
નિષ્ણાતોનું માનવું છે કે, ડરીને પાછળ હટવાને બદલે એક સમજદારીભરી વ્યૂહરચના સાથે બજારમાં ટકી રહેવું જ ફાયદાકારક છે. આનંદ રાઠી વેલ્થ લિમિટેડના સુમિત શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, જો તમારી વ્યૂહરચના લાંબા-ગાળાની હોય તો રોકાણ માટે દરેક સમય સારો છે. નિફ્ટી 50માં દર વર્ષે સરેરાશ 18%નો ઘટાડો જોવા મળે છે પરંતુ તે એક વર્ષની અંદર રિકવર પણ થઈ જાય છે. બજારમાં સંપૂર્ણ સ્પષ્ટતાની રાહ જોવા કરતા વહેલી શરૂઆત કરવી વધુ સારી છે, જેથી તમને 'કંપાઉન્ડિંગ'નો લાભ મળી શકે.

જો તમારી પાસે ₹50,000 થી ₹2 લાખની વધારાની રકમ હોય, તો નિષ્ણાતો તેને એકસાથે એટલે કે લમ્પ-સમ (Lump-sum) રોકવાની સલાહ આપતા નથી. સ્વાસ્તિકા ઇન્વેસ્ટમાર્ટના સંતોષ મીણાના જણાવ્યા મુજબ, બધા પૈસા એકસાથે નાખવાને બદલે આગામી 4 થી 6 મહિનામાં ટુકડે-ટુકડે રોકાણ કરો. આનાથી તમને બજારના ઘટાડાનો લાભ મળશે અને જો માર્કેટ હજુ વધુ ઘટે છે, તો તમારી પાસે રોકાણની વધુ તકો રહેશે.

એવામાં સવાલ એ છે કે, 'મ્યુચ્યુઅલ ફંડ, ETF કે ડાયરેક્ટ ઇક્વિટી' ક્યાં રોકવા પૈસા? હવે આ તો તમારી જોખમ લેવાની ક્ષમતા પર જ આધાર રાખે છે. પગારદાર રોકાણકારો માટે 'ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ' શ્રેષ્ઠ છે. આ ફંડ્સ પ્રોફેશનલ્સ દ્વારા મેનેજ કરવામાં આવે છે અને સારું ડાયવર્સિફિકેશન આપે છે. બીજી તરફ, જો તમે ઓછા ખર્ચે બજારમાં ગ્રોથનો લાભ લેવા માંગતા હોવ, તો 'ઇન્ડેક્સ ETF' એક સુરક્ષિત વિકલ્પ છે. આ સિવાય જેમની પાસે નિયમિત આવક છે, તેમણે 'સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન' એટલે કે 'SIP' કરવી જોઈએ. નિષ્ણાતોના મતે, મહિને ₹20,000ની SIP 15 વર્ષમાં તમને ₹1 કરોડથી વધુનું ફંડ આપી શકે છે.

ઇક્વિરસ વેલ્થના અંકુર પુંજ મુજબ, માત્ર શેરમાં જ પૈસા ન રોકો. વર્તમાન માહોલમાં પોર્ટફોલિયોને બેલેન્સ કરવો જરૂરી છે. યુદ્ધના સમયે સોનું હંમેશા સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. ટૂંકમાં, એવા 'મલ્ટી-એસેટ ફંડ્સ' જે શેર, સોનું અને બોન્ડ્સ એમ ત્રણેયમાં રોકાણ કરે છે, તે જોખમને ઘટાડી શકે છે. તમારી પાસે થોડી રોકડ (Cash) પણ રાખો જેથી, જો બજારમાં મોટો ઘટાડો આવે, તો તમે સસ્તામાં શેર ખરીદી શકો.

માર્ચ મહિનામાં SIP બંધ કરનારાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે, જે રોકાણકારોનો ડર દર્શાવે છે. નિષ્ણાતોની સલાહ છે કે, તમારી SIP ન રોકો, કારણ કે બજારમાં ઘટાડા સમયે તમને તેટલી જ રકમમાં વધુ 'યુનિટ્સ' મળે છે, જે ભવિષ્યમાં મોટો નફો આપે છે. બિનજરૂરી ગભરાટથી બચો અને માત્ર સમાચારોના આધારે રાતોરાત તમારો પોર્ટફોલિયો ન બદલો.