
એશિયા કપ 2025ની ફાઈનલ પહેલા બે પાકિસ્તાની ખેલાડીઓ સાહિબજાદા ફરહાન અને હરિસ રૌફને મોટો ઝટકો લાગી શકે છે. ICCએ BCCIની ફરિયાદના આધારે આ મામલાની સુનાવણી કરશે. દરમિયાન, PCBની ફરિયાદ નિરર્થક સાબિત થઈ જ્યારે ICC એ ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવને માત્ર ચેતવણી આપીને મુક્ત કર્યો. મેચ રેફરીએ સુર્યાને કેટલીક સલાહ પણ આપી હતી.
14 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન સામેની જીત બાદ સૂર્યકુમાર યાદવે પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા આ વિજયને ઓપરેશન સિંદૂરમાં સામેલ ભારતીય સેનાને સમર્પિત કરતા એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. PCBએ આનો વાંધો ઉઠાવ્યો હતો અને ICCમાં ફરિયાદ દાખલ કરી હતી. આ મામલે 25 સપ્ટેમ્બરના રોજ સુનાવણી થઈ હતી.
એક અહેવાલ અનુસાર, કેપ્ટન સૂર્યકુમાર મેચ રેફરી રિચી રિચાર્ડસન સમક્ષ હાજર થયો, તેની સાથે BCCIના COO હેમાંગ અમીન અને ક્રિકેટ ઓપરેશન્સ મેનેજર સમર મલ્લાપુરકર પણ હતા. ભારતીય કેપ્ટને દોષિત ન હોવાની કબૂલાત કરી અને દલીલ કરી કે તેનું નિવેદન રાજકીય રીતે પ્રેરિત નથી.
અહેવાલો અનુસાર, રિચાર્ડસને સૂર્યકુમાર યાદવને યાદ અપાવ્યું કે તે એવા નિવેદનો આપવાથી દૂર રહે જેનું રાજકીય અર્થઘટન કરી શકાય. ICC આચારસંહિતા હેઠળ લેવલ 1 ના ગુનામાં સામાન્ય રીતે ચેતવણી અથવા મેચ ફીના 15% દંડ થાય છે. હાલ માટે, સૂર્યાને ફક્ત એક ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યો છે.
દરમિયાન, BCCIએ બે પાકિસ્તાની ખેલાડીઓ હરિસ રઉફ અને સાહિબજાદા ફરહાન વિરુદ્ધ ગેરવર્તણૂક બદલ ફરિયાદ નોંધાવી છે. 26 સપ્ટેમ્બરે સુનાવણી થવાની છે. જો બંને ખેલાડીઓ દોષિત ઠરે છે, તો તેમના પર ગંભીર કાર્યવાહી થઈ શકે છે. 28 સપ્ટેમ્બરે ભારત સામેની ફાઈનલ મેચ પહેલા પાકિસ્તાનને આ મોટો ફટકો પડી શકે છે.
આ પણ વાંચો: અભિષેક શર્માની ODI ટીમમાં એન્ટ્રી, વિરાટ કોહલી-રોહિત શર્મા બહાર, શ્રેયસ અય્યર કેપ્ટન