Ashes 2023: ઉસ્માન ખ્વાજાએ કર્યો કમાલ, ટેસ્ટ મેચના તમામ ‘પાંચ દિવસ’ બેટિંગ કરીને બનાવ્યો રેકોર્ડ, રેકોર્ડ લિસ્ટમાં ત્રણ ભારતીયો સામેલ
Ashes 2023 record:એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ઉસ્માન ખ્વાજાએ (Usman Khawaja) કમાલ કર્યો હતો અને તેને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટમાં બે વિકેટથી રોમાંચક મેચમાં જીત મેળવી હતી.
Ashes 2023 ની પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ઉસ્માન ખ્વાજાએ શાનદાર બેટીંગ કરીને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મેળવ્યો હતો. ખ્વાજાએ પ્રથમ ઇનિંગમાં શાનદાર 141 રનની ઇનિંગ રમી હતી તો બીજી ઇનિંગમાં ખ્વાજાએ 65 રન બનાવ્યા હતા.
ખ્વાજાની ઇનિંગના કારણે ઇંગ્લેન્ડની ટીમને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડયો હતો. જણાવી દઇએ કે ખ્વાજાએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ખ્વાજા ટેસ્ટ મેચના તમામ પાંચ દિવસ બેટીંગ કરનાર વિશ્વનો માત્ર 13મો બેટ્સમેન બન્યો છે. આ એક અનોખો રેકોર્ડ છે.
ટેસ્ટ મેચના તમામ પાંચ દિવસ બેટિંગ કરનાર 13મો બેટ્સમેન બન્યો
ખ્વાજા એશિઝ શ્રેણીના ઇતિહાસમાં ટેસ્ટ મેચના તમામ પાંચ દિવસ બેટીંગ કરનાર ત્રીજો ક્રિકેટર બન્યો છે. ખ્વાજા પહેલા ઇંગ્લેન્ડના જ્યોફ બોયકોટ (1977) અને રોરી બર્ન્સ (2019) એ એશિઝ માં રમતા આ ખાસ ઉપલબ્ધિ હાંસિલ કરી હતી, જ્યોફ બોયકોટે વર્ષ 1977માં ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટમાં આ કર્યુ હતુ તો એજબેસ્ટન ટેસ્ટમાં રોરી બર્ન્સે ટેસ્ટ મેચના તમામ પાંચ દિવસ બેટીંગ કરી આ ઉપલબ્ધિ હાંસિલ કરી હતી.
View this post on Instagram
ભારતના ત્રણ ક્રિકેટરે પણ કરી છે તમામ પાંચ દિવસ બેટીંગ
નોંધપાત્ર છે કે ટેસ્ટ મેચમાં તમામ પાંચ દિવસ બેટીંગ કરનાર ઓસ્ટ્રેલિયાનો પ્રથમ બેટ્સમેન કિમ હ્યૂજસ હતો, જેણે વર્ષ 1980 માં લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન તમામ પાંચ દિવસ બેટીંગ કરીને ઇતિહાસ રચ્યો હતો. ટેસ્ટ મેચમાં આ કમાલ સૌપ્રથમ ભારતીય ક્રિકેટર એમએલ જયસિમ્હાએ કર્યો હતો. તેણે વર્ષ 1960 માં ઓસ્ટ્રેલિયા સામે કોલકત્તા ટેસ્ટ મેચમાં ઇડન ગાર્ડનમાં રમતા ટેસ્ટ મેચના તમામ પાંચ દિવસ બેટિંગ કરીને ઇતિહાસ રચ્યો હતો. જ્યારે જયસિમ્હા સિવાય ભારત તરફથી આ કમાલ રવિ શાસ્ત્રી અને ચેતેશ્વર પુજારાએ કર્યો હતો.
એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની જીત
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટમાં એક રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડને બે વિકેટથી માત આપી હતી. ઓસ્ટ્રિલિયાએ 281 રનનો લક્ષ્યાંક 8 વિકેટ ગુમાવીને હાંસિલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના કપ્તાન પેટ કમિન્સે શાનદાર બેટીંગ કરીને નોટઆઉટ 44 રન કર્યા હતા અને છેલ્લે વીનીંગ શોટ પણ ફટકાર્યો હતો. એજબેસ્ટનમાં વર્ષ 2005માં એશિઝ શ્રેણીમાં ઇંગ્લેન્ડે બે રનથી ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત મેળવી હતી. 2023માં તમામ ક્રિકેટ ફેન્સને 2005 એશિઝની યાદ આવી ગઇ હતી.