Gujarat Elections 2021 Results :
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંતર્ગત નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓનું પરિણામ જાહેર થયું. જ્યાં સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાજપે જંગી બહુમતી મેળવી છે. ત્યારે ભાજપે પણ આપની માફક સામાન્ય વર્ગના લોકોને ટિકિટ આપી છે. જેમાં બાબરા નગરપાલિકામાં ઈંટો પકવવાના ભઠ્ઠામાં કામ કરતા ભૂપતભાઈ સાકોરિયાની 8 ધોરણ પાસ પત્ની જિજ્ઞાસાબહેનને વોર્ડ નં-1ની ટિકિટ અપાઇ હતી અને આજે જિજ્ઞાસાબેને જંગી બહુમતીથી વોર્ડ નં-1 માં વિજય મેળવ્યો છે. આ અંગે જિજ્ઞાસાબહેન જણાવ્યું કે ‘મારો એક જ હેતુ છે પ્રજાનો વિકાસ, હું હંમેશા પ્રજાના વિકાસ માટે કાર્યરત રહીશ.’
લોકોની સમસ્યાને દૂર કરવા હું કટિબદ્ધ છું – જિજ્ઞાસાબહેન
ધોરણ 8 પાસ જિજ્ઞાસાબહેન મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે અને તેમણે પહેલીવાર બાબરા નગરપાલિકામાંથી ચૂંટણી લડી છે.અને પહેલી ચૂંટણીમાં તેઓ વિજયી થતાં પરિવાર અને પક્ષમાં ખુશીની લાગણી છવાઈ છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે બાબરામાં લોકશાહીના પર્વની ઉજવણી પૂરી થઇ ગઇ છે. અને જાગ્રત મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મારી પસંદગી કરી છે. હવે હું બાબરામાં વોર્ડ નં -1 ને વિકાસ તરફ લઈ જઈશ. વોર્ડ નં-1માં લોકોની મુખ્ય સમસ્યા રોડ,રસ્તા અને પાણીની છે અને એને દૂર કરવા હું કટિબદ્ધ છું.
જિજ્ઞાસાબહેનની જીત વિશે વાત કરતા તેમના પતિ ભૂપતભાઈ જણાવે છે કે મારી પત્નીના વિજયથી હું ખૂબ ખુશ છું અને એટલું જ કહું છું કે ભાજપે આ વખતે યોગ્ય ઉમેદવારને મત આપ્યો છે. હું ભઠ્ઠીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવું છું અને બાકીના સમયમાં પ્રચાર માટે પત્નીની મદદ કરું છું.’ ઉલ્લેખનીય છે કે મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતાં જિજ્ઞાસાબહેને ભલે ધોરણ 8 સુધી જ અભ્યાસ કર્યો છે. પરંતુ તેમણે પોતાની ત્રણ દીકરીને ભણાવી-ગણાવીને સુશિક્ષિત કરી, જે હાલ નર્સ તરીકે કાર્યરત છે અને તેમનો દીકરાને હાલ 10મા ધોરણનો અભ્યાસ કરાવી રહ્યા છે.