
એશિયા કપ 2025ના સુપર 4 ના મહત્વપૂર્ણ મેચમાં બાંગ્લાદેશે પાકિસ્તાન સામે ઘાતક બોલિંગ કરી. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને હતી. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે એક સમજદારીભર્યો નિર્ણય સાબિત થયો. બાંગ્લાદેશના બોલરોએ મેચની પહેલી જ ક્ષણથી પાકિસ્તાનના બેટ્સમેન પર દબાણ બનાવ્યું અને તેમની બેટિંગને ખતમ કરી દીધી.
પાકિસ્તાનની બેટિંગ શરૂઆતથી જ નબળી પડી ગઈ. ઓપનર સાહિબજાદા ફરહાનને પહેલી ઓવરમાં જ તસ્કિન અહેમદે માત્ર 4 રનમાં આઉટ કર્યો. ત્યારબાદ સૈમ અયુબને 1.4 ઓવરમાં મહેદી હસને 0 રનમાં આઉટ કર્યો. તે ટુર્નામેન્ટમાં ચોથી વખત 0 રનમાં આઉટ થયો. ત્યારબાદ ફખર ઝમાને 13 રન ઉમેર્યા, પરંતુ સાતમી ઓવરમાં રિશાદ હુસૈને આઉટ કર્યો. હુસૈન તલત પણ માત્ર 3 રન બનાવી શક્યો. કેપ્ટન સલમાન આગા માત્ર 19 રન બનાવી શક્યો, જેના કારણે પાકિસ્તાનની 5 વિકેટ 49 રનમાં પડી ગઈ.
જોકે, મોહમ્મદ હારિસે ટીમને વાપસી કરાવી. તેણે 23 બોલમાં 31 રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. શાહીન શાહ આફ્રિદીએ પણ 13 બોલમાં 19 રન બનાવીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ત્યારબાદ, મોહમ્મદ નવાઝે 25 રન અને ફહીમ અશરફે 14 રન બનાવીને ટીમને 8 વિકેટે 135 રન સુધી પહોંચાડી. જોકે આ ઈનિંગ દરમિયાન પાકિસ્તાને 55 ડોટ બોલનો સામનો કર્યો .
બાંગ્લાદેશ તરફથી તસ્કિન અહેમદ સૌથી સફળ બોલર રહ્યો. તેણે ચાર ઓવરમાં ફક્ત 28 રન આપીને ત્રણ વિકેટ લીધી. રિશાદ હુસૈને ચાર ઓવરમાં ફક્ત 18 રન આપીને બે બેટ્સમેનને આઉટ કર્યા. મેહેદી હસને પણ બે વિકેટ લીધી, જ્યારે મુસ્તફિઝુર રહેમાને એક વિકેટ લીધી. આ મેચ બંને ટીમો માટે કરો યા મરો મેચ છે. વિજેતા ટીમ ફાઈનલમાં ભારત સામે ટકરાશે, જ્યારે હારનાર ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.
આ પણ વાંચો: બુમરાહ આ ભારતીય ક્રિકેટર પર થયો ગુસ્સે, ખોટી માહિતી ફેલાવવાનો લગાવ્યો આરોપ