
વિન્ડ એનર્જી સોલ્યુશન કંપની આઇનોક્સ વિન્ડ (Inox Wind) દ્વારા નાણાકીય વર્ષ 2026ના ચોથા ક્વાર્ટરના (Q4FY26) અત્યંત નબળા નાણાકીય પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ પરિણામો બાદ બ્રોકરેજ ફર્મ નુવામા (Nuvama)નો રિપોર્ટ આવ્યો છે, જેમાં તેણે આ સ્ટોક માટે 'BUY' (ખરીદવાની) રેટિંગ આપવાની સાથે સાથે આગામી એક વર્ષનો ટાર્ગેટ પણ આપ્યો છે, જે વર્તમાન કિંમતથી 32 ટકાથી વધુ ઉછાળાનો સંકેત આપી રહ્યો છે. હાલ આ કંપનીના સ્ટોકની કિંમત 93.02 રૂપિયાની આસપાસ છે.

આ સ્ટોક છેલ્લા 6 મહિનામાં 30 ટકાથી વધુ તૂટી ચૂક્યો છે. શુક્રવારે આ સ્ટોક તેના અગાઉના બંધ ભાવથી લગભગ 1 ટકા વધીને 96.60 રૂપિયા પ્રતિ શેર પર ખૂલ્યો હતો પરંતુ વેચવાલીના દબાણને કારણે સ્ટોકમાં 3 ટકાનો ઘટાડો થયો હતો અને તે 92.95 રૂપિયા પ્રતિ શેરના ભાવે બંધ થયો હતો. 29 મે 2026 સુધીમાં આ સ્ટોકની માર્કેટ કેપ 16,063.97 કરોડ રૂપિયા છે. આ ભારે ઘટાડા અને નબળા પરિણામો છતાં બ્રોકરેજે આ સ્ટોક પર પોતાનો ભરોસો જાળવી રાખ્યો છે.

રિપોર્ટમાં પરિણામોની સમીક્ષા કરતા બ્રોકરેજે જણાવ્યું છે કે, આ ક્વાર્ટરમાં કંપનીની આવક (રેવેન્યુ) અંદાજ કરતા ઘણી ઓછી એટલે કે 12.4 અબજ રૂપિયા રહી છે, જ્યારે તે 21.5 અબજ રૂપિયા રહેવાનો અંદાજ હતો. બ્રોકરેજનું કહેવું છે કે, ઇપીસી (EPC) સંબંધિત ખર્ચમાં વાર્ષિક ધોરણે 95 ટકાનો મોટો વધારો થવાને કારણે કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન (OPM) ઘટીને 16 ટકા રહી ગયો છે, જે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં 19.9 ટકા હતો. આ કારણે કંપનીનો EBITDA બજારના અંદાજ કરતાં લગભગ 45 ટકા પાછળ રહી ગયો છે. ભવિષ્યમાં કોર્પોરેટ સ્તરે થનારા ફેરફારો અને બિઝનેસ મોડલમાં સુધારાને ધ્યાનમાં રાખીને, બ્રોકરેજે પ્રતિ શેર 123 રૂપિયાના ટાર્ગેટ સાથે શેર પર પોતાની 'BUY' રેટિંગ યથાવત રાખી છે, જે વર્તમાન સ્તરથી આશરે 32.2 ટકાથી વધુની તેજી દર્શાવે છે.

ચોથા ક્વાર્ટરમાં કંપનીના પ્રદર્શન પર ગ્રાઉન્ડ લેવલના પડકારો અને મેક્રો એન્વાયરમેન્ટની મોટી અસર જોવા મળી હતી. ઇપીસી ઇન્સ્ટોલેશન સંબંધિત ખર્ચમાં અચાનક આવેલા ઉછાળાએ માર્જિનને ખરાબ રીતે પ્રભાવિત કર્યું હતું. મેનેજમેન્ટને આશા છે કે, ઇસીએસ (ECS) સપ્લાયને લગતી આ સમસ્યાઓ નાણાકીય વર્ષ 2027ના પ્રથમ ક્વાર્ટર સુધી જ મર્યાદિત રહેશે અને બીજા ક્વાર્ટરથી (Q2FY27) સ્થિતિ સામાન્ય થઈ જશે. કંપનીએ આગામી નાણાકીય વર્ષમાં આવકમાં 75 ટકાના શાનદાર વધારા અને 20-22 ટકા EBITDA માર્જિનનું મજબૂત ગાઇડન્સ આપ્યું છે.

Q4FY26 દરમિયાન અમદાવાદ NCLT દ્વારા IGESL માંથી સબસ્ટેશન બિઝનેસના ડીમર્જર (વિભાજન) અને ઇનોક્સ રેસ્કોમાં તેના મર્જરને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. 10 અબજ રૂપિયાના ગ્રોસ બ્લોકવાળા આ મોટા નિર્ણયથી IGESL એક એસેટ-લાઈટ O&M (ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ) પ્લેયરમાં ફેરવાઈ જશે, જેનાથી કંપનીના રિટર્ન ઓન ઇક્વિટી (RoE) અને રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ (RoCE)માં સુધારો થશે. CESC અને અન્ય કંપનીઓ સાથે ગ્રૂપના IPP-લેડ ફ્રેમવર્ક કરારોને કારણે કામગીરીના અમલીકરણમાં સુધારો જોવા મળી રહ્યો છે, જે લાંબાગાળે રોકાણકારો માટે નફાકારક સાબિત થઈ શકે છે.