
આઈપીએલ 2026ની સીઝન પૂર્ણ થયાને 2 મહિના થઈ ચૂક્યા છે. હવે ખેલાડીઓના ટ્રેડિંગનો મુદ્દો ઉઠ્યો છે. પંત અને કુલદીપ યાદવને લખનૌ સુપર જાયન્ટસ અને દિલ્લી કેપિટલ્સ ટ્રેડ કરી રહ્યા છે. પરંતુ સૌથી મોટો વિષય સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો છે. જેની મુંબઈ ઈન્ડિયન્સ સાથેની સફર પૂર્ણ માનવામાં આવી રહી છે.
હાર્દિક પંડયાની ચેન્નાઈ સુપર કિંગ્સમાં જવાની અટકળો અને અફવાઓ સૌથી વધારે સામે આવી રહી છે. ચેન્નાઈએ તો પહેલા જ આવી ચર્ચાને નકાળી કાઢી હતી. કે હવે હાર્દિકની ટીમ મુંબઈ ઈન્ડિયન્સે પણ આ અટકળોને નકારી કાઢી છે.
2 વર્ષ સુધી મુંબઈ ઈન્ડિયન્સથી અલગ રહ્યા પછી હાર્દિક પંડ્યાએ ફરી પોતાની જુની ટીમમાં વાપસી કરી હતી. પરંતુ સતત 3 સીઝન સુધી ટીમના કેપ્ટન રહેવા છતાં તે મુંબઈને પહેલી જેવી સફળતા અપાવી શક્યો નહી. જેને લઈ ટીમની અંદર અને ચાહકો વચ્ચે હંમેશા પ્રતિક્રિયાઓ મળી હતી. ગત્ત સીઝનમાં તેનું અને ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતુ. જેના કારણે હાર્દિક પંડ્યા અને મુંબઈનું અલગ થવું નક્કી થયું છે.
પરંતુ હાર્દિક પંડ્યા કઈ ટીમમાં જશે. તેને લઈ અલગ અલગ ચર્ચા સામે આવી રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સિવાય કોલકાત્તા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટસ સાથે પણ તેનું નામ જોડાયું છે. આ મામલે ચેન્નાઈએ તો પહેલા જ તમામ રિપોર્ટ નકારી કાઢ્યા હતા. હવે મુંબઈએ પણ આવા દાવાને ખંડન કર્યું છે. સ્પોર્ટસ્ટારના એક રિપોર્ટમાં મુંબઈના પ્રવક્તાના હવાલાથી કહ્યું કે, કોઈ પણ ખેલાડીને ટ્રેડને લઈ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
હંમેશા એવું હોય છે કે,ઓફિશિયલ નિવેદનો અંતિમ શબ્દ હોતા નથી. બંને ટીમો હજુ પણ આ સોદાને નકારે છે તેના ઘણા કારણો છે.અહીં સૌથી મોટો મુદ્દો ડીલના સ્વરુપને લઈ હોઈ શકે છે. કઈ રકમ પર આ ડીલ થશે? શું CSK હાર્દિકની ટ્રેડ ફી માટે મુંબઈને ચૂકવણી કરશે, અથવા CSKને એક કે બે ખેલાડીઓ મુંબઈ મોકલવા પડશે? આવા પાસાઓ પર સંમતિ ન થાય ત્યાં સુધી આવા ઇનકાર ઘણીવાર કરવામાં આવે છે.