ગ્રીનની ગેરહાજરી અનુભવાઈ શકે છે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાની આ નબળી કડીનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવા ઈચ્છશે. કેમરૂન ગ્રીન ઓસ્ટ્રેલિયા માટે અત્યાર સુધી 28 ટેસ્ટ રમ્યો છે, જેમાં તેણે 36.23ની એવરેજથી 1377 રન બનાવ્યા છે. તેણે 35 વિકેટ પણ પોતાના નામે કરી છે.