
એશિયા કપ ટ્રોફીને લઈને ચાલી રહેલો વિવાદ હવે દુબઈ પોલીસ સુધી પહોંચવાનો છે. મીડિયા રિપોર્ટ્સ સૂચવે છે કે BCCI આ મામલે મોહસીન નકવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે છે. એશિયા કપ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની જીત બાદ મોહસીન નકવી એશિયા ક ટ્રોફી લઈ હોટલ ચાલ્યો ગયો હતો.
મોહસીન નકવી પાસે હજુ પણ એ ટ્રોફી છે અને તે કહે છે કે જો ભારતીય કેપ્ટન એશિયન ક્રિકેટ કાઉન્સિલના કાર્યાલયમાં વ્યક્તિગત રીતે તેની પાસેથી ટ્રોફી લેવા આવે તો જ તે તેને પરત કરશે. નકવીના આગ્રહને પગલે, BCCIએ હવે તેની સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.
અહેવાલો સૂચવે છે કે નકવી વિરુદ્ધ ટ્રોફીની ચોરી અને ગેરકાયદેસર કબજાની ફરિયાદ દાખલ થઈ શકે છે. BCCIએ નકવીને ટ્રોફી પરત કરવા માટે ફક્ત 72 કલાકનો સમય આપ્યો છે. જો તે નિષ્ફળ જાય તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નકવીને ટ્રોફી સાથે પાકિસ્તાન જતા અટકાવવા માટે BCCI UAE અધિકારીઓ સાથે સતત વાતચીત કરી રહ્યું છે. વધુમાં, નકવીને તેના પદ પરથી દૂર કરવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. પ્રશ્ન એ છે કે જો મોહસીન નકવી સામે દુબઈમાં ચોરીનો કેસ દાખલ થાય તો તેના શું પરિણામો આવી શકે છે? દુબઈમાં ચોરી માટે ખૂબ જ કડક સજા છે. દંડ ઉપરાંત, ગુનેગારને 5 થી 7 વર્ષની જેલની સજા થઈ શકે છે. કેટલાક ગંભીર ચોરીના કેસોમાં, 15 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.
મીડિયા રિપોર્ટ્સ પણ આવ્યા હતા કે મોહસીન નકવીએ BCCI અધિકારીઓ પાસે માફી માંગી છે. જોકે, PCBના વડાએ આ વાતનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. મોહસીન નકવીએ કહ્યું કે તેણે કોઈ ભૂલ કરી નથી અને કોઈની પાસે માફી માંગી નથી. મોહસીનના મતે, તે કોઈની પાસે માફી માંગવાનો નથી. તેણે કહ્યું કે તે ભારતને એશિયા કપ ટ્રોફી આપવા તૈયાર છે, પરંતુ સૂર્યકુમાર યાદવે તેની પાસે આવીને તે સ્વીકારવી જોઈએ.
આ પણ વાંચો: IND vs WI: ભારત-વેસ્ટ ઈન્ડિઝ પહેલી ટેસ્ટ ક્યારે અને ક્યાં રમાશે ? મેચ લાઈવ ક્યાં જોઈ શકશો?