ટીમ ઈન્ડિયાની મદદ માટે ધોની-સચિનને બોલાવો, વર્લ્ડ કપ પહેલા દિગ્ગજ ક્રિકેટરે કેમ આવું કહ્યું ?
વર્ષ 2011 બાદ ODI વર્લ્ડ કપ ફરીથી ભારતની ધરતી પર રમાઈ રહ્યો છે. આ વખતે ભારત એકમાત્ર હોસ્ટ (યજમાન) દેશ છે. સાથે જ છેલ્લા 12 વર્ષમાં ટીમમાં ઘણા ફેરફાર થયા છે. એવા ઘણા યુવા ખેલાડીઓ છે જેઓ પોતાના હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ વખત વર્લ્ડ કપમાં રમશે. આવી સ્થિતિમાં એક દિગ્ગજ ક્રિકેટરે સચિન અને ધોનીને ટીમ ઈન્ડિયાની સાથે સમય વિતાવવાની હિમાયત કરી છે.

ODI વર્લ્ડ કપ (World Cup 2023) શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ટૂંક સમયમાં વિશ્વની 10 શ્રેષ્ઠ ક્રિકેટ ટીમો ભારતીય મેદાનો પર રમતી જોવા મળશે. ક્રિકેટના મોટા દિગ્ગજોએ પણ ટૂર્નામેન્ટ માટે પોતાની મનપસંદ ટીમો પસંદ કરવાનું શરૂ કર્યું છે. આ શ્રેણીમાં સૌથી નવું નામ એડમ ગિલક્રિસ્ટ ( Adam Gilchrist) નું છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપરે પોતાની ઈચ્છા મુજબ ODI વર્લ્ડ કપ 2023ની ટોચની ચાર ટીમોની પસંદગી કરી છે. આ સિવાય તેણે ટીમ ઈન્ડિયા વિશે પણ એક મોટી વાત કહી છે, જે સચિન તેંડુલકર, MS ધોની (MS Dhoni) અને યુવરાજ સિંહ જેવા મોટા ખેલાડીઓ સાથે જોડાયેલી છે.
ગિલક્રિસ્ટે પસંદ કરી વર્લ્ડ કપની ટોપ-4 ટીમો
સૌથી પહેલા એ ચાર ટીમોને જાણી લો કે જેને વિસ્ફોટક ડાબા હાથના વિકેટ કીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટે ODI વર્લ્ડ કપ 2023 માટે પોતાની ફેવરિટ તરીકે નામ આપ્યું છે. ભારત અને પાકિસ્તાન ઉપરાંત ગિલક્રિસ્ટે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાને પોતાની ટોપ ચાર યાદીમાં સામેલ કર્યા છે. તેણે કહ્યું કે જે રીતે ભારતે એશિયા કપ 2023માં તેની સફર શાનદાર રીતે સમાપ્ત કરી, તેનાથી તેની અપેક્ષાઓ વધી ગઈ છે અને બાકીની ટીમો ભારત તરફથી સખત પડકારનો સામનો કરવા જઈ રહી છે.
ધોની-સચિને ટીમ સાથે સમય વિતાવવો જોઈએ
સ્પોર્ટ્સ સ્ટારને આપેલા ઈન્ટરવ્યુમાં ગિલક્રિસ્ટે ટીમ ઈન્ડિયા માટે એમએસ ધોની અને સચિન તેંડુલકરની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેણે કહ્યું કે શા માટે આ બંને વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓએ વર્લ્ડ કપની ટીમ સાથે સમય પસાર કરવો જોઈએ. તમારે તમારો અનુભવ તેમની સાથે શેર કરવો જોઈએ.
આ પણ વાંચો : માત્ર બે મેચમાં રોહિત શર્માએ સૌરવ ગાંગુલી પાસેથી કપ્તાનીમાં ‘માસ્ટરસ્ટ્રોક’ શીખ્યો
જો હું મેનેજમેન્ટમાં હોત તો ધોની-સચિનને બોલાવત : ગિલક્રિસ્ટ
ગિલીએ કહ્યું કે હું કહી શકતો નથી કે ભારતીય ખેલાડીઓ શું ઈચ્છે છે. પરંતુ જો હું ભારતીય મેનેજમેન્ટમાં હોત, તો હું ચોક્કસપણે ધોની અને સચિનને ટીમના ખેલાડીઓ સાથે સમય વિતાવવા બોલાવત, જેથી બંને તેમના અનુભવો ટીમ સાથે શેર કરી શકે. એટલું જ નહીં, ગિલક્રિસ્ટે કહ્યું કે તેણે યુવરાજ સિંહને પણ આવું કરવા કહ્યું હોત. યુવરાજ 2011ના વર્લ્ડ કપનો હીરો રહ્યો છે, જેમાંથી મોટાભાગની મેચો માત્ર ભારતીય મેદાન પર જ રમાઈ હતી.
વિરાટનો અનુભવ પણ ઉપયોગી થશે
તેણે કહ્યું કે વર્તમાન ટીમમાં વિરાટ એવો એક ખેલાડી છે જેને હોમ ગ્રાઉન્ડ પર વર્લ્ડ કપ રમવાનો અનુભવ છે. સ્વાભાવિક છે કે તેનો અનુભવ પણ ફાયદાકારક રહેશે. ગિલક્રિસ્ટનો આ જવાબ તે સવાલને લઈને હતો જે તેને યુવા ભારતીય ક્રિકેટરોને લઈને પૂછવામાં આવ્યો હતો જે પહેલીવાર ઘરઆંગણે વર્લ્ડ કપ રમવા જઈ રહ્યા છે.
Latest News Updates





