BCCI સેક્રેટરી જય શાહે PCB ના ચેરમેન રમીઝ રાજાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- રમતનો વિસ્તાર જરૂરી
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવને પગલે 2012-13થી દ્વિપક્ષીય સીરિઝ નથી રમાતી. બંને ટીમ હાલ આઈસીસી ટુર્નામેન્ટમાં જ એક-બીજા સામે ટકરાય છે.

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના સેક્રેટરી જય શાહ (Jay Shah) એ રમીઝ રાજાના એ પ્રસ્તાવને ફગાવી દીધો જેમાં ચાર દેશો વચ્ચે ટુર્નામેન્ટ કરાવવાની વાત કહેવામાં આવી હતી. જાન્યુઆરીમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના ચેરમેન રમીઝ રાજાએ ભારત, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 દેશ વચ્ચે ટી20 આંતરરાષ્ટ્રીય સુપર સીરિઝ રમાડવા માટેનો પ્રસ્તાવ મુક્યો હતો. એક સમાચાર એજન્સી સાથે વાત કરતા જય શાહે કહ્યું કે વિશ્વભરમાં ક્રિકેટ સંસ્થાઓના પ્રમુખોનું હિત ક્રિકેટની રમતનો વિસ્તાર માટે હોવુ જોઇએ અને આ શોર્ટ-ટર્મ પ્રોફિટથી વધારે મહત્વપુર્ણ છે. જય શાહે કહ્યું કે, ‘આઈપીએલનો વિસ્તાર અને દર વર્ષે આઈસીસીના આયોજન સાથે અમારી પ્રાથમીક જવાબદારી ટેસ્ટ ક્રિકેટ પર ભાર દેવાનું હોય છે. આ સાથે ઘરઆંગણે દ્વિપક્ષીય સીરિઝ પર પણ ખાસ ધ્યાન હોય છે.
જય શાહે કહ્યું, ‘હું ઓલિમ્પિકમાં ક્રિકેટ જોવા માટે ઘણો ઉત્સુક છું. કારણ કે તેનાથી રમતના વિસ્તારમાં મદદ મળે છે. રમતનો વિસ્તાર એક પડકાર છે. આપણે શોર્ટ-ટર્મ પ્રોફિટના સ્થાને રમતના વિસ્તાર માટે ધ્યાન આપવું જોઇએ. રમીઝ રાજાએ કહ્યું હતું કે તે આઈસીસીને 4 દેશોની ટુર્નામેન્ટ માટે પ્રસ્તાવ મોકલશે. રમીઝ રાજાએ વધુમાં કહ્યું હતું કે આ પ્રકારની ટુર્નામેન્ટથી થનાર ફાયદો તમામ આઈસીસીના સભ્યો વચ્ચે વહેચી દેવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘આઈસીસીને ચાર દેશોની ટી20 સુપર સીરિઝનો પ્રસ્તાવ આપીશું, જેમાં પાકિસ્તાન, ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડનો સમાવેશ થાય. તેને ચાર દેશો દ્વારા રોટેશનના આધાર પર આયોજીત કરવામાં આવે.’
ભારત અને પાકિસ્તાનની ટીમો આઈસીસી ટુર્નામેન્ટમાં જ એક-બીજા સામે ટકરાય છે. ભારતે 2019ના વિશ્વકપમાં ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. પણ ગત ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આગામી ટી20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનનો સામનો 23 ઓક્ટોબરના રોજ મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે.
આ પણ વાંચો : વિરાટ કોહલી એક લીડર હતો અને હંમેશા રહેશેઃ અજય જાડેજા
આ પણ વાંચો : કોહલી જો RCB નું સુકાની પદ સંભાળી લે તો ટીમની બધી તકલીફો પુરી થઇ જશેઃ અજીત અગારકર