રાજ્યના નવરચિત મંત્રીમંડળના 10 કેબિનેટ મંત્રીઓના અભ્યાસ, વ્યવસાય અને રાજકીય સફર
આજે રાજભવન, ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કેબિનેટ કક્ષાના 10, રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા 5 મંત્રીઓને અને રાજ્યકક્ષાના 9 મંત્રીઓ એમ મળીને કુલ 24 મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. રાજ્યના નવરચિત મંત્રી મંડળના મંત્રીઓનો પરિચય આ પ્રમાણે છે.
આજે રાજભવન, ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કેબિનેટ કક્ષાના 10, રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા 5 મંત્રીઓને અને રાજ્યકક્ષાના 9 મંત્રીઓ એમ મળીને કુલ 24 મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. રાજ્યના નવરચિત મંત્રી મંડળના મંત્રીઓનો પરિચય આ પ્રમાણે છે.
કેબિનેટ કક્ષાના મંત્રીઓનો પરિચય :
(1) રાજેન્દ્ર ત્રિવેદી રાજેન્દ્ર ત્રિવેદી, રાવપુરા (વડોદરા) વિધાનસભામાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. 19 જુન, 1954ના રોજ વડોદરા ખાતે થયો હતો. તેમણે બી.એસસી.(ઓનર્સ), એલએલ.બી. સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ ખેતી તથા વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ તેરમી ગુજરાત વિધાનસભા, 2012-17માં ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા બાદ 7 ઑગસ્ટ 2016થી 25મી ડિસેમ્બર 2017 સુધી રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (સ્વતંત્ર હવાલો), યાત્રાધામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. 14મી ગુજરાત વિધાનસભા 2017-22માં ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા બાદ તા. 19 ફેબ્રુઆરી, 2018થી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યો છે. તેઓ વાંચન, સામાજિક પ્રવૃત્તિ, સાહિત્યિક પ્રવૃત્તિ અને કવિતા લેખનનો શોખ ધરાવે છે.
(2) જિતેન્દ્ર વાઘાણી જિતેન્દ્ર વાઘાણી, 105 ભાવનગર વિધાનસભામાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. 28 જુલાઇ, 1970ના રોજ ભાવનગરના વરતેજ ખાતે થયો હતો. તેમણે બી.કોમ., એલએલ.બી., એલ.ડી.સી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ ખેતી અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ તેરમી ગુજરાત વિધાનસભાના સભ્ય પણ રહ્યાં છે. તેઓ વાંચન, સમાજસેવા, લોકસાહિત્ય, રમતગમત અને પ્રવાસનો શોખ ધરાવે છે.
(3) ઋષિકેષ પટેલ ઋષિકેષ પટેલ, 22 વિસનગર (મહેસાણા) વિધાનસભામાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. 30 ઓક્ટોબર-1961ના રોજ ખેરાલુના સુંઢિયા ગામે થયો છે. તેઓએ ડિપ્લોમાં ઈન સિવિલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ 12મી-13મી ગુજરાત વિધાનસભાના પણ સભ્ય હતા. તેઓ વિસનગર પંચશીલ એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ, મહેસાણા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ચેરમેન છે. તેમજ વિસનગર ખેત-ઉત્પન્ન બજાર સમિતિમાં પણ વર્ષ 2016થી કાર્યરત છે. તેઓને વાંચન, રમતગમત, પ્રવાસ અને સંગીતનો શોખ છે.
(4) પૂર્ણેશ મોદી પૂર્ણેશકુમાર મોદી, 167-સુરત(પશ્ચિમ) મતવિભાગ (સુરત શહેર) વિધાનસભામાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ 22મી ઓકટોબર 1965ના રોજ સુરત ખાતે થયો છે. તેમણે બી.કોમ અને એલએલ.બીનો અભ્યાસ કર્યો છે. તેઓ વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 2013 થી 2017 ૧૩મી ગુજરાત વિધાનસભા દરમ્યાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં સંસદીય સચિવ તરીકે સેવાઓ આપી છે.
(5) રાઘવજી પટેલ રાઘવજી પટેલ, 77-જામનગર (ગ્રામ્ય) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયા છે. તેમનો જન્મ 1લી જૂન, 1958ના રોજ મોટા ઇંટાળા, તા. ધ્રોલ, જિ. જામનગર ખાતે થયો હતો. તેમણે બી.એ., એલએલ.બી.નો અભ્યાસ કર્યો છે. તેઓ ખેતી અને શૈક્ષણિક પ્રવૃત્તિનો વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ 8મી ગુજરાત વિધાનસભા, 1990-95, નવમી ગુજરાત વિધાનસભા, 1995-97, દશમી ગુજરાત વિધાનસભા, 1998-2002 (પેટા ચૂંટણી), બારમી ગુજરાત વિધાનસભા, 2007-12, તેરમી ગુજરાત વિધાનસભા, 2012-17. રાજ્ય કક્ષાના મંત્રી, ગ્રામ ગૃહનિર્માણ વિભાગ, ગુજરાત સરકાર, 1995-96 તરીકે સેવા આપી ચૂક્યા છે.
