Ashes 2023: સ્ટીવ સ્મિથે ટેસ્ટ ક્રિકેટમાં પૂરા કર્યા 1000 ચોગ્ગા, વિરાટ કોહલી ઘણો પાછળ, જાણો કોણ છે નંબર વન ક્રિકેટર
ઓસ્ટ્ર્લિયાના દિગ્ગજ બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે હાલની એશિઝ શ્રેણીમાં શાનદાર બેટિંગ કરી છે. તે જબરદસ્ત ફોર્મમાં છે અને તેણે એક સદી પણ ફટકારી છે. સ્ટીવ સ્મિથે ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીમાં 1000 ચોગ્ગા પૂરા કરી લીધા છે.
England vs Australia: ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે એશિઝ શ્રેણીની બીજી ટેસ્ટ લોર્ડ્સ ખાતે રમાઇ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 371 રનનો લક્ષ્યાંક આપ્યો છે. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે અત્યાર સુધી 4 વિકેટ ગુમાવીને 114 રન બનાવી લીધા છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે એક મોટો રેકોર્ડ હાંસિલ કરી લીધો છે અને આ ઉપલબ્ધિ પોતાના નામે કરી છે.
આ પણ વાંચો : BCCI-Dream 11 Sponsorship: ટીમ ઇન્ડિયાની જર્સી પર ચમકશે નવું નામ, 65 હજાર કરોડની કંપની સાથે થઇ ડીલ
સ્મિથ એ કર્યો કમાલ
ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન સ્ટીવ સ્મિથ ઘણા શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા માટે પ્રથમ ઇનિંગમાં 110 રન બનાવ્યા હતા જેમાં 15 ચોગ્ગા સામેલ હતા. પછી બીજી ઇનિંગમાં તેણે 34 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા સામેલ હતા. આ સાથે જ તેણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના એક હજાર ચોગ્ગા પૂરા કરી લીધા છે. સ્ટીવ સ્મિથે ટેસ્ટ ક્રિકેટની 99 મેચમાં 1004 ચોગ્ગા ફટકાર્યા છે. જ્યારે ભારતના વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં 950 ચોગ્ગા ફટકાર્યા છે. તે સ્મિથ કરતા પાછળ છે.
ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ ચોગ્ગા મારનાર બેટ્સમેન
- રિકી પોન્ટિંગ- 1509 ચોગ્ગા
- સ્ટીવ વૉ- 1175 ચોગ્ગા
- એલન બોર્ડર- 1161 ચોગ્ગા
- મેથ્યૂ હેડન- 1049 ચોગ્ગા
- સ્ટીવ સ્મિથ- 1004 ચોગ્ગા
આ બેટ્સમેને ફટકાર્યા સૌથી વધુ ચોગ્ગા
ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સચિન તેંડુલકરે સૌથી વધુ ફોર ફટકારી છે. સચિને તેની ટેસ્ટ કારકિર્દીમાં 2058 ફોર ફટકારી છે. બીજા નંબર પર ભારતના બેટ્સમેન રાહુલ દ્રવિડ છે. તેણે 1654 ચોગ્ગા ફટકાર્યા છે. વેસ્ટ ઇન્ડીઝના બ્રાયન લારાએ 1509 ચોગ્ગા ફટકાર્યા છે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ફોર મારનાર ખેલાડી
- સચિન તેંડુલકર- 2058 ચોગ્ગા
- રાહુલ દ્રવિડ- 1654 ચોગ્ગા
- બ્રાયન લારા- 1559 ચોગ્ગા
- રિકી પોન્ટિંગ- 1509 ચોગ્ગા
- કુમાર સંગાકારા- 1491 ચોગ્ગા
આ પણ વાંચો : Eng vs Aus, 2nd Ashes: લોર્ડઝમાં ઈંગ્લેન્ડ પર હારનો ખતરો, મિશેલ સ્ટાર્ક અને પેટ કમિન્સે ખરાબ કરી દીધો ખેલ!
એશિઝ 2023માં પ્રથમ ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ જીતી હતી
આ વર્ષે પ્રથમ એશિઝ ટેસ્ટ રોમાંચક રહી હતી અને તેમાં ઓસ્ટ્રેલિયાએ બે વિકેટથી જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે શાનદાર બેટિંગ કરી ઓસ્ટ્રેલિયાને 1-0 ની સરસાઇ અપાવી હતી. પ્રથમ મેચમાં ઉસ્માન ખ્વાજા મેન ઓફ ધ મેચ રહ્યો હતો. ખ્વાજા આ વર્ષની એશિઝમાં સ્મિથ સાથે ઓસ્ટ્રેલિયાનો દમદાર બેટ્સમેન સાબિત થયો છે.