USA ના એક પછી એક પગલાંને કારણે, ભારત-અમેરિકાના સંબંધો સુધરશે કે બગડશે ? જાણો
અમેરિકાએ ભારતના અગ્રણી ઉદ્યોગપતિ અને ગુજરાતી એવા ગૌતમ અદાણી ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે. ગૌતમ અદાણીની વિવિધ કંપનીઓ ભારતના સિમાડાઓને પાર વ્યવસાય વિસ્તારી ચૂકી છે. આવા સંજોગોમાં અમેરિકા સ્થિત વર્તમાન બાઈડનની સરકાર, નવી આવનાર ટ્ર્મ્પ સરકાર માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિનું નિર્માણ કરી રહી છે. જેથી કરીને અમરિકાના લોકો ટ્રમ્પ કરતા તો બાઈડનની સરકાર સારી હતી તેમ કહે.
1 / 8
ભારતમાં 2014માં કેન્દ્રમાં સરકાર બદલાયા બાદ, વિશ્વના અનેક દેશ સાથે ભારતના સંબંધો સારા થયા છે. છેલ્લા 10 વર્ષમાં ભારતે તમામ ક્ષેત્રે પોતાની જરૂરીયાતોને ધ્યાને રાખીને વિશ્વના જે તે દેશ સાથે સંબંધોને વિકસાવ્યા છે. આના કારણે અમેરિકાના તત્કાલિન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની મિત્રતા પણ વિકસી છે. જે વિશ્વભરમાં જાણીતી છે.
2 / 8
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ હાર્યા અને બાઈડન જીત્યા બાદ, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો જળવાઈ રહ્યાં. પરંતુ આ સંબંધો ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન જેટલા મજબૂત હતા એટલા મજબૂત ના થયા. બન્ને દેશોએ એકબીજાના હિતોને ધ્યાને રાખીને વૈશ્વિકસ્તરે સંબંધો જાળવી રાખ્યાં. પરંતુ તેને એક બીજાના દેશને લાભ થાય તેવા સ્તરે ના લઈ ગયા.
3 / 8
ભારત અને રશિયા વચ્ચેના સંબંધો આજકાલના નહીં, ભારત આઝાદ થયુ ત્યારના છે. ભારત અને રશિયા એકબીજાના હિતોને ધ્યાને રાખીને આંતરરાષ્ટ્રીયસ્તરે નિર્ણયો લેતા આવ્યા છે. ભારત અને રશિયા વચ્ચેના સારા સંબંધોની સાથેસાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટીન વચ્ચે સારી મિત્રતા છે. આ વાત પણ વિશ્વના અનેક નેતાઓ દેશ સારી રીતે જાણે છે.
4 / 8
રશિયાએ યુક્રેન પર કરેલા હુમલા બાદ, જગત જમાદાર તરીકે ઓળખાતા અમેરિકાએ રશિયા ઉપર કેટલાક પ્રતિબંધો લાદયા હતા. વિશ્વના અનેક દેશે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને લગાવેલા પ્રતિબંધોને અનુસર્યા અને રશિયા સાથેનો વ્યવહાર કાપ્યો, પરંતુ ભારતે મિત્રદેશ રશિયાને મદદ કરવાના હેતુથી બાઈડન સરકારે લગાવેલા પ્રતિબંધોની ઘોર અવગણના કરીને આર્થિક વ્યવહારો ચાલુ રાખ્યા. એટલુ જ નહીં, અમેરિકાના ડોલરને બદલે અન્ય ચલણમાં આર્થિક વ્યવહાર કરવાની શરૂઆત પણ કરી. જે અમેરિકાના કેટલાક હિત ધરાવનારાઓને પસંદ ના આવ્યું.
5 / 8
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનના શાસનકાળમાં, કેટલાક એવા નિર્ણયો પણ લેવાયા જે ભારતની વિરુદ્ધ હોય. ખાસ કરીને ખાલિસ્તાનનો ઝંડો લઈને કેનેડામાં ફરતા આતંકવાદીઓ મુદ્દે અમેરિકાએ કેનેડાને સાથ આપ્યો. દેશ વિરોધી તત્વોના હત્યા મામલે અમેરિકાએ આડકતરી રીતે ભારત સામે આંગળી ચિંધી, કેનેડાના રાજદ્વારી સામે કાનુની કાર્યવાહીના મુદ્દે પણ અમેરિકાએ કેનેડાને સાથ આપ્યો. ભારતના પડોશી દેશ બાગ્લાદેશમાં, ભારત સમર્થક સરકાર ઉથલાવીને પોતાના રાજકીય મનસુબા પાર પાડ્યા. આમ છેલ્લા કેટલાક સમયથી અમેરિકા દ્વારા ભારત વિરુદ્ધ એક પછી એક પગલાં લેવાતા ગયા, જેમાં ગૌતમ અદાણી સામેની કાર્યવાહીનો પણ સમાવેશ કરી શકાય.
6 / 8
અમેરિકામાં તાજેતરમાં જ યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. આ પરિણામોમાં ડોનાલ્ડ ટ્ર્મ્પ અને તેમના રાજકીય પક્ષે તમામ ક્ષેત્રે સ્પષ્ટ બહુમતિ મેળવી લીધી છે. આ પરિણામોથી ચોંકી ઉઠેલ જો બાઈડનની સરકાર અને તેમના રાજકીય પક્ષે, એક એવી ચાલ ચાલી કે આવનારા વર્ષોમાં ડોનાલ્ડ ટ્રમ્પનો રાજકીય પક્ષ કે તેમનો પ્રતિનિધિ અમેરિકામાં સત્તાસ્થાને ના આવી શકે.
7 / 8
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર્યા બાદ, સતાથી વિમૂખ થઈ રહેલ જો બાઈડનની સરકાર અને તેમનો રાજકીય પક્ષ એક પછી એક એવા પગલાં ભરી રહી છે કે, અમેરિકાના નવા આવનારા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે મુશ્કેલી સર્જે. ડોનાલ્ડ ટ્રમ્પની સાથે જે દેશ કે રાષ્ટ્રધ્યક્ષના સંબંધો સારા હોય તે દેશ વિરુદ્ધ બાઈડન સરકાર એક પ્રકારના પગલાંઓ લઈ રહી છે. જેના કારણે ટ્ર્મ્પની સાથે જે તે દેશના અને રાષ્ટ્રધ્યક્ષના સંબંધો ખરાબ થાય અને તેની સીધી અસર નવા આવનારા રાષ્ટ્રપતિ ટ્ર્મ્પના કાર્યકાળ પર પડે.
8 / 8
વિદેશ નીતિના જાણકારોનું કહેવું છે કે, હાલમાં અમેરિકા દ્વારા લેવાઈ રહેલ પગલાંઓ કેટલાક સમય પૂરતાઓ હોઈ શકે છે. નવી આવનાર ટ્રમ્પની સરકાર બાઈડન સરકારના નિર્ણયોને ઉલેટફેર કરી શકે છે. જો આમ થયું તો, ભારત વિરુદ્ધ લેવાયેલ બાઈડન સરકારના પગલાંઓ ટ્ર્મ્પ સરકાર ઉથલાવી નાખીને બન્ને દેશ વચ્ચેના સંબંધો પૂર્વવત થઈ શકે છે. ટ્રમ્પની સરકાર આવતા જ, ભારત સાથેના તમામ ક્ષેત્રે સંબંધો પૂર્વવત થવાની સાથે વધુ મજબૂત થઈ શકે છે.