પ્રિયંકા ગાંધીએ કેરળના વાયનાડથી લોકસભા પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. પ્રિયંકા ગાંધીની આ પ્રથમ ચૂંટણી લડાઈ છે. પ્રિયંકા એલડીએફ અને ભાજપના ઉમેદવારો સામે ચૂંટણી જંગ લડશે. વાયનાડમાં 13 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બરે મતગણતરી થશે.
પ્રિયંકા ગાંધીના ઉમેદવારી ભરતા સમયે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ મંચ પર હાજર હતા.
પ્રિયંકા ગાંધીએ ઉમેદવારી નોંધાવતા પહેલા તેમણે રોડ શો કર્યો હતો અને જનસભાને સંબોધી હતી. આ દરમિયાન કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ હાજર હતા.
રાહુલ ગાંધીએ કહ્યું કે એકવાર તેમની બહેન જીતી જશે તો વાયનાડના લોકો સંસદમાં તેમનું પ્રતિનિધિત્વ કરવા માટે તેમના સહિત બે સાંસદો રહેશે. રાહુલે કહ્યું, હું વાયનાડના લોકોનો બિનસત્તાવાર સાંસદ બનીશ.
પ્રિયંકા ગાંધીએ વાયનાડ લોકસભા બેઠક પરથી પક્ષના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવીને પોતાની ચૂંટણીની ઇનિંગની શરૂઆત કરી હતી. આ પ્રસંગે તેણીએ કહ્યું કે તેણીને રાજકારણમાં 35 વર્ષનો અનુભવ છે, કારણ કે તેણી 17 વર્ષની ઉંમરે 1989માં પિતા રાજીવ ગાંધી સાથે પ્રથમ વખત ચૂંટણી પ્રચારમાં જોડાઈ હતી.
લોકસભા ચૂંટણીમાં વાયનાડની સાથે રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના રાયબરેલીથી પણ ચૂંટાયા હતા. બાદમાં તેણે વાયનાડ સીટ છોડવાનો નિર્ણય કર્યો. આ કારણોસર અહીં પેટાચૂંટણી યોજાઈ રહી છે. વાયનાડમાં 13 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બરે મતગણતરી થશે. ( તસવીર સૌજન્ય-PTI)