RCB ના ભૂતપૂર્વ ખેલાડીની વાપસી, AB ડી વિલિયર્સને લિજેન્ડ્સ 2025 ટુર્નામેન્ટની આ ટીમમાં મળ્યું સ્થાન, જુઓ શેડ્યૂલ
દક્ષિણ આફ્રિકાનો દિગ્ગજ ખેલાડી એબી ડી વિલિયર્સ પણ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025 ટુર્નામેન્ટમાં રમતા જોવા મળશે. આ ટુર્નામેન્ટ 18 જુલાઈથી શરૂ થઈ રહી છે.

દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025 ટુર્નામેન્ટ માટે દિગ્ગજ બેટ્સમેન એબી ડી વિલિયર્સનો તેમની ટીમમાં સમાવેશ કર્યો છે. હવે આ ખેલાડી 18 જુલાઈથી શરૂ થનારી આ ટુર્નામેન્ટમાં પોતાની તાકાત બતાવશે. આ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જોકે ડી વિલિયર્સે ખૂબ જ વહેલા નિવૃત્તિ લીધી હતી. આંખની ઈજાને કારણે, આ ખેલાડીએ આ નિર્ણય લેવો પડ્યો હતો, પરંતુ હવે આ ખેલાડી લેજેન્ડ્સ લીગમાં પોતાનો જલવો બતાવવા જઈ રહ્યો છે.
દક્ષિણ આફ્રિકાની ટીમમાં દિગ્ગજ ખેલાડીઓ જોડાયા
એબી ડી વિલિયર્સ હંમેશા ટી20 ફોર્મેટમાં આક્રમક બેટિંગ કરીને ચાહકોના દિલ જીતી ચૂક્યા છે. 2006 થી 2017 સુધી દક્ષિણ આફ્રિકા માટે રમતા, તેમણે 78 મેચોમાં 135.16 ના સ્ટ્રાઇક રેટથી 1672 રન બનાવ્યા છે અને તેમનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર 79 રન રહ્યો છે. એકંદરે, આ ધમાકેદાર બેટ્સમેન 340 ટી-20 મેચોમાં 150.13 ના સ્ટ્રાઇક રેટથી 9424 રન બનાવ્યા છે.
એબી ડી વિલિયર્સ અંગે, દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સના સહ-માલિક હેરી સિંહે કહ્યું, ‘બધા દિગ્ગજ ખેલાડીઓને પાછા લાવવાની લાગણી ખૂબ જ સન્માનજનક છે. દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ ટીમમાં મજબૂત ખેલાડીઓ રમતા જોવા મળશે અને તેઓ ફરીથી ઇતિહાસ રચવાનો પ્રયાસ કરશે.’
એબી ડી વિલિયર્સ ઉપરાંત, દિગ્ગજ ઓપનર હાશિમ અમલાને પણ દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જ્યારે ક્રિસ મોરિસ, જેપી ડુમિની, એલ્બી મોર્કેલ, ઇમરાન તાહિર, ડેન વિલાસ સહિત ઘણા દિગ્ગજ ખેલાડીઓ શાનદાર ક્રિકેટ રમી શકે છે.
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ ટુર્નામેન્ટના સ્થાપક અને સીઈઓ હર્ષિત તોમરે જણાવ્યું હતું કે, ‘WCL નો અર્થ એ છે કે બધા ખેલાડીઓ એક સાથે આવે અને ફરી એકવાર તેમની ટીમ માટે શાનદાર ક્રિકેટ રમે. એબી ડી વિલિયર્સ મેદાનમાં પાછા ફરવા માટે ઉત્સુક છે અને હાશિમ મામલા અને ક્રિસ મોરિસ જેવા ખેલાડીઓ પણ તેમની સાથે હશે. બધા ચાહકો આ ટુર્નામેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.’
દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ શેડ્યૂલ
- દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ આ ટુર્નામેન્ટનો પોતાનો પહેલો મેચ 19 જુલાઈએ વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન્સ સામે રમવાનો છે.
- ટીમ 22 જુલાઈએ ઈન્ડિયા ચેમ્પિયન્સ સામે પોતાનો બીજો લીગ મેચ રમશે.
- તેઓ 24 જુલાઈએ ઈંગ્લેન્ડ ચેમ્પિયન્સ સામે પોતાનો ત્રીજો મેચ રમતા જોવા મળશે.
- 25 જુલાઈએ દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ પાકિસ્તાન ચેમ્પિયન્સ સામે ટકરાશે.
- આ ટીમ 27 જુલાઈએ ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ સામે છેલ્લી લીગ મેચ રમશે.
- ટુર્નામેન્ટના બંને સેમિફાઇનલ મેચ 31 જુલાઈએ રમાશે જ્યારે ફાઇનલ 2 ઓગસ્ટે રમાશે.