(6) કનુ દેસાઇ કનુ દેસાઇ, 180-પારડી (વલસાડ) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ 3જી ફેબ્રુઆરી, 1951ના રોજ ઉમરસાડી ખાતે થયો હતો. તેમણે બી.કોમ., એલએલ.બી. (સ્પેશિયલ) સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ ખેતી અને વેપારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે તેરમી ગુજરાત વિધાનસભા, 2012-17, કોષાધ્યક્ષ, નોટિફાઈડ એરિયા જી. આઈ. ડી. સી., વાપી, ભારતીય જનતા પક્ષ, 2006-09, વલસાડ જિલ્લા ભા.જ.પ. 2009-12. મહામંત્રી, વલસાડ જિલ્લા ભા.જ.પ., 2011-12. પ્રમુખ, વલસાડ જિલ્લા ભા.જ.પ., 2012થી. સભ્ય અને ટ્રસ્ટી, રોટરી ક્લબ, વાપી. ટ્રસ્ટી, જ્ઞાનધામ ચેરિટેબલ ટ્રસ્ટ, વાપી, જ્ઞાનધામ ચેરિટેબલ ટ્રસ્ટ, આહવા, સાન્દ્રા શ્રોફ રોફેલ કોલેજ ફોર નર્સિંગ. ડાયરેક્ટર, વાપી ગ્રીન લિ., જી. આઈ. ડી. સી., વાપી જેવી વિવિધ જવાબદારીઓ વહન કરી છે.
(7) કિરીટ રાણા કિરીટ રાણા, 61-લીંબડી મત વિભાગ (સુરેન્દ્રનગર) વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તા.7 જુલાઇ 1964ના રોજ જન્મ થયો હતો. તેઓએ મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે. આ બેઠક પર કિરીટ રાણા ત્રીજી વખત પેટા-ચૂંટણી જીત્યા છે. આ પહેલા તેમણે 1995 અને 2013માં પેટા ચૂંટણી જીતી હતી. કિરીટસિંહ રાણા નરેન્દ્ર મોદી સરકારમાં પશુપાલન મંત્રી રહી ચુક્યા છે. તેમણે 1995માં પેટા ચૂંટણીમાં જીતથી રાજકીય સફરની શરૂઆત કરી હતી. તેઓએ પાંચ વખત ચૂંટણી જીતી છે. તેઓ ક્ષત્રિય સમાજના આગેવાન છે.
(8) નરેશ પટેલ નરેશ પટેલ, 176-ગણદેવી (નવસારી) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ 1લી જાન્યુઆરી, 1969ના રોજ મોગરાવાડી, નવસારી ખાતે થયો હતો. તેમણે એસ.એસ.સી. સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને વેપારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે બારમી ગુજરાત વિધાનસભા, 2007-12, અધ્યક્ષ, નવસારી જિલ્લા ભા.જ.પ., છેલ્લી બે સમયાવધિથી; મંત્રી, રાષ્ટ્રીય આદિજાતિ મોરચો, ભા.જ.પ.; ઉપપ્રમુખ, જાગૃતિ વિદ્યાલય, રૂમલા, વર્ષ 1996થી આજપર્યંત; ચેરમેન, મોગરાવાડી દૂધ સેવા સહકારી મંડળી, 1990-92; ચેરમેન, રૂમલા વિભાગ ખરીદ-વેચાણ સેવા સહકારી મંડળી, 1993-95; ટ્રસ્ટી, ઉનાઈ માતાજી મંદિર; પૂર્વ ઉપપ્રમુખ, ચિખલી તાલુકા પંચાયત જેવી વિવિધ જવાબદારીઓ વહન કરી છે. તેઓ વાંચન, લેખન, સંગીત અને ક્રિકેટનો શોખ ધરાવે છે.
(9) પ્રદિપ પરમાર પ્રદિપ પરમાર, 56-અસારવા મતવિભાગ (અમદાવાદ) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા.17 જૂન 1964ના રોજ અમદાવાદ ખાતે થયેલો છે. તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ બાંધકામ, પેટ્રોલપંપ અને વોટર સપ્લાયના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ નાટક જોવાનો અને પુસ્તક-વાંચનનો શોખ ધરાવે છે.
(10) અર્જુનસિંહ ચૌહાણ અર્જુનસિંહ ચૌહાણ, 117-મહેમદાવાદ મતવિભાગ (ખેડા) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા.22 જૂન 1976ના રોજ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામે થયો છે. તેમણે બી.કોમ., ડી.સી.એમ.નો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમને લેખન, વાંચન, પ્રવાસ, સંગીત અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવાનો શોખ છે.