
IPL 2027 પહેલાં ખેલાડીઓની અદલાબદલીને લઈને મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે હાર્દિક પંડ્યા તથા અર્શદીપ સિંહને લઈને ટ્રેડ ડીલ લગભગ નક્કી થઈ ગઈ છે.
આ પ્રસ્તાવિત ડીલ મુજબ હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સમાં જોડાશે, જ્યારે અર્શદીપ સિંહ મુંબઈ ઇન્ડિયન્સની જર્સીમાં જોવા મળી શકે છે. બંને ફ્રેન્ચાઇઝીના મેનેજમેન્ટે આ અંગે સંમતિ દર્શાવી હોવાનો દાવો છે.
રિપોર્ટ અનુસાર, બંને ટીમોએ ટ્રેડ સંબંધિત દસ્તાવેજો BCCIને સોંપી દીધા છે. બંને ખેલાડીઓની સંમતિ પણ મળી ગઈ હોવાનું કહેવાય છે. જોકે, આ ડીલને અંતિમ સ્વરૂપ આપવા માટે BCCIની મંજૂરી અને સત્તાવાર જાહેરાત બાકી છે.
હાર્દિક પંડ્યા 2024માં મુંબઈ ઇન્ડિયન્સમાં કેપ્ટન તરીકે પાછો ફર્યો હતો. જોકે, તેના નેતૃત્વ હેઠળ ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નહોતું. બીજી તરફ, પંજાબ કિંગ્સને હાર્દિકના રૂપમાં બેટિંગ અને બોલિંગ બંનેમાં યોગદાન આપી શકે તેવો ઓલરાઉન્ડર મળી શકે છે. અહેવાલો અનુસાર, તે પંજાબમાં ખેલાડી તરીકે જોડાશે અને શ્રેયસ ઐયર જ કેપ્ટન રહેશે.
મુંબઈ ઇન્ડિયન્સ અર્શદીપ સિંહને પોતાની ટીમમાં સામેલ કરીને ફાસ્ટ બોલિંગ આક્રમણ મજબૂત કરવા માગે છે. અહેવાલોમાં વિકેટકીપર બેટર વિષ્ણુ વિનોદનું નામ પણ મુંબઈ સાથે જોડાઈ રહ્યું છે. આ ઉપરાંત રોહિત શર્મા ફરી મુંબઈની કેપ્ટનશીપ સંભાળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ તમામ બાબતોની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.
Published On - 7:32 pm, Sat, 7 November 26