
શુભમન ગિલે ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમ અંગે આપ્યું નિવેદન: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની શરૂઆત 28 માર્ચથી થઈ રહી છે. તે પહેલા ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે BCCI દ્વારા IPLમાં લાગુ કરવામાં આવેલા ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે આનાથી રમતમાં કૌશલ્ય (skill) અને પડકારનું મહત્વ ઓછું થઈ જાય છે.
આ નિયમ પર અગાઉ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને તાજેતરમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે પણ વાંધો વ્યક્ત કર્યો છે. મુંબઈમાં બુધવારે એટલે કે 25 માર્ચના રોજ યોજાયેલી IPL કેપ્ટનોની બેઠકમાં ગિલ સહિત મોટાભાગના કેપ્ટનોએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પાસે આ નિયમની સમીક્ષા કરવાની માંગ કરી હતી.
BCCI દ્વારા વર્ષ 2023માં ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો અને તેને ઓછામાં ઓછા વર્ષ 2027 સુધી લંબાવવામાં આવ્યો છે. આ નિયમ અંગે શુભમન ગિલે કહ્યું, મારા મતે ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમ હોવો જોઈએ નહીં. ક્રિકેટ સામાન્ય રીતે 11 ખેલાડીઓની રમત છે. એક વધારાના બેટ્સમેન અથવા બોલરને ઉમેરવાથી અસલી પડકાર અને ખેલાડીના સ્કિલનું મહત્વ ઘટી જાય છે.
તેણે વધુમાં ઉમેર્યું, રમતમાં એક ખાસ કૌશલ્ય હોય છે. જો તમારા કેટલાક મુખ્ય બેટ્સમેનો જલ્દી આઉટ થઈ જાય, તો ટીમને સારો સ્કોર બનાવવા માટે વ્યૂહરચના અને કૌશલ્યની જરૂર પડે છે, પરંતુ આ એક વધારાના ખેલાડીથી રમત એકતરફી બની ગઈ છે અને પડકાર પણ ઓછો થઈ ગયો છે. મારા માટે સરળ પિચ પર 220 રનનો પીછો કરવા કરતા, પડકારજનક પિચ પર 180 કે 160 રનનો પીછો કરવો વધુ રોમાંચક છે.
BCCI ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમ પર અંતિમ નિર્ણય વર્ષ 2027 પછી જ લઈ શકે છે. ગિલે જણાવ્યું હતું કે, આ નિયમ વર્ષ 2027 સુધી અમલમાં રહેશે. કેપ્ટનોની બેઠકમાં અમે આ બાબતે ચર્ચા કરી હતી. હું સમજું છું કે આનાથી રમત થોડી મનોરંજક બને છે, પરંતુ મને આ નિયમ પસંદ નથી, તેમ છતાં અંતિમ નિર્ણય તો BCCIનો જ રહેશે.
Breaking News: જેમને ક્યારેય બોલિંગ કરતા નથી જોયા, તેઓ પણ IPLમાં લઈ ચૂક્યા છે વિકેટ! હેરાન કરી દેશે આ લિસ્ટ