ભારતીય ક્રિકેટમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. ખાસ કરીને વાઈટ બોલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાએ સતત પ્રભુત્વ જાળવી રાખ્યું છે. 2024 બાદ 2026 માં T20 વર્લ્ડ કપ જીત સાથે ટીમે પોતાની તાકાત ફરી બતાવી, જેમાં કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવનું નેતૃત્વ મહત્વપૂર્ણ રહ્યું છે.
2024નો T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત શર્માએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ નિર્ણય પછી ટીમ ઈન્ડિયાને નવા કેપ્ટનની જરૂર હતી, અને આ જવાબદારી સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી. તેની આગેવાનીમાં ટીમે સતત સફળતા મેળવી અને સતત બીજીવાર ભારતે વર્લ્ડ કપ પણ જીત્યો.
સૂર્યકુમાર યાદવે પોતાના તાજેતરના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેને કેપ્ટન બનાવવાનો નિર્ણય અચાનક નહોતો. તેણે કહ્યું કે તે સમયે BCCI સેક્રેટરી જય શાહે તેને ફોન કરીને આ માહિતી આપી હતી. આ કૉલ શ્રીલંકા શ્રેણીના થોડા દિવસો પહેલા આવ્યો હતો, જે તેના માટે ખાસ ક્ષણ હતી.
The collection continues to grow!
Captain Surya Kumar Yadav adding the latest piece of silverware #TeamIndia | #T20WorldCup | #MenInBlue | #Final | @surya_14kumar pic.twitter.com/UUkZQxeh6W
— BCCI (@BCCI) March 8, 2026
સૂર્યાએ આગળ જણાવ્યું કે આ નિર્ણય પાછળ માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ ચાર મહત્વપૂર્ણ લોકોનો સમાવેશ હતો. તેમાં રોહિત શર્મા, અજિત અગરકર, ગૌતમ ગંભીર અને રાહુલ દ્રવિડનો સમાવેશ થાય છે. આ તમામ લોકોએ મળીને ચર્ચા કરી અને અંતે તેને ટીમનું નેતૃત્વ સોંપવાનો નિર્ણય લીધો.
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપનો રેકોર્ડ પણ ખૂબ જ પ્રભાવશાળી રહ્યો છે. તેણે અત્યાર સુધી 52 T20 મેચોમાંથી 42 મેચોમાં જીત મેળવી છે. ખાસ વાત એ છે કે તેની આગેવાનીમાં ભારતે એક પણ દ્વિપક્ષીય શ્રેણી ગુમાવી નથી, જે તેની નેતૃત્વ ક્ષમતા દર્શાવે છે.
વર્તમાન સમયમાં સૂર્યકુમાર યાદવ ભારતીય ક્રિકેટના સૌથી સફળ T20 કેપ્ટનમાંના એક તરીકે ઉભરી રહ્યો છે. જો તે આગળ પણ આ જ રીતે પ્રદર્શન ચાલુ રાખશે, તો તે ભારત માટે સૌથી વધુ T20 જીત મેળવનાર કેપ્ટન બનવાનો રેકોર્ડ પણ બનાવી શકે છે.