IPL 2026ની શરૂઆત 28 માર્ચથી થવાની છે અને તમામ ટીમો તૈયારીઓમાં વ્યસ્ત છે. મુંબઈ ઈન્ડિયન્સ પણ નવા સિઝન માટે સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરશે. ટીમનો પહેલો મુકાબલો 29 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
IPL 2026માં સૌથી વધુ ચર્ચા રોહિત શર્માની ભૂમિકા અંગે ખૂબ ચાલી રહી હતી. ગયા સિઝનમાં ઈજાઓને કારણે તેને ઘણીવાર ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમાડવામા આવ્યો હતો જે અંગે પ્રશ્નો પણ ઉભા થયા હતા. હવે કોચના નિવેદનથી આ સ્પષ્ટ થઈ ગયું છે.
હેડ કોચ મહેલા જયવર્ધનેએ જણાવ્યું કે રોહિત હાલમાં સારી ફિટનેસમાં છે અને નેટ્સમાં ઉત્તમ ફોર્મમાં દેખાઈ રહ્યો છે. ટીમ મેનેજમેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય તેને શક્ય તેટલો વધુ સમય મેદાન પર રાખવાનો છે, કારણ કે તેનો અનુભવ ટીમ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
MAHELA JAYAWARDENE CONFIRMS ROHIT SHARMA WILL PLAY ON THE FIELD, NOT AS AN IMPACT PLAYER
“Rohit Sharma had a few minor fitness concerns last year, so his workload needed careful management. Despite that, he continued to make a big impact on the team, whether on the field or… pic.twitter.com/6liaAInLRW
— ⁴⁵ (@rushiii_12) March 17, 2026
જયવર્ધનેએ આગળ કહ્યું કે ટીમમાં ઘણા ઓલરાઉન્ડર ખેલાડીઓ છે, જેના કારણે ઈમ્પેક્ટ પ્લેયર પસંદગી વખતે સંતુલન જાળવવું જરૂરી બને છે. હાલમાં ટીમમાં માત્ર બે ખેલાડીઓ એવા છે જે નિયમિત બોલિંગ નથી કરતા—રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ.
સૂર્યકુમાર યાદવના ફોર્મ અંગે પણ ચર્ચા થઈ હતી. છેલ્લા એક વર્ષમાં તેના પ્રદર્શનમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે, છતાં કોચે તેના પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેણે જણાવ્યું કે સૂર્યા એક મેચ વિનર ખેલાડી છે અને મુશ્કેલ સમયમાં ટીમ માટે યોગદાન આપી શકે છે.
અંતમાં, જયવર્ધનેએ જણાવ્યું કે સતત સારું પ્રદર્શન કરવું મહત્વપૂર્ણ છે અને ટીમના તમામ ખેલાડીઓ તે દિશામાં કામ કરી રહ્યા છે. રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ બંને અનુભવી ખેલાડીઓ છે, અને IPL 2026માં તેઓ મુંબઈ ઈન્ડિયન્સને મજબૂત પ્રદર્શન આપવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.