208 બોલમાં માત્ર 4 રન ! ઈંગ્લેન્ડમાં પિતા-પુત્રની જોડીએ હદ વટાવી
આ મેચમાં જ્યાં એક ટીમે 35 ઓવરમાં 271 રન બનાવ્યા, જેમાંથી એક બેટ્સમેને 17 ચોગ્ગા અને 14 છગ્ગાની મદદથી 186 રન બનાવ્યા, જ્યારે બીજી ટીમે 45 ઓવરમાં માત્ર 21 રન જ બનાવ્યા, આવું ચોંકાવનારું પ્રદર્શન છતાં આખી ટીમ ખુશ હતી અને તેનું કારણ ખૂબ જ ખાસ હતું.
હાલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટેસ્ટ સિઝન ચાલી રહી છે. ઈંગ્લેન્ડ-શ્રીલંકા, પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝ ઉપરાંત ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ સિઝન પણ શરૂ છે. એટલે લાંબા ફોર્મેટ (સ્લો ક્રિકેટ) ના દિવસો ચાલી રહ્યા છે, પરંતુ તેમાં પણ દરેક બેટ્સમેન અને ટીમ વધુ રન બનાવવાનો પ્રયાસ કરે છે. રનની ગતિ ચોક્કસપણે ધીમી હોઈ, પરંતુ 200 થી વધુ બોલ રમ્યા પછી ફક્ત 4 રન જ બનાવ્યા હોય, આવી ઘટના ક્યારેય સાંભળવામાં આવી નથી, પરંતુ T20 ક્રિકેટની પેઢીમાં આ દ્રશ્ય જોવા મળ્યું છે. ઈંગ્લેન્ડમાં પિતા-પુત્રની જોડીએ ધીમી બેટિંગની તમામ હદો પાર કરી હતી.
ઈંગ્લેન્ડમાં સ્થાનિક લેવલની મેચની ભારે ચર્ચા
આ મેચ કોઈપણ ઈન્ટરનેશનલ કે ફર્સ્ટ ક્લાસ લેવલ પર થઈ ન હતી, પરંતુ સ્થાનિક લેવલની હતી, જેની હવે કોઈ ઈન્ટરનેશનલ મેચ જેટલી ચર્ચા થઈ રહી છે. ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્લબ ડર્બીશાયર તેની પોતાની ક્રિકેટ લીગનું આયોજન કરે છે, જેમાં ટીમો વિવિધ વિભાગોમાં સ્પર્ધા કરે છે. આવી જ એક મેચ ડિવિઝન 9 સાઉથમાં રમાઈ હતી, જેમાં મિક્લેઓવર ક્રિકેટ ક્લબની થર્ડ ઈલેવન અને ડાર્લી એબી ક્રિકેટ ક્લબની ફોર્થ ઈલેવન વચ્ચે મેચ યોજાઈ હતી.
આવું સ્કોરકાર્ડ ક્યારેય જોયું નથી
આ મેચમાં મિક્લેઓવરે પ્રથમ બેટિંગ કરીને 35 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 271 રન બનાવ્યા અને ઈનિંગ ડિકલેર કરી હતી. મેક્સ થોમસને માત્ર 128 બોલમાં 186 રનની ઈનિંગ રમી જેમાં 17 ચોગ્ગા અને 14 છગ્ગા સામેલ હતા. તેમ છતાં, મેચ પૂરી થયા પછી, આ ઈનિંગ સમાચારમાં ન હતી, પરંતુ હેડલાઈન્સ બનાવી ગયો ઈયાન બેસ્ટવિક, જેણે આખી 45 ઓવર સુધી બેટિંગ કરી અને 137 બોલનો સામનો કર્યો, પરંતુ તે પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહીં અને અણનમ પાછો ફર્યો. માત્ર ઈયાન જ નહીં પરંતુ તેના પુત્ર થોમસ બેસ્ટવિકે પણ રન ન બનાવવાનો પૂરો પ્રયાસ કર્યો અને 71 બોલમાં માત્ર 4 રન બનાવ્યા. આ ચાર રન પણ ચોગ્ગાથી જ આવ્યા હતા.
Ian Bestwick – “When I grow up, I want to be the next Dom Sibley”
0 off 137 balls pic.twitter.com/qm4qV1jTBL
— James (@Surreycricfan) August 26, 2024
તેમ છતાં આખી ટીમ ખુશ હતી
આ રીતે, પિતા-પુત્રની જોડીએ કુલ 208 બોલનો સામનો કર્યો અને માત્ર 4 રન બનાવ્યા. આખી ટીમે 45 ઓવરનો સામનો કર્યો અને કુલ 4 વિકેટ ગુમાવીને માત્ર 21 રન બનાવ્યા, ત્યારબાદ મેચ ડ્રો થઈ. આટલી ચોંકાવનારી બેટિંગ પછી પણ બેસ્ટવિક અને તેની ટીમ ઘણી ખુશ હતી અને તેનું એક ખાસ કારણ છે. એવું નથી કે તે રન બનાવી શક્યો ન હતો પરંતુ તેણે જાણી જોઈને આવી બેટિંગ કરવી પડી હતી.
મેચ બાદ ડ્રેસિંગ રૂમમાં ઉજવણીનો માહોલ
તેની ઈનિંગે ઘણી હેડલાઈન્સ બનાવી, ત્યારપછી BBC સાથે વાત કરતા તેણે કહ્યું કે તેની ટીમ ઘણી યુવા અને બિનઅનુભવી છે. આવી સ્થિતિમાં તે હારવાનું જોખમ લેવા માંગતો ન હતો. તેણે કહ્યું કે મેચ બાદ ડ્રેસિંગ રૂમમાં ઉજવણીનો માહોલ હતો અને આ મેચ બાદ મિક્લેઓવરની ટીમને 18 પોઈન્ટ અને ડાર્લીને 3 પોઈન્ટ મળ્યા હતા. જો કે, બંને ટીમો તેમના ગ્રુપમાં છેલ્લા સ્થાને છે.
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાએ પસંદ કરી મજબૂત ટીમ, જાણો બેસ્ટ પ્લેઈંગ-11 કેવી હશે?